અમદાવાદના નિકોલમાં એક મુસ્લિમ યુવક સાથે પરણેલી હિંદુ યુવતીએ સ્થાનિક પોલીસ મથકે પતિ અને સાસરિયાં વિરુદ્ધ ત્રાસ ગુજારતા હોવાની અને નમાઝ અને કુરાન પઢવા માટે દબાણ કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે યુવતીના પતિ આદિલ ખાન સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
ઘટનાની વધુ વિગતો એવી છે કે, નિકોલમાં રહેતી હિંદુ યુવતી ઉત્તરપ્રદેશના આગ્રાની એક હોટેલમાં રિસેપ્સનિસ્ટ કરીકે કામ કરતી હતી તે દરમ્યાન, તે જ હોટેલમાં કામ કરતા ખાલિદ અલી ઉર્ફે આદિલ અલી નામના યુવક સાથે તેનો પરિચય હતો. બંને વચ્ચે મિત્રતા થઇ હતી અને જે બાદમાં પ્રેમસંબંધમાં પરિણમી હતી. લાંબો સમય પ્રેમસબંધમાં રહ્યા બાદ યુવકે પ્રસ્તાવ મૂકતાં બંનેએ જાન્યુઆરી 2014માં કોર્ટ મેરેજ કરી લીધાં હતાં.
કોર્ટ મેરેજના પાંચ મહિના બાદ ખાલિદ અલીએ ઘરે મૌલવીને બોલાવી ઇસ્લામિક પરંપરા અનુસાર નિકાહ કર્યા હતા અને હિંદુ યુવતીનું નામ પણ બદલી નાંખ્યું હતું. બંનેના લગ્નજીવન દરમિયાન યુવતીએ બે બાળકોને જન્મ પણ આપ્યો હતો. જેના થોડા સમય બાદ આદિલે યુવતીને નોકરી છોડાવી દીધી હતી.
રિપોર્ટ અનુસાર, યુવતીની સાસુ અને નણંદ યુવતીને અવારનવાર નમાઝ માટે અને કુરાન પઢવા માટે હેરાન કરતી હતી. તેમજ પતિએ તેના બહાર જવા પર પ્રતિબંધ લગાવી દીધો હોવાનો અને મોડી રાત્રે ઘરે આવીને ઝઘડો કરીને મારઝૂડ કરતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
યુવતીએ પતિ ઉપર અન્ય સ્ત્રીઓ સાથે સબંધ ધરાવતો હોવાના પણ આરોપ લગાવ્યા છે. જેમાં એક દિવસ તેણે પતિનો ફોન ચેક કરતાં તેમાં અન્ય સ્ત્રીઓ સાથેના સબંધ ધરાવતા ફોટા અને કોલ રેકોર્ડિંગ મળી આવ્યાં હોવાનું જણાવવામાં આવ્યું છે. જે બાદ ગત ફેબ્રુઆરીમાં યુવતી બીમારીનું બહાનું કાઢીને પિયરમાં અમદાવાદ ખાતે આવી ગઈ હતી.
અહેવાલ અનુસાર, હિંદુ યુવતીએ પતિને ફોન કરતાં તેણે તેને ઉત્તરપ્રદેશમાં ચૂંટણી હોવાથી બંદૂક પોલીસ સ્ટેશને જમા છે, જે પરત આવી જાય પછી તને અને તારી માતાને જોઈ લઈશ તેમ કહીને ધમકી આપી હતી. માથાભારે પતિની ધમકીથી ગભરાઈ જઈને યુવતી સાસરે ગઈ ન હતી અને નિકોલ પોલીસ મથકે પતિ તેમજ સાસુ, નણંદ અને જેઠ સહિતનાં સાસરિયાં સામે ઘરેલુ હિંસા અને ધમકી અંગે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.