અમૃતસરના પ્રસિદ્ધ સુવર્ણ મંદિરમાં 21 જૂનના રોજ યોગ કરવા બદલ વડોદરાની એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અર્ચના મકવાણા સામે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પંજાબ પોલીસે IPC 295A (જાણીજોઈને ધાર્મિક લાગણીઓ દુભાવવી) હેઠળ ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ, આ યુવતીને સતત ધમકીઓ મળી રહી છે. જેના કારણે ગુજરાત પોલીસે તેને રક્ષણ આપ્યું છે.
અર્ચનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અમુક સ્ટોરી શૅર કરીને જણાવ્યું હતું કે તેને આ મુદ્દો ચગ્યા બાદ હત્યા અને રેપની ધમકીઓ મળી રહી છે. અર્ચનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક સ્ક્રીનશૉટ શૅર કર્યો હતો, જેમાં એક વ્યક્તિ તેને વોટ્સએપ ઉપર મારવાની ધમકી આપી રહ્યો છે. તેણે સાથે પોલીસને ટેગ કરીને કહ્યું કે, મેં માફી માંગી લીધા બાદ પણ ખુલ્લેઆમ મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. અન્ય એક વ્યક્તિએ તેને રેપની પણ ધમકી આપી હતી, જેનો પણ અર્ચનાએ સ્ક્રીનશૉટ શૅર કર્યો છે. જ્યારે અન્ય એકે મેસેજ કરીને કહ્યું હતું કે, ‘સારું છે કે તે હજુ જીવિત છે, બાકી કોઈએ મારી નાખી હોત.’ અર્ચનાએ આ બધા સ્ક્રીનશૉટ શેર કરીને પોલીસને પણ ટેગ કરી છે.
A woman named Archana Makwana apologized for performing yoga inside the premises of Golden Temple in Amritsar, Punjab, after SGPC filed a police complaint against her.
— Anshul Saxena (@AskAnshul) June 22, 2024
She's now receiving death threats.
(Note: Video of threatening audio on WhatsApp is from her Instagram story). pic.twitter.com/gsenL4VuT9
બીજી તરફ, આ બધું જોતાં વડોદરા પોલીસે યુવતીને રક્ષણ આપ્યું છે. અર્ચના મકવાણાએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે, “વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તરફથી મને રક્ષણ આપવામાં આવ્યું છે. મેં તેના માટે જણાવ્યું પણ ન હતું. પરંતુ આવી ત્વરિત કાર્યવાહી કરવા બદલ હું વડોદરા પોલીસ અને ગુજરાત પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જેઓ મારી ચિંતા કરી રહ્યા છે, તેમને જાણ થાય કે હું સુરક્ષિત છું. ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસનો ખૂબ આભાર.”
અન્ય એક ઇન્સ્ટાગ્રામ વિડીયોમાં તેણે કહ્યું કે, “મને હમણાં જ જાણવા મળ્યું છે કે મારી વિરુદ્ધ FIR દાખલ કરી દેવામાં આવી છે. મને દુઃખ થાય છે કે મેં જે સારી ભાવનાથી કર્યું હતું, તેને ખોટી રીતે લેવામાં આવી રહ્યું છે. હું આગલા દિવસે ત્યાં જઈને આવી હતી, માથું ટેકવ્યું હતું અને સેવા પણ કરી હતી. 21મીની સવારે યોગ દિવસ હતો. યોગને જીવનનો ભાગ બનાવવા માટેનો સંદેશ પ્રસરે તે માટે મેં આ પ્રયાસ કર્યો હતો, પણ તેને બહુ ખોટી રીતે લેવામાં આવ્યો છે.”
તેણે કહ્યું કે, “મેં જાણીજોઈને કશું ખોટું કર્યું નથી, મેં સારા આશયથી કર્યું છે. તેમ છતાં કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગું છું. હવે શું મને જેલમાં નાખી દેશો? આને રાજકીય રંગ આપવામાં ન આવે.”
આ મામલો શનિવારે (22 જૂન) સામે આવ્યો હતો, જ્યારે અમૃતસરના સુવર્ણ મંદિરનું સંચાલન કરતી શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ એક વડોદરાની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર યુવતી સામે ફરિયાદ નોંધાવી હતી. કારણ એટલું હતું કે યોગ દિવસે આ યુવતીએ સુવર્ણ મંદિર પરિસરમાં જઈને યોગ કર્યા હતા ને તેના ફોટા સોશિયલ મીડિયા પર મૂક્યા હતા. કમિટીએ તેને ‘ગંભીર ગુનો’ ગણાવીને ધાર્મિક ભાવનાઓ ભડકાવવા બદલ કેસ કરવા માટે ફરિયાદ નોંધાવી દીધી હતી અને આ માટે અનુમતિ આપનારા 3 સેવાદારો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ, વિવાદ થતાં અર્ચનાએ ફોટા હટાવી લીધા હતા અને માફી પણ માંગી હતી.