પશ્ચિમ બંગાળમાં આવેલા દક્ષિણ 24 પરગણા જિલ્લામાં 9 વર્ષની બાળકીની રેપ બાદ હત્યા મામલે હવે અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. પીડિતાના પરિવારજનોએ દાવો કર્યો છે કે, બાળકીના શરીર પર અનેક ઘાના નિશાનો જોવા મળ્યા હતા અને તેના હાથ-પગ પણ તૂટેલા હતા. આ ઉપરાંત પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, બંગાળ પોલીસે શરૂઆતમાં આ કેસને લઈને કોઈ ધ્યાન પણ આપ્યું નહોતું. હાલ જાણવા મળી રહ્યું છે કે, આ કેસ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ છે. જેની ઓળખ મુસ્તકીન સરદાર તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે.
પીડિતાના કાકીએ સમાચાર એજન્સી ANI સાથે વાત કરતી વખતે કહ્યું છે કે, “બાળકી ટ્યુશનથી પરત આવતા સમયે ગુમ થઈ ગઈ હતી. તેના પિતાએ દરેક જગ્યાએ શોધવાના પ્રયાસો કર્યા, પરંતુ તે મળી શકી નહોતી. તેઓ પોલીસ પાસે પણ ગયા હતા. પોલીસે તેમની વાત સાંભળવાનો પણ ઇનકાર કરી દીધો હતો. જે બાદ તેમને જયનગર પોલીસ સ્ટેશન જવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે બાળકી મળી તો તેના શરીર પર અનેક ઘાના નિશાનો હતો, તેના હાથ-પગ પણ તૂટેલા હતા.”
#WATCH | West Bengal: A minor girl allegedly raped in South 24 Parganas Her aunt says, "The body (of the girl) has several injuries on the body, limbs have been broken…she went missing while coming back from the tuition…Her father tried to find her everywhere but when he was… pic.twitter.com/3wB4jfYWin
— ANI (@ANI) October 6, 2024
બીજી તરફ આ મામલે બંગાળ પોલીસના અધિકારીઓના નિવેદનો પણ સામે આવ્યા છે. બારૂઈપુરના SP પલાશ ઢાલીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, પીડિતા રાત્રે 8 વાગ્યા સુધી પણ ટ્યુશનથી પરત ન ફરતા પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો, જે બાદ તેમણે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, “બાળકી 8 વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા ફરિયાદ દાખલ થઈ હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ બાદ અમે એક વ્યક્તિની ધરપકડ કરી છે, તેણે હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. જોકે, રેપના આરોપોથી તેણે ઇનકાર કર્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તે અંગેની માહિતી મળી શકશે.”
આ ઉપરાંત પોલીસ અધિકારી રૂપંતર ગોસ્વામીએ જણાવ્યું છે કે, “એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને અમે બળાત્કારના તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ. અપહરણ અને હત્યા પાછળનો હેતુ પણ હજુ સુધી જાણી શકાયો નથી. હાલ તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે.”
બંગાળમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન
બાળકીના રેપ અને હત્યાના સમાચાર સામે આવ્યા બાદથી જ બંગાળમાં ભારે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. બાળકીનો મૃતદેહ મળ્યા બાદ આક્રોશમાં આવેલા લોકોએ પોલીસ સ્ટેશનમાં આગ ચાંપી દીધી હતી અને પોલીસ પર બેદરકારીનો આરોપ પણ લગાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ મહિષમારી પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી અને આગ ચાંપી દીધી હતી. તેમનો આરોપ છે કે, બંગાળ પોલીસ શરૂઆતમાં આ મામલે કોઈ તપાસ કરી રહી નહોતી. ભાજપે પણ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી TMC સરકાર પર નિશાન સાધ્યું હતું અને બંગાળમાં ‘કાયદો અને વ્યવસ્થા’ ખરાબ સ્થિતિમાં હોવાનો આરોપ લગાવ્યો હતો.
નોંધનીય છે કે, દક્ષિણ પરગણાના કૃપાખાલી ગામમાં શુક્રવારે (4 ઑક્ટોબર) એક 9 વર્ષની બાળકી ટ્યુશન ગઈ હતી. પરંતુ ઘણા સમય સુધી તે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. આ મામલે પરિજનોએ FIR પણ નોંધાવી હતી. આરોપ છે કે, આ દરમિયાન પોલીસે બાળકીના પરિવારજનોને પ્રતાડિત કર્યા હતા. ત્યારબાદ બીજા દિવસે શનિવારે (5 ઑક્ટોબર) સવારે બાળકીનો મૃતદેહ નહેર પાસે મળી આવ્યો હતો. આરોપ છે કે, તેના પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. બાળકીના મૃતદેહ પર ઘાના અનેક નિશાનો હોવાનું પણ સામે આવ્યું હતું. હાલ આ મામલે મુસ્તકીન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.