Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદના ઇસ્કોન બ્રિજ પર મોડી રાતે ગમખ્વાર અકસ્માતમાં 9 એ જીવ ગુમાવ્યા:...

    અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર મોડી રાતે ગમખ્વાર અકસ્માતમાં 9 એ જીવ ગુમાવ્યા: બીજો અકસ્માત જોવા ભેગા થયેલ ટોળા પર જ કાળ બનીને ચડી ગઈ જેગુઆર, આરોપીની થઇ ઓળખ

    જેગુઆર ચલાવનાર આરોપીની ઓળખ તથ્ય પટેલ તરીકે થઇ છે. તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સમયે તેની સાથે જેગ્યુઆરમાં 2 યુવકો અને એક યુવતી પણ હાજર હતી, જેમના પર્સ પણ ગાડીમાંથી મળી આવ્યા છે.

    - Advertisement -

    બુધવારે મોદી રાતે અમદાવાદના એસજી હાઇવે પરના ઇસ્કોન બ્રિજ પર એક ગોઝારો અકસ્માત થયો હતો, જેમાં હમણાં સુધી 9 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે અને ઘણા હજુ સારવાર હેઠળ છે. આ બ્રિજ પર થયેલા એક અકસ્માતને જોવા ટોળું એકઠું થયું હતું. જે દરમિયાન અન્ય એક જેગુઆર ગાડી પુરપાટ ઝડપે આવીને એ ટોળા પર ચડી ગઈ હતી. આરોપીની ઓળખ થઇ ચુકી છે. આ આખા ઘટનાક્રમ બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી છે અને સહાય પણ જાહેર કરી છે.

    અહેવાલો અનુસાર જેગુઆર ચલાવનાર આરોપીની ઓળખ તથ્ય પટેલ તરીકે થઇ છે. તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સમયે તેની સાથે જેગ્યુઆરમાં 2 યુવકો અને એક યુવતી પણ હાજર હતી, જેમના પર્સ પણ ગાડીમાંથી મળી આવ્યા છે. ગુજરાત સમાચારના અહેવાલ અનુસાર આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ કુખ્યાત ગુનેગાર છે અને તેની સામે બળાત્કાર સહિત અનેક ગુનાઓ નોંધાયેલા છે.

    કઈ રીતે થયો આ આખો અકસ્માત?

    સૌ પહેલા ગત રાતે ઇસ્કોન બ્રિજ પર એક ડમ્બર અને મહિન્દ્રા થાર ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. સદ્નસીબે આમાં કોઈનું મૃત્યુ થયું નહોતું. પરંતુ અકસ્માતને જોવા માટે ટૂંક જ સમયમાં ત્યાં મોટું ટોળું એકઠું થઇ ગયું હતું. જયારે આ લોકો અકસ્માત જોઈ રહ્યા હતા એવામાં રાજપથ ક્લબ તરફના રોડથી એક જેગુઆર ગાડી 160 જેટલી સ્પીડમાં આવી અને ટોળા પર ફરી વળી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે માણસો પાંદડાઓની જેમ 25-30 ફૂટ દૂર હવામાં ફંગોળાયા હતા.

    - Advertisement -

    અચાનક જ આવેલી આ જેગુઆર ગાડી દ્વારા થયેલ અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પરમાર સહિત 9 વ્યક્તિઓ ઘટનાસ્થેળે જ મોતને ભેટ્યા હતા. સાથે અન્ય 10થી વધુને ઇજા પહોંચી હતી, જેમાંથી અમુક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ ખાતે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે અસારવા સિવિલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આરોપી તથ્ય પટેલને પણ ઈજાઓ થઇ હોવાથી તેને પણ સિમ્સ હોસ્પિટલ ખાતે સારવાર માટે ભરતી કરાયો છે.

    નોંધનીય છે કે અચાનક થયેલા આ અકસ્માત બાદ જયારે આરોપી તથ્ય પટેલ પોતાની ગાડીમાંથી બહાર નીકળ્યો ત્યારે આસપાસ ઉભેલા ઉશ્કેરાયેલા લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં અમુક લોકોએ તેને બાજુમાં ખસેડી ઈજાગ્રસ્ત હોવાથી સારવાર માટે મોકલી દીધો હતો.

    9 મૃતકોની યાદી

    1. ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર (ઉં.વ.40, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ)
    2. નિલેશ મોહનભાઈ ખટીક (ઉ.વ.38, હોમગાર્ડ)
    3. અમનભાઈ અમિરભાઈ કચ્છી (ઉં.વ.25, રહે-સુરેન્દ્રનગર)
    4. નિરવભાઈ રામાનુજ (ઉં.વ.22, રહે- રામાપીરના મંદિર પાસે, ચાંદલોડિયા)
    5. રોનક રાજેશભાઈ વિહલપરા (ઉ.વ.23, રહે- બોટાદ)
    6. અરમાન અનિલભાઈ વઢવાણિયા (ઉં.વ. 21, રહે- સુરેન્દ્રનગર)
    7. અક્ષર અનિલભાઈ પટેલ (ઉં.વ.21, રહે- બોટાદ)
    8. કુણાલ નટુભાઈ કોડિયા (ઉ.વ. 23, રહે- બોટાદ)
    9. ઓળખ બાકી

    નોંધનીય મૃતકોમાં એક પોલીસ કોન્સ્ટેબલ છે અને અન્ય એક હોમગાર્ડના જવાન છે. બાકીનામાં મોટા ભાગના PGમાં રહેતા વિદ્યાર્થીઓ છે.

    મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી અને સહાય જાહેર કરી

    આ ગંભીર ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ મૃતકો અને ઇજાગ્રસ્તો માટે આર્ટિક સહાયની પણ જાહેરાત કરી છે.

    તેઓએ લખ્યું છે કે, “અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં