રાજધાની દિલ્હીમાં એક 16 વર્ષની સગીર છોકરીની હત્યા કરવાના પ્રયાસ બદલ બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અરમાન અલી નામનો મુખ્ય આરોપી હજુ નાસતો ફરી રહ્યો છે. અરમાન અલીએ બે સાગરીતો સાથે મળીને 11મા ધોરણમાં ભણતી 16 વર્ષીય કિશોરીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને તેને ગોળી મારી દીધી હતી.
અરમાન અલીએ પીડિત છોકરી નૈના મિશ્રા સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હતી. પરંતુ ઘણા સમયથી નૈનાએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જે બાદ અરમાને તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. દરમ્યાન, ગત 25 ઓગસ્ટના રોજ નૈના શાળાએથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે અરમાને આવીને તેને ગોળી મારી દીધી હતી અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે તે પરત ફરી રહી હતી ત્યારે ત્રણ વ્યક્તિઓ મોટરસાયકલ ઉપર તેનો પીછો કરી રહ્યા હતા. તે સંગમ વિહારના બી બ્લૉક પાસે પહોંચી તો તેમાંના એકે તેની ઉપર ફાયરિંગ કરી દીધું હતું. તેણે પોલીસને જણાવ્યું કે તે આરોપીઓમાંના એકને ઓળખે છે. જેનું નામ તેણે અરમાન અલી જણાવ્યું હતું.
નૈનાને ખભાના ભાગે ગોળી વાગી હતી. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. પોલીસને જાણ થતાં જ એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે દિલ્હી પોલીસે આઇપીસી 307 (હત્યાનો પ્રયાસ) અને 34 (સમાન ઇરાદે કરવામાં આવેલ ગુનાહિત કૃત્ય) કલમો હેઠળ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસે બે આરોપીઓ બોબી અને પવન ઉર્ફે સુમિતને પકડી લીધા હતા. આ બંને દિલ્હીમાંથી જ પકડાયા હતા. આરોપીઓએ પોલીસને જણાવ્યું કે નૈના અરમાન અલી સાથે બે વર્ષ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવી હતી. પરંતુ છોકરીએ છ મહિના પહેલાં તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે અલીએ બંનેનો સંપર્ક કર્યો હતો અને નૈનાની હત્યા કરી નાંખવાનું કાવતરું ઘડ્યું હતું.
પોલીસને બંને આરોપીઓ પાસેથી દેશી પિસ્તોલ તેમજ ત્રણ જીવતા અને એક ખાલી કારતૂસ મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, હાલ મુખ્ય આરોપી સલમાન અલીની શોધખોળ ચાલી રહી છે.
આ અંગે નૈનાના કાકાને ટાંકીને એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અરમાન અલી સામે જૂનના અંતિમ સપ્તાહમાં પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. જેના કારણે જાણે તેને પ્રોત્સાહન મળ્યું હતું અને હવે ગોળી મારી દીધી હતી. તેમણે આક્ષેપ કરતાં કહ્યું કે, પોલીસે સમયે કાર્યવાહી કરી હોત તો આરોપી પીડિતાને ગોળી મારવાનું વિચારી પણ શક્યો ન હોત.