બાબા બર્ફાનીના દર્શન માટે દર વર્ષે યોજાતી અમરનાથ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શુક્રવારે (28 જૂન) સવારે 5.30 કલાકે શ્રદ્ધાળુઓના પહેલા સંઘને રવાના કર્યો હતો. શુક્રવારે જ આ સંઘ કાશ્મીર ઘાટી સુધી પહોંચી ગયો હતો. કાંઝીગુંડ વિસ્તારમાં નવયુગ ટનલ ખાતે પોલીસ અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું સ્વાગત કર્યું હતું. શનિવારે (29 જૂન) ભારે સુરક્ષા વચ્ચે કાશ્મીરના પહેલગામ અને બાલટાલથી સંઘ અમરનાથ ગુફા માટે રવાના થયો છે.
શનિવારે (29 જૂન) પારંપરિક અમરનાથ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અમરનાથની પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન પણ શરૂ થઈ ચૂક્યા છે. પહેલગામ અને બાલટાલ કેમ્પથી વહેલી સવારે તીર્થયાત્રીઓનો પહેલો સંઘ અમરનાથ ગુફા માટે રવાના થઈ ગયો છે. શિવલિંગના દર્શન માટે કુલ 4,603 યાત્રીઓ ગુફા સુધીનું ચઢાણ કરશે. 29 જૂનથી શરૂ થયેલી આ પવિત્ર અને પારંપરિક યાત્રા 52 દિવસો સુધી ચાલશે. દરમિયાન ભારે સુરક્ષા પણ રાખવામાં આવશે.
#WATCH | J&K: A large number of pilgrims en route from Baltal to Holy Amarnath cave. pic.twitter.com/u9hdwn7c95
— ANI (@ANI) June 29, 2024
19 ઓગસ્ટ, 2024ના રોજ આ યાત્રાની પૂર્ણાહુતિ થશે. આ વર્ષે અમરનાથ યાત્રા માટે 3.50 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 26 જૂનથી ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે આધિકારિક રીતે યાત્રાની શરૂઆત કરી દેવામાં આવી છે. શંખનાદ તથા ‘બમ બમ ભોલે’, ‘જય બાબા બર્ફાની’ અને ‘હર હર મહાદેવ’ના નાદ સાથે તીર્થયાત્રીઓએ CRPF જવાનોની સુરક્ષામાં યાત્રા શરૂ કરી છે.
નોંધનીય છે કે, 13,000 ફૂટ ઊંચાઈ પર સ્થિત બાબા બર્ફાનીના દર્શન માટે બે રૂટ હોય છે. પહેલો રૂટ પહેલગામથી શરૂ થાય છે, જે 48 કિલોમીટર સુધીનો છે અને બીજો રૂટ બાલટાલથી શરૂ થાય છે જે લગભગ 14 કિલોમીટર સુધીનો છે. પહેલગામ રૂટ પરથી દર્શન માટે લગભગ 3 દિવસનો સમય લાગે છે, બીજા બાલટાલ રૂટ પરથી માત્ર એક દિવસમાં બાબા અમરનાથના દર્શન થઈ શકે છે. નોંધવા જેવું છે કે, 48 કિલોમીટરનો રૂટ સરળ પરંતુ લાંબો છે, જ્યારે 14 કિલોમીટરના રૂટમાં અનેક પડકારો છે. અહીં સીધું ચઢાણ કરીને ગુફા સુધી પહોંચવું પડે છે અને રસ્તાઓ પણ જોખમથી ભરેલા છે.
જોકે, બંને રૂટ પર જતા લોકો માટે અલગ-અલગ પડકારો છે. આ વખતે, અમરનાથ યાત્રાના બંને માર્ગો પર વાસ્તવિક સમયની દેખરેખ માટે ડિજિટલ હાઇ-ટેક કમાન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. સમગ્ર રૂટ પર 17થી વધુ હાઇટેક કેમેરા લગાવવામાં આવ્યા છે. તે સાથે બંને રુટ પર ભારે માત્રામાં સુરક્ષાદળોના કાફલા ખડકી દેવામાં આવ્યા છે. સેના અધિકારીઓના નિરીક્ષણ હેઠળ તમામ શ્રદ્ધાળુઓ પર દેખરેખ રાખવામાં આવશે.