જે વિડીયો સામે આવ્યા તેમાં પૂર્વ CM અરવિંદ કેજરીવાલનો ઢગલાબંધ ગાડીઓ સાથેનો કાફલો CM આવાસની બહાર નીકળતો જોવા મળ્યો હતો. જેમાં પૂર્વ CM તેમના માતા-પિતા, પત્ની અને 2 બાળકો સાથે ‘શીશમહેલ’ છોડી કારમાં જતા દેખાયા હતા. આ સિવાય તેમના બંગલે મિની ટ્રકો પણ જોવા મળી હતી, જેમાં સંભવતઃ સામાન હોય શકે.
#WATCH | Delhi: Former Delhi CM and AAP National Convenor Arvind Kejriwal vacates his residence along with his family. pic.twitter.com/quorCuyHud
— ANI (@ANI) October 4, 2024
અહેવાલો અનુસાર, CM નિવાસ ખાલી કરીને અરવિંદ કેજરીવાલ ફિરોઝશાહ રોડ પર આવેલા અન્ય એક સરકારી બંગલામાં સ્થળાંતર કરશે. હાલમાં ફિરોઝશાહ રોડ પર આવેલો આ બંગલો AAP રાજ્યસભા સાંસદ અશોક મિત્તલને ફાળવવામાં આવ્યો છે. પાર્ટીએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ પાર્ટીના સાંસદ અશોક મિત્તલને 5, ફિરોઝશાહ રોડ ખાતે ફાળવવામાં આવેલા બંગલામાં શિફ્ટ થશે. પાર્ટીનું માનીએ તો અશોક મિત્તલે પોતે અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને શિફ્ટ થવાનો પ્રસ્તાવ આપ્યો હતો.
પાર્ટીના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલે કહ્યું કે તેઓ ખુશ છે કે AAP રાષ્ટ્રીય કન્વીનર તેમની સાથે રહેવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, “જ્યારે થોડા દિવસો પહેલાં અરવિંદ કેજરીવાલે સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું. મને થોડા સમય પછી ખબર પડી કે તેની પાસે રહેવા માટે ઘર નથી. મેં તેમને મારા મહેમાન તરીકે મારા દિલ્હીના મકાનમાં રહેવા આમંત્રણ આપ્યું… AAP કાર્યકર અને સાંસદ તરીકે મારા માટે આ આનંદદાયક ક્ષણ છે.”
ઉલ્લેખનીય છે કે કેજરીવાલે અગાઉ પણ સત્તાવાર નિવાસસ્થાન છોડવાની ઘોષણા કરી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટી સમર્થકો ઢંઢેરો પીટી રહ્યા હતા કે કેજરીવાલ કેટલા સાદગીપૂર્ણ છે અને સત્તા તેમને જોઈતી નથી. પરંતુ હકીકત એ છે કે કોઈ પણ વ્યક્તિ સત્તા છોડે એટલે સરકાર તરફથી મળતી સુવિધાઓ છોડવી જ પડે છે. કેજરીવાલે કોઈ ત્યાગનું કામ કર્યું નથી, આ નિયમોના ભાગરૂપે થતી એક પ્રક્રિયા છે.
એ પણ નોંધવું રહ્યું કે આ જ અરવિંદ કેજરીવાલે જ્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અન્ના આંદોલન બાદ આમ આદમી પાર્ટીની રચના કરી હતી ત્યારે VIP સગવડો ન મેળવવાના દાવાઓ કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ ગાડી-બંગલા સ્વીકારશે નહીં અને એક સમાન્ય માણસની જેમ રહેશે. પરંતુ કોરોનાકાળમાં જ્યારે લોકો કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે ₹45 કરોડના ખર્ચ શીશમહેલમાં રિનોવેશન કરાવ્યું હોવાનું પછીથી ખૂલ્યું હતું, જે મામલે હાલ તપાસ ચાલી રહી છે. હવે તેમણે આ બંગલો તો ખાલી કરી દીધો છે, પરંતુ નવા બંગલામાં જઈ રહ્યા છે.