Saturday, June 29, 2024
More
    હોમપેજરાજકારણકેજરીવાલ જેલમાં જ રહેશે, હાઈકોર્ટે ન આપ્યા જામીન: ટ્રાયલ કોર્ટના નિર્ણયને પલટ્યો,...

    કેજરીવાલ જેલમાં જ રહેશે, હાઈકોર્ટે ન આપ્યા જામીન: ટ્રાયલ કોર્ટના નિર્ણયને પલટ્યો, કહ્યું- બેલ આપતા સમયે નીચલી અદાલતે નહોતો કર્યો મગજનો ઉપયોગ

    હાઈકોર્ટે કહ્યું કે, નીચલી અદાલતે કેસના બધા કાગળો પર ભાર મૂક્યો નથી, જે સંપૂર્ણપણે અયોગ્ય છે અને દર્શાવે છે કે અદાલતે કેસના પુરાવા પર પોતાનું સંપૂર્ણ મગજ લગાવ્યું નથી. કોર્ટે EDની એ દલીલ પણ સ્વીકારી છે કે, તેને નીચલી કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાનો અભિપ્રાય રજૂ કરવાની પૂરી તક આપવામાં આવી ન હતી.

    - Advertisement -

    દિલ્હી હાઈકોર્ટે AAP નેતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલા જામીન પર કાયમી ધોરણે સ્ટે લગાવી દીધો છે. એટલે હવે કેજરીવાલ જેલમાં જ રહેશે. શુક્રવાર (21 જૂન, 2024)ના રોજ સુરક્ષિત રખાયેલા નિર્ણયને સંભળાવતી વખતે હાઈકોર્ટે કહ્યું કે, જામીન આપતા સમયે નીચલી અદાલતે આ બાબત પર મગજ દોડાવ્યું નથી, જે એકદમ અયોગ્ય છે. નોંધનીય છે કે, 20 જૂન, 2024ના રોજ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા હતા. જે બાદ મામલો વધુ ગરમાયો હતો. સોશિયલ મીડિયામાં કોર્ટના નિર્ણય સામે સવાલો ઉઠયા હતા.

    મંગળવારે (25 જૂન, 2024) જસ્ટિસ સુધીર કુમાર જૈને દિલ્હી હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની દલીલોનો સ્વીકાર કર્યો છે. હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલના જામીન અટકાવતાં કહ્યું કે, “આ અદાલતે નિર્ણય લીધો છે કે, નીચલી અદાલતના વેકેશન બેન્ચના જજે રેકોર્ડ પર ઉપલબ્ધ પુરાવા અને EDની દલીલોનું સાચું મૂલ્યાંકન કર્યું નહોતું.” ત્યારબાદ કેજરીવાલના જામીન પર કાયમી ધોરણે સ્ટે લગાવી દેવામાં આવ્યો છે. તેથી હવે કેજરીવાલ જેલમાં રહેશે.

    હાઈકોર્ટે કહ્યું કે, નીચલી અદાલતે કેસના બધા કાગળો પર ભાર મૂક્યો નથી, જે સંપૂર્ણપણે અયોગ્ય છે અને દર્શાવે છે કે અદાલતે કેસના પુરાવા પર પોતાનું સંપૂર્ણ મગજ લગાવ્યું નથી. કોર્ટે EDની એ દલીલ પણ સ્વીકારી છે કે, તેને નીચલી કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાનો અભિપ્રાય રજૂ કરવાની પૂરી તક આપવામાં આવી ન હતી. કોર્ટ હવે આ કેસની આગામી સુનાવણી જુલાઈમાં કરશે. આ સુનાવણીમાં EDની અરજી પર ચર્ચા થશે જેમાં કેજરીવાલને નિયમિત જામીન આપવાના નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યો છે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે પણ કેજરીવાલને નહોતી આપી રાહત

    નોંધનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી કેસમાં ગુરુવારે (20 જૂન, 2024) રાઉઝ એવન્યુ કોર્ટની વિશેષ અદાલતે જામીન આપ્યા હતા. તેમને આ જામીન નિયમિત આપવામાં આવ્યા હતા. આ દરમિયાન EDએ આ નિર્ણય પર 48 કલાક માટે રોક લગાવવાની માંગ કરી હતી. જોકે, તેની માંગણી સ્વીકારવામાં આવી ન હતી.

    EDએ આ નિર્ણય વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. એજન્સીએ કેજરીવાલને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. આ અરજીના આધારે દિલ્હી હાઈકોર્ટે જામીન પર સ્ટે લગાવ્યો હતો. CM કેજરીવાલે હાઈકોર્ટના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સ્ટે હટાવવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે સોમવારે (24 જૂન, 2024) આ કેસની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. તેથી કાર્યવાહી હાઈકોર્ટમાં જ ચાલી રહી છે.

    આ પહેલા EDએ નીચલી કોર્ટમાં સ્પષ્ટતા કરી હતી કે, તેની પાસે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નક્કર પુરાવા છે. એજન્સીએ કહ્યું હતું કે, તેની પાસે આ કેસમાં પૈસાની લેવડ-દેવડના ફોટોગ્રાફ્સ પણ છે. એજન્સીએ એમ પણ કહ્યું કે, કેજરીવાલે તેમના ફોનનો પિન જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જે આ મામલે શંકા પેદા કરે છે.

    નોંધનીય છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચ, 2024ના રોજ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે, કેજરીવાલ આ સમગ્ર મામલાના કિંગપીન છે. એજન્સીનો આરોપ છે કે, દિલ્હીમાં દારૂની નીતિમાં ફેરફાર કરીને તેણે ખાનગી વેચાણકર્તાઓને ફાયદો પહોંચાડ્યો અને બદલામાં તેમની પાસેથી ઘણા લાભો મેળવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં