જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભારતીય સેનાએ આતંકવિરોધી ઓપરેશન શરૂ કરી દીધું છે. લોકસભા ચૂંટણી પુરી થયા બાદ આતંકવાદનો સફાયો કરવા માટે સુરક્ષાદળો મક્કમ બન્યા છે. આ પહેલાં ભારતીય સેનાને પુલવામામાં લશ્કરના આતંકીઓ હોવાની સૂચના મળી હતી. જે બાદ સેના અને સંયુક્ત સુરક્ષાદળો કાળ બનીને આતંકીઓ પર તૂટી પડ્યા છે. લશ્કરના આતંકીઓને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યા છે. દરમિયાન જ આતંકીઓ તરફથી ગોળીબાર થતાં સુરક્ષાદળોએ પણ જડબાતોડ જવાબ આપવાનો શરૂ કર્યો છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ થઈ ચૂક્યું છે અને લશ્કરના આતંકીઓને સુરક્ષાદળોએ ચારે બાજુથી ઘેરી લીધા છે. આ વિશેની જાણકારી કાશ્મીર ઝોન પોલીસ દ્વારા આપવામાં આવી છે. પોલીસ અધિકારીઓ અનુસાર, પુલવામાના નિહામા વિસ્તારમાં એન્કાઉન્ટર ઓપરેશન દરમિયાન લશ્કરના આતંકીઓએ સેના પર ફાયરિંગ કર્યું હતું. જે બાદ બંને પક્ષો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. સંયુક્ત સુરક્ષાદળોએ આતંકીઓને ચારે બાજુથી ઘેરી લીધા હોવાના સમાચાર પણ છે.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, વિસ્તારમાં ઓપરેશન દરમિયાન લશ્કરના બે કમાન્ડર આતંકીઓ છૂપાયેલા હતા. જેની ઓળખ રઈસ અહેમદ અને રિયાઝ અહેમદ ડાર તરીકે થઈ છે. બંને પુલવામા જિલ્લાના રહેવાસી છે. જ્યારે સેનાએ તે સ્થળ પર રેડ મારી તો આતંકીઓએ સેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પહેલી ગોળી ચલાવ્યા બાદ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. અધિકારી અનુસાર, હમણાં સુધી ગોળીબાર ચાલુ છે અને બંને પક્ષોમાં કોઈના મૃત્યુના સમાચાર સામે આવ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પૂંછના સૂરનકોટ વિસ્તારમાંથી વાયુસેનાના જવાનોનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે આતંકવાદીઓએ બે વાહનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 5 જવાનોને ઈજા પહોંચી. તેમને ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન એક જવાન વીરગતિને પામ્યા હતા. ઘટના બાદ તાત્કાલિક એજન્સીઓ સ્થળ પર દોડી ગઈ હતી અને કાઉન્ટર-ટેરર ઑપરેશન શરૂ કરી દીધું હતું. ત્યારબાદ લશ્કરના આતંકીઓને શોધવા માટે કાર્યવાહી પણ તેજ કરી દેવામાં આવી હતી. બે આતંકીઓને સ્કેચ જારી કરીને ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારપછી ભારતીય સેનાએ સૂચનાના આધારે લશ્કરના ચીફ કમાન્ડર બાસિત અહેમદને મોતને ઘાટ ઉતારી દીધો હતો.