સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાના આરોપસર PA બિભવ કુમારની ધરપકડ થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહેલી વખત મીડિયા સામે આવ્યા. જોકે, તેમણે આ કેસ વિશે એક અક્ષર ઉચ્ચાર્યો નથી પણ ઉપરથી કેન્દ્ર સરકાર પર આરોપો લગાવીને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમથકે કૂચ કરવાની ઘોષણા કરી.
અરવિંદ કેજરીવાલે એક વિડીયો બાઈટ મારફતે આ જાણકારી આપી. દરમ્યાન તેમણે ભારતીય જનતા પાર્ટી પર જાતજાતના આરોપો લગાવ્યા અને કહ્યું કે તેઓ તમામ નેતાઓને જેલમાં નાખીને આમ આદમી પાર્ટીને કચડવા માંગે છે. ત્યારપછી એવી જ વાતો કરી જે તેઓ અને તેમની પાર્ટી ઘણા સમયથી કરતાં આવ્યાં છે.
કેજરીવાલે કહ્યું કે, “આ લોકો આમ આદમી પાર્ટીની પાછળ પડી ગયા છે. એક પછી એક નેતાઓને જેલમાં નાખી રહ્યા છે. તેમણે મને જેલમાં નાખ્યો, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સંજય સિંઘ અને આજે મારા PAને જેલમાં નાંખ્યો. હવે કહી રહ્યા છે કે રાઘવ ચઢ્ઢા, સૌરભ ભારદ્વાજ અને આતિશીને પણ જેલમાં નાખશે. હું વિચારી રહ્યો છું કે આ લોકો અમને જેલમાં શું કામ નાખવા માંગે છે? અમારો વાંક શું છે? અમારો વાંક એ છે કે અમે દિલ્હીનાં બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરી. તે આ લોકો ન કરી શકે.”
प्रधानमंत्री जी, ये एक-एक करके क्या आप हम लोगों को गिरफ़्तार कर रहे हैं? एक साथ सभी को गिरफ़्तार कर लीजिए… https://t.co/a58UGXWRTh
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 18, 2024
આગળ કહ્યું કે “અમારો વાંક એ છે કે અમે દિલ્હીમાં મહોલ્લા ક્લિનિક બનાવ્યાં, સરકારી હૉસ્પિટલ બનાવી, લોકો માટે ફ્રી દવા અને સારી સારવારની વ્યવસ્થા કરી. તેઓ આ ન કરી શકે, એટલે તેઓ તેને રોકવા માંગે છે. અમે દિલ્હીના લોકોની વીજળી મફત કરી દીધી, તેઓ વીજળી પણ રોકવા માંગે છે.”
આગળ તેમણે કહ્યું, “હું વડાપ્રધાનને કહેવા માંગું છું કે તમે આ જેલ-જેલનો ખેલ ખેલી રહ્યા છો. કાલે 12 વાગ્યે હું તમામ મોટા નેતાઓ સાથે ભાજપ મુખ્યમ્થક આવી રહ્યો છું. જેને-જેને તમે જેલમાં નાખવા માંગો તેમને એકસાથે જેલમાં નાખી દો. તમને લાગે છે કે તમે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાંખીને પાર્ટીને કચડી નાખશો. પરંતુ આમ આદમી પાર્ટી એક વિચાર છે, જે દેશભરમાં ફેલાઈ ચૂક્યો છે.”
આ દરમિયાન કેજરીવાલે સ્વાતિ માલીવાલ કેસ અને તેમણે લગાવેલા આરોપો મુદ્દે એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો.
નોંધનીય છે કે AAP સાંસદ માલીવાલે પોતાની સાથે કેજરીવાલના ઘરે મારપીટ થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ કેજરીવાલના PA બિભવ કુમાર પર લગાવ્યો છે. તેમની ફરિયાદ પર દિલ્હી પોલીસે FIR નોંધી હતી અને બિભવની ધરપકડ પણ કરી લીધી. બીજી તરફ, આમ આદમી પાર્ટી સ્વાતિ માલીવાલને ખોટાં ઠેરવવા પર ઉતરી આવી છે, પરંતુ મેડિકલ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે સ્વાતિને ઈજા પહોંચી હતી.