ગુજરાતીઓને ઠગ કહેવા મામલે થયેલા માનહાનિ કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે સમન્સ પાઠવ્યા છે.
તેજસ્વી યાદવે મીડિયા સાથેની વાતચીત દરમિયાન ગુજરાતીઓ વિશે ટિપ્પણી કરી હતી, ત્યારબાદ તેમની સામે અમદાવાદમાં IPCની કલમ 499 અને 500 હેઠળ માનહાનિ કેસ નોંધાયો હતો. આ મામલે સુનાવણી ચાલી રહી હતી, જ્યારે હવે તેમને વ્યક્તિગત હાજરી આપવા માટે સમન્સ મોકલવામાં આવ્યું છે. તેમણે આગામી 22 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજરી આપવી પડશે.
#WATCH | Ahmedabad, Gujarat: "On defamation case against Tejashwi Yadav, for using 'thugs' word for Gujaratis, the Court has issued summons to him and has asked him to be present in court on 22nd September…", says Advocate Praful R Patel, Complainant's lawyer pic.twitter.com/wIAgQXus1o
— ANI (@ANI) August 28, 2023
અમદાવાદના એક નાગરિક હરેશ મહેતાની ફરિયાદ પર અમદાવાદ મેટ્રો કોર્ટે મામલાની સુનાવણી હાથ ધરી હતી. તેમની સામે CrPCની કલમ 202 હેઠળ તપાસ કર્યા બાદ પૂરતા પુરાવાઓ હોવાનું જણાતાં કોર્ટે સમન્સ પાઠવ્યું હતું. આ પહેલાં આગલી સુનાવણીમાં ફરિયાદી તરફથી તેજસ્વી યાદવને સમન્સ પાઠવવાની માંગ કરવામાં આવી હતી. તેમના વકીલે કોર્ટમાં દલીલ રજૂ કરતાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ ટાંકી અને કહ્યું કે અભદ્ર ભાષાના ઉપયોગને હળવાશથી ન લેવો જોઈએ અને આરોપી જે હોય એ, તેની સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, તેજસ્વી અમુક લોકોનું ઉદાહરણ લઈને આખા સમાજ કે રાજ્યના તમામ લોકોને ઠગ ન કહી શકે. જો આમ જ ચાલતું રહ્યું અને કાર્યવાહી ન થઇ તોપણ રાજ્યો વચ્ચે ટકરાવ વધશે, જે દેશના સંઘીય માળખા વિરુદ્ધ હશે અને જેનાથી દેશની એકતા પર પણ અસર પડશે.
વાસ્તવમાં તેજસ્વી યાદવે 21 માર્ચના રોજ મીડિયા સાથેની વાતચીતમાં આ ટિપ્પણી કરી હતી. તેજસ્વીએ કહ્યું હતું કે, “આજના સમયમાં ગુજરાતી જ ઠગ હોય શકે છે અને તેમની ઠગાઈને માફ કરી દેવામાં આવશે.” તેમણે આગળ ઉમેર્યું હતું કે, “LICના પૈસા, બેન્કના પૈસા આપી દો અને પછી તેઓ લઈને ભાગી જાય તો કોણ જવાબદાર હશે? કે પછી આ ભાજપીઓ ભાગી જાય તો કોણ જવાબદાર હશે?”
આ મામલે એપ્રિલ મહિનામાં અમદાવાદના હરેશ મહેતાએ તેમની સામે અમદાવાદ કોર્ટમાં માનહાનિની ફરિયાદ કરી હતી. જેને સ્વીકારીને કોર્ટે સુનાવણી શરૂ કરી હતી. કોર્ટે પુરાવાઓ નોંધ્યા બાદ અને સાક્ષીઓનાં નિવેદનો નોંધ્યા બાદ યોગ્ય જણાતાં તેજસ્વી યાદવને સમન્સ પાઠવ્યું છે. આગલી સુનાવણી 22 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.