રાજસ્થાનના ઉદયપુરમાં હિંદુ ટેલર કન્હૈયાલાલની હત્યા મામલે નવો ખુલાસો થયો છે. રિપોર્ટ્સ અનુસાર, કન્હૈયાલાલના હત્યારાઓના તાર અજમેરના એક શખ્સ ગૌહર ચિશ્તી સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ હત્યા પહેલાં અજમેર દરગાહનો ખાદીમ ગૌહર ચિશ્તી હત્યારાઓમાંથી એકને મળ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
ગૌહરે 17 જૂનના રોજ અજમેર દરગાહની બહાર નૂપુર શર્મા વિરુદ્ધ ‘સર તન સે જુદા’ની નારાબાજી કરાવી હતી. આ ભડકાઉ ભાષણ અને નારાબાજી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહના મુખ્ય દ્વાર પર ઉભા રહીને કરવામાં આવ્યાં હતાં. જે બાદ તે ઉદયપુર ગયો હતો અને કન્હૈયાલાલના હત્યારા રિયાઝ અત્તારીને મળ્યો હતો. નોંધવું જરૂરી છે કે રિયાઝે પણ તે જ દિવસે (17 જૂન 2022) નૂપુર શર્મા અને તેમને સમર્થન કરનારાઓને ધમકી આપતો વિડીયો જારી કર્યો હતો.
#Sources: On June 17, #GauharChishti came to Udaipur to meet Mohammad Riyaz Attari (#KanhaiyaLal's killer) after raised provocative slogans of 'Sar Tan se Juda' at #Ajmer Sharif's gate. On this same day Riyaz made the first 'Beheading' threatening video. (1/2)
— Nikhil Choudhary (@NikhilCh_) July 7, 2022
રિપોર્ટ્સ અનુસાર, ગૌહર ચિશ્તીએ જ રિયાઝને હિંદુ ટેલર કન્હૈયાલાલની હત્યા બાદ વિડીયો બનાવવા માટે કહ્યું હતું. બંને વચ્ચેની મુલાકાતમાં જ હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની આશંકા છે. હાલ ગૌહર ચિશ્તી ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
ઝી ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર, ગૌહર ચિશ્તી PFIનો સક્રિય સભ્ય છે. તેની વિરુદ્ધ 25 જૂનના રોજ પોલીસે ભડકાઉ નારાબાજી કરવા બદલ કેસ દાખલ કર્યો હતો. જે બાદ ગૌહર ચિશ્તી ક્યાં છે તેની કોઈને જાણ નથી. બીજી તરફ જાણવા મળ્યું છે કે, ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા બાદ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદ અજમેર તરફ રવાના થઇ ગયા હતા. તે બંને અજમેર પહોંચીને ગૌહર ચિશ્તી સાથે મુલાકાત કરવાના હતા, પરંતુ તે પહેલાં જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.
ઝી ન્યૂઝે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, રિયાઝ નિયમિત રીતે અજમેર જતો હતો અને જ્યાં તેની અનવર હુસૈન નામના શખ્સ સાથે મુલાકાત થતી હતી. આ અનવર હુસૈન રિયાઝ અને ચિશ્તી વચ્ચે વચેટિયાનું કામ કરતો હતો. હાલ અનવરને રાજસ્થાન એટીએસે પકડી લીધો છે અને તે હિરાસતમાં છે.
કન્હૈયાલાલની હત્યા મામલે નવો ખુલાસો કરતા ઇન્ડિયા ટીવીના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ગૌહર ચિશ્તી અજમેર દરગાહની અંજુમન સમિતિના અધ્યક્ષ સરવર ચિશ્તીનો ભત્રીજો છે. 17 જૂને તેણે દરગાહના દરવાજાની બહાર ‘સર તન સે જુદા’ના નારા લગાવ્યા હતા. હાજર લોકોને તેણે કહ્યું હતું કે, “જો કોઈ આપણા પયગંબરનું અપમાન કરે તો અમે સહન કરીશું નહીં. ઇશનિંદા માટે એક જ સજા છે. તેણે કહ્યું હતું કે, નૂપુર શર્માએ પયગંબરની શાનમાં ગુસ્તાખી કરી છે અને તેને જીવવાનો કોઈ અધિકાર નથી.