Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદક્ષિણમાં રાહુલ ગાંધી 'ભારત જોડો યાત્રા' કરી રહ્યા છે ત્યાં ઉત્તરે રાજસ્થાનમાં...

    દક્ષિણમાં રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ કરી રહ્યા છે ત્યાં ઉત્તરે રાજસ્થાનમાં બળવો: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામાં આપવા પહોંચ્યા

    રાજસ્થાનમાં અશોક ગેહલોતે હાઈકમાન્ડ સામે શક્તિ પ્રદર્શન કર્યું, અનેક ધારાસભ્યોની રાજીનામાંની ચીમકીથી ગાંધી પરિવાર મુશ્કેલીમાં.

    - Advertisement -

    એક તરફ રાહુલ ગાંધી દક્ષિણમાં ‘ભારત જોડો યાત્રા’ કરી રહ્યા છે ત્યાં ઉત્તરમાં રાજસ્થાનમાં અલગ જ ખેલ ચાલી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે અને અશોક ગેહલોત જૂથના લગભગ 80થી વધુ ધારાસભ્યો રાજીનામાં આપવા સુધી આવી ગયા છે. આ ધારાસભ્યો રાજીનામાં લઈને વિધાનસભા સ્પીકરના આવાસ પર પહોંચ્યા હતા. 

    અશોક ગેહલોત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તેમની જીત નિશ્ચિત જ માનવામાં આવી રહી છે. આ સંજોગોમાં તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે તે પણ નક્કી છે. પરંતુ અત્યાર સુધી તેમના સ્થાને સચિન પાયલટને રાજસ્થાનનું સુકાન સોંપવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ હવે સચિન પાયલટ માટે કપરાં ચઢાણ દેખાઈ રહ્યાં છે, કારણ કે ગેહલોત જૂથ બળવો કરી બેઠું છે. 

    આજે અશોક ગેહલોતના 82 જેટલા સમર્થક ધારાસભ્યો કોંગ્રેસ નેતા શાંતિ ધારીવાલના ઘરે એકઠા થયા હતા. જ્યાં તેમનાં તમામનાં રાજીનામાં લેવામાં આવ્યાં અને ત્યારબાદ એક બસ ભરીને તમામ ધારાસભ્યો વિધાનસભા સ્પીકર સી.પી જોશીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. 

    - Advertisement -

    કોંગ્રેસ નેતા અને અશોક ગેહલોતના નજીકના ગણાતા પ્રતાપ ખાચરિયાવાસે કહ્યું કે, અમારી બેઠક થઇ ગઈ છે, અમારી સાથે 92 ધારાસભ્યો છે. જેમણે રાજીનામું આપી દીધું છે. આ ધારાસભ્યોનું કહેવું છે કે નવા મુખ્યમંત્રીની પસંદગી કરતી વખતે તેમનો મત લેવામાં આવ્યો ન હતો અને તેઓ નારાજ છે. 

    ગેહલોત જૂથના ધારાસભ્યોએ હાઈકમાન્ડ સામે પણ મોરચો માંડી દીધો છે અને કહ્યું છે કે, જો તેમની વાત સાંભળવામાં નહીં આવે તો તેઓ સામૂહિક રાજીનામું આપી દેશે. 

    બીજી તરફ, હાઇકમાન્ડે દિલ્હીથી મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને રાજસ્થાન મોકલ્યા છે. આ નેતાઓ સીએમ અશોક ગેહલોતના નિવાસસ્થાને ધારાસભ્યોની બેઠક માટે પહોંચ્યા હતા. પરંતુ ગેહલોત જૂથના ધારાસભ્યોએ બળવો કરી દેતાં હવે આ બેઠક રદ થઇ ગઈ છે. 

    એક-દોઢ વર્ષ બાદ રાજસ્થાનમાં ફરી રાજકીય અસ્થિરતા સર્જાઈ છે. ત્યારે કોંગ્રેસ નેતા સચિન પાયલટે બળવો કરી દીધો હતો અને પોતાની સાથે કેટલાક ધારાસભ્યોને લઈને દિલ્હી પહોંચી ગયા હતા. જોકે, તેમનું કંઈ ઉપજ્યું ન હતું અને ગેહલોત પોતાની ખુરશી બચાવવામાં સફળ રહ્યા હતા. 

    હવે જ્યારે અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી પદની ખુરશી છોડવા જઈ રહ્યા છે ત્યારે તેમના સ્થાને હાઇકમાન્ડ સચિન પાયલટને સીએમ બનાવવા માટે વિચારી રહ્યું છે ત્યારે બીજી તરફ ગેહલોત વિધાનસભા સ્પીકર સી. પી જોશીનું નામ આગળ કરી રહ્યા છે. દરમ્યાન હવે તેમણે જે રીતે શક્તિ પ્રદર્શન કર્યું છે તેને જોતાં સચિન પાયલટની રાહ વધુ કઠિન જણાઈ રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં