એક કેસની સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, કેટલાક કેસમાં ટ્રાયલ કોર્ટના જજ (Trial Court Judge) હાઈકોર્ટના ડરના કારણે છૂટી જવા છતાં આરોપીઓને જધન્ય અપરાધમાં દોષી ઠેરવી દે છે. જસ્ટીસ સિદ્ધાર્થ અને જસ્ટીસ સૈયદ કમર હસનની ખંડપીઠે આ મામલે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા અને કરિયરની સંભાવનાઓ બચાવવા માટે થઈને ટ્રાયલ કોર્ટના જજ આ પ્રકારના નિર્ણય લઈ લેતા હોય છે.”
કોર્ટે આ મામલે ટિપ્પણી કરતા કહ્યું કે, “આ પ્રકારની પ્રક્રિયામાં જે વ્યક્તિ પર આરોપ હોય છે, તેનું આખું વ્યક્તિત્વ મરી પરવારે છે. આ પ્રકારના આદેશો બાદ તે વ્યક્તિનું સામાન્ય સામાજિક જીવનમાં પરત ફરવું અસંભવ થઇ જાય છે. તેણે ગુમાવેલા સ્વતંત્ર જીવનના વર્ષે કે જે તેણે કેદમાં વિતાવ્યા છે, તે તેને પાછા નથી આપી શકાતા. તે વ્યક્તિ અને તેનું પરિવાર અપરાધિક ન્યાયના પ્રશાસન કારણે પીડિત બને છે. આવા કિસ્સામાં નાણાકીય સહાયનું મહત્વ નહિવત થઈ જાય છે. આવા વ્યક્તિના પરિવારોએ કેસ લડવા માટે અને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે થઈને સખત આર્થિક ભીંસમાંથી પસાર થવું પડે છે. આ પ્રક્રિયા પણ કોઈ સજાથી ઓછી નથી હોતી. અનેક કિસ્સાઓમાં પરિવારો પોતાના પ્રિયજનને અલગ-અલગ સ્તરની અદાલતોમાં બચાવવા માટે પોતાના અસ્તિત્વના તમામ સાધનો ખોઈ બેસે છે.”
લાંબી લડત બાદ છૂટ્યા પછી પણ વ્યક્તિનું જીવન અસામાન્ય- હાઈકોર્ટ
અલ્હાબાદ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આ પ્રકારના કિસ્સાઓને લઈને આગળ જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ આ પ્રકારની વ્યથાઓ બાદ છૂટી પણ જાય, તો તેઓ પોતાના પરિવાર અને સમાજમાં પહેલા જેવું સ્થાન નથી મેળવી શકતા. કોર્ટે કહ્યું, “ઘણીવાર આવા વ્યક્તિનું સ્થાન તેના જ પરિવારમાં કોઈ અન્ય વ્યક્તિએ લઈ લીધું હોય છે, પરિવારના અન્ય સભ્યો તેની સંપત્તિ હડપી લે છે. કેટલાક કિસ્સામાં લાંબો સમય સુધી જેલમાં રહેવાના કારણે સમાજ તેમને પાછો સ્વીકારતો હોય તેવું ખૂબ જ ઓછું જોવા મળ્યું છે.” કોર્ટે તેમ પણ ટાંક્યું કે આવા કિસ્સાઓમાં નિર્દોષ છૂટતા વ્યક્તિને યોગ્ય વળતર પણ આપવું જોઈએ, જેથી તેમને થોડી રાહત મળી શકે. તેમના વિરુદ્ધ લાગેલા નિરાધાર આરોપો બાદ કમસેકમ તેના પરિવાર દ્વારા તો તેને બોજ સ્વરૂપે નહીં જોવામાં આવે, જો તેને વળતર આપવામાં આવશે તો.
શું હતો આખો કેસ, જેના લીધે હાઈકોર્ટે કરી આ ટિપ્પણી
નોંધનીય છે કે હાઈકોર્ટના જજ સિદ્ધાર્થ અને સૈયદ કમર એક દહેજ અને હત્યાના કેસમાં સુનાવણી કરી રહ્યા હતા, તે દરમિયાન આ સમગ્ર ટિપ્પણી કરી હતી. આ કેસ અલીગઢની ટ્રાયલ કોર્ટના 2010ના એક આદેશને પડકારવાનો છે. તે કેસમાં નીચલી કોર્ટે આરોપીને અપરાધિક ધમકી સહિતના કેટલાક મામલામાં દોષી ઠેરવ્યો હતો. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આરોપીને પ્રમુખ આરોપોમાંથી મુક્તિ આપવાના આદેશ સહિત આરોપીને BNSની કલમ 506 અંતર્ગત દોષી ઠેરવવાના નિર્ણય પર નારાજગી દર્શાવી હતી.
વાસ્તવમાં કેસમાં એક મહિલાનું ફોન પર વાત કરવા દરમિયાન ઊંચાઈ પરથી પટકાવાથી મૃત્યુ થયું હતું. તેના લગ્નને સાત વર્ષનો સમય વીત્યો હતો. સાસરી પક્ષના લોકોનું કહેવું હતું કે તે છત પરથી પટકાઈ માટે તેનું મોત નીપજ્યું, જયારે મૃતક મહિલાના પિતાએ સાસરી પક્ષના લોકો પર દહેજ માટે પ્રતાડના અને હત્યાના આરોપ લગાવ્યા હતા. ત્યાર બાદ સાસરી પક્ષના લોકો પર દહેજ અને હત્યાના મામલામાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને 506 અંતર્ગત દોષી ઠેરવીને સજા ફટકારતા આરોપીએ અલ્હાબાદ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.