મહેસાણાના મોઢેરા રોડ ખાતે આવેલ એક કોમ્પ્લેક્ષમાં થોડા દિવસો પહેલા એક સાથે 7 દુકાનોના તાળાં તૂટ્યા હતા અને ચોરી થઇ હતી. આ બાબતે તાપસ કરી રહેલ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચને આખરે સફળતા મળી છે. ગણતરીના દિવસોમાં જ પોલીસે આ ચોરી કરનાર આરોપીઓની આખી અમદાવાદની કુખ્યાત ચોર ગેંગ પકડી પાડી છે અને મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.
VTVના અહેવાલ અનુસાર પોલીસે આ બાબતે સઘન તપાસ કરતા અસલમ મોજમખાન પઠાણ (ઉંમર 36 વર્ષ રહેવાસી જમાલપુર અમદાવાદ), અજરુદ્દીન કરીમુદ્દીન શેખ (ઉંમર 35 રહે જમલાપુર અમદાવાદ), જાઉલ ઉર્ફે જાઉલો હમીદખાન મલેક (ઉંમર 23 વર્ષ સોનલ સિનેમા વેજલપુર અમદાવાદ) અને સમીરખાન પઠાણ (ઉંમર 28 સરખેજ અમદાવાદ) નામના 4 આરોપીઓની રીક્ષા અને મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
આરોપીને પકડ્યા બાદ તેમની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આ ચારેય આરોપીઓની આખી ગેંગ આવી ઘરફોડ ચોરીઓમાં ખુબ જ કુખ્યાત છે. આ ટોળકીના જાઉલો ,સમીરખાન અને અજરુદ્દીન ભૂતકાળમાં 12 કરતા વધુ ચોરીને અંજામ આપી ચુક્યા છે. જાઉલો અમદાવાદ શહેરના ઘરફોડ ચોરીના 12 કરતા વધુ ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલ છે. તો સમીરખાન પણ અમદાવાદ શહેરમાં 12 કરતા વધુ ચોરીને અંજામ આપી ચુક્યો છે. એજ રીતે અજરુદ્દીન અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપી ચુક્યો છે. આમ આ અમદાવાદની કુખ્યાત ચોર ગેંગ ચોરી કરવામાં માહિર છે.
કઈ રીતે પકડાઈ આ ચોર ટોળકી
આ ટોળકીએ બે દિવસ પહેલા મહેસાણાના મોઢેરા રોડ વિસ્તારમાં આવેલા કંકુબા કોમ્પ્લેક્સમાં એક જ રાતમાં 7 દુકાનના તાળા તોડી તરખાટ મચાવ્યો હતો. જો કે ચોરીમાં માહિર એવી આ ગેંગ થી એક જ ભૂલ થઈ ગઈ અને મહેસાણા પોલીસે આ ટોળકીને માત્ર બે જ દિવસમાં ઝડપી લીધી હતી.
આ અમદાવાદની કુખ્યાત ચોર ટોળકી ચોરી કરવા માટે રીક્ષા લઈને આવી હતી અને ચોરી કર્યા બાદ પણ આ ટોળકી એ જ રિક્ષામાં ફરી રહી હતી. મહેસાણા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે રીક્ષાનો નંબર મેળવી લીધો અને ગણતરીના દિવસોમાં જ ચોર ટોળકી સુધી પોલીસ પહોંચી ગઈ.
પોલીસ તપાસ દરમિયાન ચોરીના સ્થળ નજીક GJ01 TF3557 નંબરની રીક્ષા શંકાસ્પદ રીતે જોવા મળી અને પોલીસે રીક્ષાના નંબર આધારે તપાસ હાથ ધરી તો ચોર ટોળકી સુધી પહોંચી ગઈ હતી. ચોર ટોળકી ચોરીનો મુદ્દામાલ સગેવગે કરે તે પહેલાં જ પોલીસના હાથે પકડાઈ ગઈ હતી.