અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court) તાજેતરમાં એક રેપના કેસમાં આરોપીને જામીન આપતી વખતે ટિપ્પણી કરતાં કહ્યું કે, ફરિયાદી મહિલાએ પોતે જ મુશ્કેલીને આમંત્રણ આપ્યું હતું અને રેપ માટે જવાબદાર તે પોતે પણ છે.
ડિસેમ્બર 2024માં એક રેપ કેસમાં પકડાયેલા આરોપીને જામીન આપતાં જસ્ટિસ સંજય કુમાર સિંઘે આ ટિપ્પણીઓ કરી હતી.
કોર્ટે કહ્યું કે, “કોર્ટનો એ અભિપ્રાય છે કે એક ક્ષણ માટે પીડિતાના આરોપોને સાચા પણ માની લઈએ, તોપણ એ નિષ્કર્ષ ઉપર પહોંચી શકાય કે તેણે પોતે જ સમસ્યાને આમંત્રણ આપ્યું હતું અને જવાબદાર તે પણ છે. આવું જ વલણ પીડિતે પણ પોતાના નિવેદનમાં દાખવ્યું છે.”
કોર્ટે કહ્યું કે, પીડિતા એક પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થિની છે અને એટલે તે શું કરી રહી છે તેની તેને બરાબર ખબર હોય એ સ્પષ્ટ બાબત છે. કોર્ટે કહ્યું, “તથ્યો અને કેસના સંજોગો તેમજ ગુનાના ગુણદોષ, પુરાવાઓ, બંને પક્ષના વકીલો દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો વગેરેને ધ્યાને લેતાં મને લાગે છે કે આમાં જામીનનો કેસ બને છે અને જેથી જામીન અરજીને મંજૂરી આપવામાં આવે છે.”
કેસ સપ્ટેમ્બર 2024નો છે. નોઈડાની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક યુવતીએ પોલીસને સોંપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તેની ત્રણ સહેલીઓ સાથે દિલ્હીના એક બારમા ગઈ હતી. ત્યાં તેની મુલાકાત અમુક પરિચિતો સાથે થઈ અને તેમાં એક આરોપી પણ હતો.
મહિલાની ફરિયાદ અનુસાર, દારૂ પીધા બાદ તેને નશો ચડી ગયો હતો અને આરોપી સતત તેની નજીક આવતો હતો. લગભગ સવારે 3 વાગ્યા સુધી તેઓ બારમાં રહ્યાં અને આ દરમિયાન આરોપી સતત તેને પોતાની સાથે આવવા માટે જણાવતો રહ્યો. મહિલાનું કહેવું છે કે આરોપીના આગ્રહથી તે આરામ કરવા માટે તેના (આરોપી) ઘરે જવા માટે તૈયાર થઈ ગઈ.
ફરિયાદીનો આરોપ છે કે રસ્તે આરોપી તેને અયોગ્ય રીતે સ્પર્શ કરતો રહ્યો અને નોઈડામાં તેના ઘરે લઈ જવાના સ્થાને ગુરૂગ્રામમાં એક સંબંધીના ફ્લેટ પર લઈ ગયો અને ત્યાં બળાત્કાર કર્યો. ત્યારબાદ મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી, જેના આધારે FIR નોંધવામાં આવી અને ડિસેમ્બર 2024માં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આરોપીએ બીજી તરફ જામીન અરજીમાં દલીલો કરતાં કહ્યું કે, મહિલા પોતે જ તેની સાથે આવવા માટે સહમત થઈ હતી. તે સંબંધીના ઘરે લઈ ગયો હતો અને બળાત્કાર કર્યો હોવાના આરોપોને નકારીને તેણે કહ્યું કે, આ કેસ રેપનો નથી અને સંબંધો સહમતિથી બંધાયા હતા.
કોર્ટે આરોપીને જામીન પર મુક્ત કર્યો છે.