સુરત બાદ હવે ઉત્તર પ્રદેશના કાનપુરમાં (Kanpur) ફરી એક વખત ટ્રેન ઉથલાવવા માટે ટ્રેક પર ચીજવસ્તુઓ મૂકવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. અહીં ટ્રેક પર LPG ગેસનું 5 લિટરનું સિલિન્ડર મૂકી દેવામાં આવ્યું હતું. જોકે, લોકો પાયલટે સમયસર જોઈ લેતાં ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન (Train) થોભાવી દીધી હતી, નહીંતર મોટો અકસ્માત સર્જાયો હોત. આ સિવાય રેલવે લાઇન પાસે પેટ્રોલ અને બારૂદ પણ મળ્યાં હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે.
Uttar Pradesh: A goods train going from Kanpur towards Prayagraj was stopped using the emergency brakes after the driver spotted a gas cylinder lying on the tracks, at Prempur Station at 5:50 am today (September 22). Railway IOW (Inspector of work), security and other teams… pic.twitter.com/0zwohXABdt
— ANI (@ANI) September 22, 2024
નોર્થ સેન્ટ્રલ રેલવેના CPROએ જણાવ્યું કે, રવિવારે (22 સપ્ટેમ્બર) સવારે 5:50ની આસપાસ કાનપુરથી પ્રયાગરાજ તરફ જતી ગુડ્સ ટ્રેન ચલાવતા લોકો પાયલટે કાનપુરમાં પ્રેમપુર સ્ટેશન નજીક ટ્રેક પર ગેસ સિલિન્ડર જોતાં ઇમરજન્સી બ્રેક લગાવી હતી. રેલવે ઇન્સ્પેક્ટર ઑફ વર્ક, સિક્યુરિટી અને અન્ય ટીમોએ સિલિન્ડરનું પરીક્ષણ કર્યા બાદ ટ્રેક પરથી હટાવ્યું હતું. ઇન્સ્પેક્શન બાદ ધ્યાને આવ્યું કે 5 લિટરનું સિલિન્ડર ખાલી હતું. મામલાની તપાસ માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.
પછીથી કાનપુર પોલીસના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
#WATCH | Kanpur, Uttar Pradesh: Police personnel inspect the spot where a 5-litre empty gas cylinder was found on tracks just as a goods train was about to pass through, at Prempur Station earlier today. pic.twitter.com/6wdsrpAZKg
— ANI (@ANI) September 22, 2024
અહીં નોંધવું જોઈએ કે ગત 8 સપ્ટેમ્બરના રોજ કાનપુરથી જ આવો એક કેસ સામે આવ્યો હતો, જેમાં રાત્રે પસાર થતી કાલિંદી એક્સપ્રેસ ટ્રેન એક ગેસ સિલિન્ડર સાથે અથડાઈ હતી. ટ્રેન સાથે અથડાવાથી સિલિન્ડર લગભગ 50 મીટર દૂર જઈને ફેંકાયું હતું. અહીં મોટો અકસ્માત થતાં થતાં રહી ગયો હતો. રિપોર્ટ અનુસાર, અહીં પણ ઘટનાસ્થળ પરથી પેટ્રોલ ભરેલી બોટલ અને માચીસ સાથે બારૂદ મળી આવ્યા હતા. મામલાની તપાસ NIA તથા UP ATS અને પોલીસ કરી રહ્યાં છે.
સુરતમાં ટ્રેક પરથી મળી હતી ફિશપ્લેટ્સ
છેલ્લા 24 કલાકમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ થયા હોય તેવો આ બીજો મામલો છે. શનિવારે (21 સપ્ટેમ્બર) સુરતના કિમ રેલવે સ્ટેશન નજીક રેલવેના પાટા પરથી ફિશપ્લેટ અને ચાવીઓ મળી આવી હતી. આ પ્લેટ્સ અને ચાવીઓ એ રીતે ગોઠવવામાં આવી હતી કે ટ્રેન જો પસાર થઈ હોત તો નક્કી ઊથલી પડી હોત. પરંતુ રેલવે સ્ટાફની સમયસૂચકતાના કારણે અકસ્માત ટળ્યો હતો.
આ મામલે તપાસ કરવા માટે NIAની એક ટીમ સુરત પણ પહોંચી હતી, જેમણે તપાસ શરૂ કરી છે. બીજી તરફ સુરત પોલીસ પણ કેસ નોંધીને મામલાની તપાસ કરી રહી છે તેમજ GRP અને RPF પણ તપાસમાં લાગેલાં છે.