Friday, September 27, 2024
More
    હોમપેજદેશફરી વિવાદમાં રાહુલ ગાંધીની નાગરિકતા, અલ્હાબાદ હાઈકોર્ટે ગૃહ મંત્રાલય પાસેથી માંગ્યો જવાબ:...

    ફરી વિવાદમાં રાહુલ ગાંધીની નાગરિકતા, અલ્હાબાદ હાઈકોર્ટે ગૃહ મંત્રાલય પાસેથી માંગ્યો જવાબ: જાણો શું છે કેસ, જેમાં કોંગ્રેસ નેતા વિરુદ્ધ CBI તપાસની થઈ રહી છે માંગ

    અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ રાજન રોય અને જસ્ટિસ ઓમ પ્રકાશ શુક્લાની ખંડપીઠે એડિશનલ સોલિટર જનરલને આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને માહિતી માંગવાના નિર્દેશ આપ્યા છે.

    - Advertisement -

    કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીની (Rahul Gandhi) નાગરિકતાને લઈને ફરી એક વખત વિવાદ શરૂ થયો છે. તાજેતરમાં અલ્હાબાદ હાઈકોર્ટની (Allahabad High Court) લખનૌ બેન્ચે ગૃહ મંત્રાલય પાસે આ બાબતે સ્પષ્ટીકરણ માંગ્યું હતું. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધી વિદેશી નાગરિક (Citizenship) છે અને તેમની પાસે બેવડી નાગરિકતા છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, બંધારણની જોગવાઈઓ અનુસાર રાહુલ ગાંધી બેવડી નાગરિકતા ધરાવતા હોવાથી તેઓ ચૂંટણી ન લડી શકે અને જેથી તેમનું સાંસદપદ રદબાતલ ઠેરવવામાં આવે.

    અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ રાજન રોય અને જસ્ટિસ ઓમ પ્રકાશ શુક્લાની ખંડપીઠે એડિશનલ સોલિટર જનરલને આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને માહિતી માંગવાના નિર્દેશ આપ્યા છે. ત્યારબાદ અરજદાર પણ રૂબરૂ કોર્ટમાં હાજર થયા હતા, જેમણે દાવો કર્યો હતો કે તેમણે ગૃહ મંત્રાલયના વિદેશ વિભાગને વિસ્તૃત રજૂઆત કરીને ફરિયાદ કરી હતી, જેમાં રાહુલ ગાંધીની નાગરિકતા રદ કરવાની માંગ કરવામાં આવી છે. કોર્ટે આ ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે અંગે ગૃહ મંત્રાલય પાસેથી જવાબ માંગ્યો છે.

    કોર્ટમાં શું કાર્યવાહી થઈ?

    નોંધવું જોઈએ કે ગત જુલાઈ મહિનામાં જ કોર્ટે આ જ અરજદારની રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને કરવામાં આવેલી આવી જ એક અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે પરત ખેંચી લીધી હતી. જોકે, કોર્ટે તેમને નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 9(2) અંતર્ગત સક્ષમ પ્રાધિકરણ સમક્ષ કાયદાની હદમાં રહીને મામલો રજૂ કરવા માટે સ્વતંત્રતા આપી હતી. પરંતુ અરજદારે ગૃહ મંત્રાલય સમક્ષ રજૂઆત કર્યા બાદ પણ યોગ્ય પ્રત્યુત્તર ન મળતાં ફરી કોર્ટમાં અરજી કરી છે. જેની ઉપર હવે કોર્ટે મંત્રાલય પાસેથી વિગતો મંગાવી છે.

    - Advertisement -

    સુનાવણી દરમિયાન અરજદારે પોતે જ કોર્ટમાં હાજર થઈને જણાવ્યું કે, તેમણે નાગરિકતા અધિનિયમ 2009ના નિયમ 40 (2) અને 2009ના નિયમોની અનુસૂચિ 3 ઉપરાંત 1955 અધિનિયમની કલમ 9 (2) અને વિનિમયો અનુસાર રાહુલ ગાંધીની નાગરિકતા રદ કરવાની માંગ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સમક્ષ આવેદન આપ્યું હતું. પરંતુ જવાબ ન મળતાં ફરી કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

    અરજદારે કરી CBI તપાસની માંગ

    નોંધનીય છે કે અરજદારનું નામ એસ. વિગ્નેશ છે અને તેમણે 12 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં અરજી કરીને કોંગ્રેસ નેતા અને અમેઠીના સાંસદ રાહુલ ગાંધી બ્રિટીશ નાગરિક હોવાનો દાવો કર્યો હતો. તેમણે દાવો કર્યો છે કે આ મામલે તેમણે ઊંડાણપૂર્વક તપાસ કરી છે અને તેમને અત્યંત ગુપ્ત માહિતી મળી છે. તેમણે પોતાના દાવાના આધારે રાહુલ ગાંધીની CBI તપાસની માંગ કરીને તેમની ભારતીય નાગરિકતા રદ કરવાની માંગ કરી છે.

    બીજી તરફ અરજદારે કોર્ટમાં સુનાવણી દરમિયાન પણ રાહુલ ગાંધી વિરુદ્ધ CBI તપાસની માંગ કરી હતી. કોર્ટે જોકે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, આ તબક્કે તેઓ માત્ર એ જ ચકાસી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહમંત્રાલયને આ બાબતે કોઈ અરજી કે રજૂઆત પ્રાપ્ત થઈ છે કે કેમ અને આ બાબત પર તેમણે કોઈ નિર્ણય લીધો છે કે કોઈ વિચારણા કરી રહ્યા છે કે કેમ. તે સિવાય હાલ કોર્ટ બીજી કોઈ બાબતોમાં પડી રહી નથી. કોર્ટે મંત્રાલય પાસેથી વિગતો મેળવીને રજૂ કરવા માટે કહીને મામલાની સુનાવણી આગામી 30 સપ્ટેમ્બરના રોજ મુકરર કરી છે.

    ભારતમાં ‘ડ્યુઅલ સિટિઝનશિપ’ માન્ય નહીં

    ઉલ્લેખનીય છે કે ડ્યુઅલ સિટિઝનશિપ એટલે કે બેવડી નાગરિકતા પર ભારતમાં પ્રતિબંધ છે. બેવડી નાગરિકતા ધરાવતો વ્યક્તિ એક કરતાં વધુ દેશોની નાગરિકતા મેળવી શકે, બે પાસપોર્ટ રાખી શકે અને બંને દેશોના કાયદેસર નાગરિક તરીકે રહી શકે. ઉપરાંત, જે-તે દેશોના નાગરિકોને જે હકો અને અધિકારો મળે તે તેને પણ મળે છે. રાજકારણમાં પણ ભાગ લઈ શકે તેમજ મુસાફરી માટે વિઝા વગેરેની પણ જરૂર પડતી નથી અને જે-તે દેશોમાં રોજગાર પણ મેળવી શકે છે. 

    જોકે, ભારતમાં બેવડી નાગરિકતાની કોઈ જોગવાઈ નથી. અમેરિકા, ફિનલેન્ડ, અલ્બાનિયા, ઇઝરાયેલ અને પાકિસ્તાન જેવા અમુક દેશો છે, જે ડ્યુઅલ સિટીઝનશિપ આપે છે પણ તેમાં પણ દરેકના નિયમો જુદા-જુદા છે. 

    તેના સ્થાને ભારત ઓવરસીસ સિટીઝનશિપ ઑફ ઇન્ડિયા (OCI) ઑફર કરે છે. જેમાં મૂળ ભારતના પણ વિદેશમાં સ્થાયી થયેલા (પાકિસ્તાન અને બાંગ્લાદેશ આમાંથી બાકાત છે) લોકોને OCI આપવામાં આવે છે. જોકે, તેમને પણ મતદાન કે પછી ચૂંટણી લડવાનો કોઈ અધિકાર પ્રાપ્ત થતો નથી. પરંતુ લાઈફ લોંગ વિઝા અને મલ્ટિપલ એન્ટ્રી જેવા લાભ પ્રાપ્ત થાય છે, જેથી સરળતાથી ભારત આવ-જા કરી શકે છે. ઉપરાંત, ભારતમાં ગમે તેટલો સમય રહી શકે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં