Saturday, March 22, 2025
More
    હોમપેજગુજરાત‘અમારે તોફાન કરવું છે, તમે હોળી કેમ મનાવો છો એ જોઈએ’: બાવળાના...

    ‘અમારે તોફાન કરવું છે, તમે હોળી કેમ મનાવો છો એ જોઈએ’: બાવળાના મેણી ગામમાં માથાભારે મુસ્લિમ ઈસમોએ હિંદુઓને ધમકી આપી હોવાનો આરોપ, પોલીસ નકારી રહી છે કોમ્યુનલ એન્ગલ

    હિંદુ સંગઠનનો દાવો છે કે, હોળીના તહેવાર સમયે આસપાસના ગામના મુસ્લિમોએ ગામ વચ્ચે આવીને હિંદુઓને ધમકી આપી કે, 'અમારે તોફાન કરવું છે, તમે કેમ હોળી મનાવો તે જોઈએ.'

    - Advertisement -

    અમદાવાદના બાવળા તાલુકાના મેણી ગામમાં મુસ્લિમ સમુદાય દ્વારા હિંદુઓને ધમકી આપવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે કે, મુસ્લિમ સમુદાયના લોકોએ તેમને હોળીને લઈને ધમકી આપી છે. બીજી તરફ અમદાવાદ પોલીસ કહી રહી છે કે આમાં સાંપ્રદાયિક એન્ગલ નથી અને જમીન વિવાદને લઈને બંને પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હતી, પરંતુ મામલો થાળે પડી ગયો છે.

    વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, સ્થાનિક લોકો એકઠા થઈને ફરિયાદ કરી રહ્યા છે. જેમાં એક હિંદુ મહિલા કહી રહી છે કે, તેઓ ખેતરમાં ભાત લઈને જઈ રહ્યાં હતાં, તે દરમિયાન અકબર ઝીણા નામનો એક ઈસમ કોદાળી લઈને તેમને મારવા માટે આવ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેમને તેમના પોતાના ખેતરમાં જ પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે. વધુમાં તેઓ કહી રહ્યાં છે કે, બે-ત્રણ વખત પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ કોઈ સાંભળી રહ્યું નથી.

    આ સાથે જ વિડીયોમાં અન્ય એક પુરુષે આરોપ લગાવ્યો છે કે, અકબર ઝીણા નામના ઈસમે તેમને ગામ છોડી દેવાની ધમકી આપી છે. વધુમાં અમરતભાઈ નામના એક સ્થાનિકે આરોપ લગાવતા કહ્યું છે કે, “તેમણે (મુસ્લિમ સમુદાયના લોકો) કહ્યું છે કે, તમે કેમ હોળી-ધૂળેટી મનાવો છો એ જોઈએ. PSI પણ મુસ્લિમ મહિલા હોવાથી ફરિયાદ સ્વીકારી નહીં. પોલીસ કહે છે કે, આમાં કશું નથી, બધું પતાવી દઈશું. પણ અમારે ગામ છોડવાનો સમય આવ્યો છે. પોલીસ તો સ્થળ પર પણ આવતી નથી.”

    - Advertisement -

    શું કહે છે સ્થાનિક હિંદુ સંગઠનો?

    આ ઘટનાને લઈને વિશ્વ હિંદુ પરિષદના ધંધુકાના પદાધિકારી નીતિનભાઈ ચૌહાણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, મેણી ગામમાં માત્ર 40% હિંદુઓ રહે છે, બાકીની 60% વસ્તી મુસ્લિમ સમુદાયની છે. આસપાસના ગામડાંમાં પણ મુસ્લિમ બહુમતી છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો છે કે, લગભગ 2 વર્ષથી અહીં હિંદુઓને કોઈને કોઈ બાબતે પ્રતાડિત કરવામાં આવી રહ્યા હતા.

    તેઓ ઉમેરે છે, “છેલ્લાં બે વર્ષથી હિંદુ મહિલાઓની છેડતી કરવાની ફરિયાદો પણ આવતી હતી. તાજેતરમાં જ એક હિંદુ મહિલાની છેડતી કરવામાં આવી હતી, જે બાદ હિંદુ મહિલાના પતિએ તે મુસ્લિમ યુવકને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ મુસ્લિમ સમુદાયના લોકોએ તે વ્યક્તિને વાહનમાંથી કાઢીને માર માર્યો હતો. તે પછી હવે હોળીના તહેવાર સમયે આસપાસના ગામના મુસ્લિમોએ ગામ વચ્ચે આવીને હિંદુઓને ધમકી આપી કે, ‘અમારે તોફાન કરવું છે, તમે કેમ હોળી મનાવો તે જોઈએ.'”

    વધુમાં ચૌહાણે જણાવ્યું કે, “ગામમાં શાંતિ ડહોળાય નહીં એ માટે હિંદુઓએ સરકારને અને પોલીસ પ્રશાસનને સાથે રાખીને કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ અમે મામલતદારમાં આવેદન પણ આપ્યું હતું. આ ઘટના બાદ મુસ્લિમોની ફરિયાદ પોલીસે તરત જ લઈ લીધી હતી.” તેમણે વધુમાં કહ્યું કે, “મુસ્લિમ સમુદાયના લોકોએ હિંદુ વ્યક્તિની જમીનનું પણ ખનન કરી નાખ્યું હતું અને તેમના ખેતરમાં જવાનો રસ્તો પણ બંધ કરી દીધો હતો. ત્યારબાદ મુસ્લિમોએ ધમકી પણ આપી કે, ‘ગમે તે હિંદુ સંગઠન આવે અમે તમને ગામમાં નહીં રહેવા દઈએ.’

    વધુમાં હિંદુ સંગઠનનો દાવો છે કે, જમીનનો આ મુદ્દો મુસ્લિમોએ પછીથી ઊભો કર્યો છે. વધુમાં ચૌહાણે કહ્યું છે કે, “તેમણે (મુસ્લિમોએ) હિંદુઓ હેરાન કરતા હોવાનો દાવો કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તે સ્વીકારી પણ લીધી છે. હવે સ્વાભાવિક છે કે, 40% વસ્તી જે સમાજની હોય, તે કશું કરી શકે જ નહીં.” વધુમાં તેમણે કહ્યું કે, આવેદન આપવા ગયેલા અન્ય હિંદુઓને પણ મુસ્લિમ સમુદાયના લોકો ‘પોલીસમાં ફિટ’ કરી દેવાની ધમકી આપે છે. હિંદુ સંગઠનોનું કહેવું છે કે, હોળીના મુદ્દાને છુપાવવા માટે જમીનનો મુદ્દો લઈને આવવામાં આવ્યો છે.

    વધુમાં ચૌહાણે એવો દાવો પણ કર્યો છે કે, “મુસ્લિમ સમુદાયના ટોળાંના રહેલા ઉસ્માન સમા નામના વ્યક્તિએ તેમના સમુદાયને એવું કહ્યું હતું કે, ‘કેસ લડવા માટે હું સમુદાયને 50 હજાર રૂપિયા આપવા માટે તૈયાર છું પણ પાછું પડવાનું થતું નથી.’ વધુમાં તોફાન કરવાનું પણ કહ્યું હતું.” હિંદુ સંગઠને એવું પણ કહ્યું કે, શરૂઆતમાં પોલીસે ફરિયાદ નોંધી નહોતી, પરંતુ પછીથી સંગઠનોએ વિડીયો વગેરે વાયરલ કર્યા બાદ ફરિયાદ લેવામાં આવી હતી.

    શું કહે છે પોલીસ?

    વધુમાં અમદાવાદ ગ્રામીણ પોલીસે આ સમગ્ર ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એન્ગલ ન હોવાનું કહ્યું છે. પોલીસ અનુસાર, આ ઘટના બે પાડોશી ખેડૂતો વચ્ચેના જમીન વિવાદને લઈને બની હતી. વધુમાં પોલીસનું કહેવું છે કે, વિવાદમાં સામેલ બે પરિવારો વચ્ચે મૌખિક વિવાદ થયો હતો. આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક પાસાં નથી, તે માત્ર એક ખાનગી જમીન સંબંધિત વિવાદ છે. સાથે એવું પણ કહ્યું છે કે, પોલીસે વિવાદમાં સામેલ વ્યક્તિઓ વિરુદ્ધ નિવારક ઉપાય માટે કાર્યવાહી કરી છે.

    ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં નળસરોવર પોલીસ સ્ટેશનનાં PSI અમી ઘોરીએ પણ આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ ન હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું છે કે, બંને પક્ષની ફરિયાદો સ્વીકારવામાં આવી છે અને કોઈ ભેદભાવ થયો નથી. તેમણે કહ્યું કે, ગામમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવશે અને ભાઇચારાથી ઉજવાશે. વધુમાં તેમણે કહ્યું છે કે, બંને સમુદાયના લોકો પોલીસ સ્ટેશન છે અને વાતચીત કરી રહ્યા છે. જોકે, હિંદુ સંગઠને સમાધાનનો દાવો નકાર્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં