સંસ્કારનગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરની એકસમયની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (એમ. એસ. યુનિવર્સિટી) છેલ્લા ઘણા સમયથી માત્ર નકારાત્મક કારણોને લઈને જ ચર્ચામાં રહે છે. આ આખું કેમ્પસ હવે જાણે તોફાનીઓ અને જેહાદીઓનો અડ્ડો બની ગયું હોય એમ લાગી રહ્યું છે. તાજી ઘટનામાં ગત શુક્રવારે સાયન્સ ફેકલ્ટીમાંથી એક વિદ્યાર્થીનીનો નમાજ પઢતો વિડીયો વાઇરલ થયો હતો. જે બાદ કોલેજના જ એક વિદ્યાર્થીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે કોલેજમાં આવું ન થવું જોઈએ. તો બાદમાં તેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.
અહેવાલો અનુસાર એમ. એસ. યુનિવર્સિટીમાં (MSU) સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં યુવતી નમાઝ પઢતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઇ આ વિડીયો સંદર્ભે મીડિયામાં નિવેદન આપનાર કુલદીપ જોષીને જાનથી મારી નાખવાની ધમકી મળતા તેમણે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ નમાજ મામલે વિદ્યાર્થીને ધમકી આપનાર આરોપી અમ્માર ગજીયાવાલાની ધરપકડ કરવામાં આવી છે.
પહેલા ફોન પર આપી જાનથી મારવાની ધમકી, બાદમાં કોલેજના ગેટ પર વિદ્યાર્થીને આંતર્યો
વિદ્યાર્થીએ સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, વાઇરલ થયેલ નમાજના વિડીયો બાદ તે અંગે યુનિવર્સિટીના જ એક વિદ્યાર્થી કુલદીપ જોશી દ્વારા આ બાબતે મીડિયામાં નિવેદન આપવામાં આવ્યું હતું કે શિક્ષણ સંસ્થાઓમાં આવું ન થવું જોઈએ. જે બાદ મોડી રાતે કુલદીપને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ પ્રકારનો કોલ આવ્યા બાદ કુલદીપે તરત જ કોલેજના એક ગ્રુપ રોયલ ક્લ્બ ઓફ સાયન્સમાં આ અંગે જાણ કરી હતી.
બીજા દિવસે જયારે કુલદીપ કોલેજમાં પોતાના લેક્ચર પતાવીને ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને કોલેજના ગેટ (કોમર્સ કોલેજની સામેના રોડ પર) પર જ વડોદરાના નાગરવાળામાં રહેલો અમ્માર ગજીયાવાલાએ તેને રોક્યો હતો. કોલેજમાં નમાજ ન પઢવાનું નિવેદન આપ્યું એ માટે અમ્મારે કુલદીપને બીભત્સ ગાળો બોલી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે બાદ તે ત્યાંથી નીકળી ગયો હતો.
કુલદીપ જોશીની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી અને તેમને ધમકી આપનાર અમ્માર ગજીયાવાલાની ધરપકડ કરી હતી.
નોંધનીય છે કે આ પહેલી વાર નથી કે MSUમાંથી નમાજનો વિડીયો વાઇરલ થયો હોય અને તે બાદ ત્યાં વિવાદ ઉભો થયો હોય. ખુબ જ ટૂંકા ગાળામાં આ ત્રીજી આવી ઘટના છે. જે બાદ હવે વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેર સિંહે આ આખા ઘટનાક્રમની તપાસ મદદનીશ પોલીસ કમિશનર ડી જે ચાવડાને સોંપી છે.
ટૂંકા ગાળામાં MSUમાં નમાજ પઢવાની આ ત્રીજી ઘટના
ગત શુક્રવારે MSUમાંથી એક તાજો વિડીયો વાઇરલ થયો હતો. જેમાં એક વિદ્યાર્થીની સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં નમાજ પઢતી જોવા મળી હતી. જે બાદ હિંદુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો.
થોડા સમય પહેલા એમ.એસ. યુનિવર્સીટીના સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર એક મુસ્લિમ પુરુષ અને મહિલાએ નમાજ પઢી, જેનો વિડીયો વાયરલ થઇ ગયો. તેના બે-ત્રણ જ દિવસ પછી કોમર્સ ફેકલ્ટીની બહાર બે વિદ્યાર્થીઓએ જાહેરમાં નમાજ પઢી હતી. આ બંને ઘટનાઓનો વિરોધ અને વિવાદ શમ્યો નહીં અને ત્યાં મારામારી અને છેડતીની ઘટનાઓ સામે આવી હતી.
વિદ્યાર્થીનીની છેડતી મામલે સયાજીગંજ પોલીસે ત્રણની ધરપકડ પણ કરી હતી. જેમની ઓળખ અબુ તાલિબ, રિયાન પઠાણ અને શાહિદ શેખ તરીકે થઇ હતી. આ ત્રણેય પઠાણ ગેંગના લોકો હતા જેમનો આખી યુનિવર્સીટીમાં ખુબ ત્રાસ હોવાની ફરિયાદો હતી.
ઑપઇન્ડિયાએ આ તમામ ઘટનાઓ બાબતે વડોદરાના વિશ્વ હિંદુ પરિષદના અધિકારી વિષ્ણુ પ્રજાપતિ સાથે વાત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે MSU હવે જેહાદીઓનો અડ્ડો બની ગઈ છે. સાથે જ તેઓએ શંકા દર્શાવી હતી કે આ તમામ વિવાદો પાછળ પઠાણ ગેંગનો જ હાથ છે.