અમદાવાદ પોલીસની સાયબર ક્રાઈમ શાખાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર એક શખ્સની ધરપકડ લીધી છે. આરોપીએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર લખાણ લખીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. શેતલ લોલિયાણી નામના આ યુવકે 25 માર્ચના રોજ ફેસબુક પર ધમકીભરી પોસ્ટ કરી હતી.
મળતી માહિતી અનુસાર અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમ ટેક્નિકલ સર્વેલન્સ કરીને સોશિયલ મીડિયા પર મોનિટરિંગ કરી રહી હતી તે દરમિયાન એક વાંધાજનક પોસ્ટ તેમના ધ્યાને આવી હતી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં વડાપ્રધાન મોદી વિશે આપત્તિજનક લખાણ સાથે તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જે મામલે સાયબર ક્રાઈમે વધુ તપાસ કરતા આ પોસ્ટ નડિયાદના એક શખ્સ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
ઇનપુટના આધારે સાયબર ક્રાઈમની ટેક્નિકલ ટીમ દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈને તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન આ ફેસબુક પ્રોફાઈલ શેતલ લોલીયાણીની હોવાનું ખુલ્યું હતું અને તે નડિયાદનો રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું હતું. ત્યારબાદ તાત્કાલિક ધોરણે સાયબર ક્રાઈમે નડિયાદથી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી ખાનગી ટ્યૂશન કલાસ ચલાવે છે. તેણે શા માટે પોસ્ટ કરી હતી, તે મામલે પૂછપરછ કરતાં આરોપી દ્વારા કોઈ પ્રકારનો સંતોષકારક જવાબ હજુ સુધી આપવામાં આવ્યો નથી. સાયબર ક્રાઈમ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઈ-મેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાંખવાની ધમકી આપવા બદલ ગુજરાત ATS દ્વારા એક યુવકની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત ATS અને યુપી પોલીસે 26 નવેમ્બર 2022ના રોજ પીએમ મોદીને ધમકી આપતો ઈ-મેઈલ કરવા બદલ અમન સક્સેના નામના યુવાનની ધરપકડ કરી હતી. આરોપીએ આઈઆઈટી મુંબઈથી બી.ટેકની ડિગ્રી મેળવી હતી. પોલીસની પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તે એક યુવતીને પ્રેમ કરતો હતો અને તેના પ્રેમીને ફસાવવા માટે આ કાવતરું રચ્યું હતું.
પીએમ મોદીને ધમકી આપતો ઈ-મેઈલ મળ્યા બાદ ગૃહમંત્રાલયે મામલાની તપાસ ગુજરાત એટીએસને સોંપી હતી. ત્યારબાદ એટીએસે ઈ-મેઈલ મોકલનારને ટ્રેસ કરતાં તે યુપીના બદાયુંના આદર્શનગર ખાતેથી મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ બે ATS અધિકારીઓ બદાયું પહોંચ્યા હતા અને યુપી પોલીસ સાથે મળીને આરોપીની ધરપકડ કરી લીધી હતી અને સ્થાનિક પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.