26 જાન્યુઆરી 2024ના રોજ પંજાબના અમૃતસરમાં (Amritsar) ડૉ. બાબાસાહેબ આંબેડકરની (Dr. B. r Ambedkar) પ્રતિમા તોડવાનો (Statue Vandalized) મામલો સામે આવ્યો હતો. આ મામલે એક દલિત યુવાનની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ ઘટના સામે આવતા જ રાજકારણ ગરમાઈ ગયું છે. ભાજપના (BJP) નેતાઓએ પંજાબની AAP સરકાર પર નિશાનો સાધ્યો હતો. બહુજન સમાજ પાર્ટીએ પણ AAPનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસે પણ AAP સરકાર વિરુદ્ધ કેન્ડલ માર્ચ કાઢવાની યોજના બનાવી નાખી છે.
નોંધનીય છે કે, આ ઘટના સુવર્ણ મંદિર પાસે આવેલ હેરિટેજ સ્ટ્રીટ પર સ્થિત ટાઉન હોલ ખાતે સર્જાઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમૃતસર પોલીસ કમિશનર ગુરપ્રીત સિંઘ ભુલ્લરે જણાવ્યું હતું કે, ગુનેગારને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને FIR નોંધવામાં આવી છે. જોકે, તપાસ હજુ ચાલુ છે.
અહેવાલો અનુસાર, આરોપી અમૃતસરના ધરમકોટનો રહેવાસી છે. જે ભારત રત્ન ડૉ. બીઆર આંબેડકરની પ્રતિમાને માળા અર્પણ કરવા માટે સીડીઓ પર ચઢ્યો અને 24 સેકન્ડમાં 8 વાર હથોડીથી પ્રતિમા પર પ્રહાર કર્યો તથા બંધારણની પ્રતિમાને આગ લગાવી દીધી. આ ઘટના બાદ દલિત સમુદાયના લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. તેમણે પંજાબ સરકાર વિરુદ્ધ દેખાવો અને સૂત્રોચ્ચાર કરી ગુનેગારોને કડક સજાની માંગ કરી. તથા અમૃતસર બંધનું પણ એલાન કરવામાં આવ્યું હતું.
ભાજપના AAP પર આરોપ
આ ઘટનાનો વિડીયો ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો, જેના કારણે AAP અને BJP વચ્ચે રાજકીય વિવાદ સર્જાયો હતો. જોકે, આ અંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ઘટનાની નિંદા કરી કાર્યવાહીનું વચન આપ્યું હતું. બીજી તરફ ભાજપે આ ઘટના અંગે AAP પર પ્રહારો કર્યા હતા.
ભાજપના સાંસદ સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો હતો કે, “અમૃતસરમાં બીઆર આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાને પંજાબમાં AAP સરકારના નાક નીચે એક વ્યક્તિએ હથોડી વડે નુકસાન પહોંચાડ્યું હતું. આ પ્રતિમા પોલીસ સ્ટેશનની સામે છે. પ્રતિમા ઊંચી હતી, તેથી આરોપીને સીડી કેવી રીતે મળી? અરવિંદ કેજરીવાલની AAP, પંજાબમાં આવું બન્યું અને આખી ટીમ ચૂપ છે.”
आप-दा शासित पंजाब के अमृतसर में बाबासाहेब अंबेडकर जी के प्रतिमा को हथौड़े से तोड़ा गया, प्रतिमा के साथ बेअदबी की गई।
— Sambit Patra (@sambitswaraj) January 27, 2025
यह सब कुछ अरविंद केजरीवाल के मर्जी के बिना नहीं हो सकता था।#AAP_हटाओ_दिल्ली_बचाओ pic.twitter.com/qdk83Kl53d
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે કહ્યું, “આ ઘટના નિંદનીય છે. પંજાબમાં AAPની ભગવંત માન સરકાર ગાઢ નિંદ્રામાં ઊંઘી રહી છે. પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. મુખ્યમંત્રી ફરવામાં વ્યસ્ત છે. બીઆર આંબેડકરની પ્રતિમા સાથે છેડછાડ અને અપમાન કરવામાં આવી રહ્યું છે. તે પણ અમૃતસરના મુખ્ય ચોકમાં પોલીસ સ્ટેશનની બહાર.”
તેમણે વધુમાં એવી પણ માંગ કરી હતી કે, “અમૃતસરમાં જે કંઈ બન્યું તે અરવિંદ કેજરીવાલની પરવાનગી વિના ન થઈ શક્યું હોત. કેજરીવાલે અમૃતસર જવું જોઈએ, આંબેડકરની પ્રતિમા સામે માફી માંગવી જોઈએ અને પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.”
આ ઉપરાંત આ મામલે શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંઘ બાદલે પણ આ ઘટનાનો વિરોધ કર્યો. શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવાના પ્રયાસને ‘સમાજને વિભાજીત કરવા અને પંજાબમાં અશાંતિ ફેલાવવાનું નાપાક કાવતરું’ ગણાવ્યું. તેમણે કહ્યું કે, “આવા કૃત્યો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હું પંજાબીઓને શાંતિ જાળવવા અપીલ કરું છું.”