ન્યૂઝ એજન્સી એશિયન ન્યૂઝ ઈન્ટરનેશનલે (ANI) યુટ્યુબર મોહક મંગલ (Mohak Mangal) સામે દિલ્હી હાઇકોર્ટમાં (Delhi High Court) માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ANIએ કહ્યું છે કે મોહકે એક વિડીયોમાં સંસ્થા વિશે ભ્રામક, પાયાવિહોણું અને બદનામ કરે એવું કન્ટેન્ટ બનાવ્યું હતું, જેનાથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. આ કેસમાં વિવાદિત કૉમેડિયન કુનાલ કામરા અને ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈરનાં નામ પણ છે, કારણ કે આ લોકોએ મોહકનો વિડીયો X પર શૅર કર્યો હતો.
મોહક મંગલે તેના યૂટ્યૂબ ચેનલ પર ‘Dear ANI’ નામનો એક વિડીયો બનાવ્યો હતો. આ વિડીયોમાં તેણે દાવો કર્યો કે ANI યુટ્યુબના કૉપીરાઇટ નિયમોનો ખોટો ઉપયોગ કરીને યુટ્યુબરો પાસેથી પૈસા માંગે છે. તેણે દાવો કર્યો કે ANIએ તેના વિડીયો પર 11 સેકન્ડ અને 9 સેકન્ડની નાની ક્લિપ્સને લઈને કૉપીરાઈટ સ્ટ્રાઈક કરી અને 45-50 લાખની માંગણી કરી. આ ક્લિપ્સ કોલકાતા રેપ કેસ અને ઑપરેશન સિંદૂર વિશેના વિડીયોમાં વપરાઈ હતી, જે ક્લિપ જેમાંથી ઉઠાવવામાં આવી એ વિડીયોની માલિકી એજન્સી પાસે છે.
ANI files defamation suit against YouTuber Mohak Mangal before Delhi High Court.
— Live Law (@LiveLawIndia) May 28, 2025
Suit also names Kunal Kamra and Mohd. Zubair as defendants for sharing Mangal’s YouTube video on their Twitter handles. #Defamation #ANI @mohakmangal @zoo_bear @kunalkamra88 @ANI pic.twitter.com/o0NG6uB2pJ
જોકે ANIએ આ દાવાને ફગાવી દીધા. એજન્સીનું કહેવું છે કે મોહકે તેના મટિરિયલનો ઉપયોગ પોતાની આવક માટે કર્યો અને ઉપરથી ભ્રામક વાતો ફેલાવીને તેની બદનામી કરી. એજન્સીનો આરોપ છે કે આ વિડીયો જાણીજોઈને ANIની છબી ખરાબ કરવા અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે બનાવાયો હતો.
દિલ્હી હાઇકોર્ટે હજુ આ કેસની સુનાવણી શરૂ કરી નથી, પરંતુ ગુરુવારે (29 મે) સુનાવણી થવાની સંભાવના છે. આવા કેસોમાં કોર્ટ ‘ફેર યૂઝ’ના (ન્યાયી ઉપયોગ) નિયમો જુએ છે, એટલે કે શું મોહકે ANIની ક્લિપ્સનો ઉપયોગ ટીકા કે રિપોર્ટિંગ માટે યોગ્ય રીતે કર્યો હતો કે કેમ?
ANIએ કોર્ટ સમક્ષ માંગ કરી છે કે મોહક મંગલે આ વિડીયો યૂટ્યૂબ પરથી હટાવવો જોઈએ, ANIના નામ કે લોગોનો ઉપયોગ બંધ કરવો જોઈએ અને ભવિષ્યમાં પણ આવી ભ્રામક, તથ્યો અને પાયા વગરની વાતો ન ફેલાવવી જોઈએ. આ ઉપરાંત, કુનાલ કામરા અને મોહમ્મદ ઝુબૈર, જેમણે આ વિડીયો શેર કર્યો, તેમની સામે પણ આવો જ આદેશ આપવાની માંગ કરવામાં આવી છે.