મોઈદ ખાન અને નવાબ યાદવ બાદ હવે વધુ એક સમાજવાદી પાર્ટીના નેતા પર દુષ્કર્મના આરોપ લાગ્યા છે. સપા નેતા વીરેન્દ્ર બહાદુર પાલ વિરુદ્ધ એક મહિલા વકીલે FIR નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે, અશ્લીલ વિડીયો અને ફોટા બનાવીને છેલ્લા એક વર્ષથી આરોપી તેને બ્લેકમેલ કરતો હતો અને તેના પર દુષ્કર્મ આચરતો હતો. પીડિત મહિલા આરોપી વીરેન્દ્ર પાલની પૂર્વ સહયોગી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આ મામલે પોલીસે FIR નોંધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પીડિત મહિલા ઉત્તર પ્રદેશના મઉની રહેવાસી છે અને વીરેન્દ્ર પાલની પૂર્વ સહયોગી પણ છે. તેણે પોલીસ સ્ટેશનમાં આ અંગેની FIR નોંધાવી હતી. વીરેન્દ્ર પાલના પિતા દયારામ પાલ પણ સમાજવાદી પાર્ટીના નેતા હતા. ઉપરાંત વીરેન્દ્ર પાલ સેન્ટ્રલ મઉ બાર એસોસિયેશનનો વે વખત અધ્યક્ષ પણ રહી ચૂક્યો હતો. એટલું જ નહીં, પરંતુ તે સમાજવાદી પાર્ટીનો પ્રદેશ સચિવ પણ રહી ચૂક્યો છે. જ્યારે પીડિતાએ હવે તેના પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે.
માહિતી અનુસાર, પીડિતાએ મઉના નગર કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, વીરેન્દ્ર પાલે તેના પીણાંમાં નશીલો પદાર્થ ભેળવી દીધો હતો અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેણે એવું પણ જણાવ્યું હતું કે, આરોપીએ આ ઘટનાના ફોટા અને વિડીયો પણ બનાવી લીધા અને વારંવાર બ્લેકમેલ પણ કરતો હતો. આરોપ છે કે, તે બ્લેકમેલ કરીને એક વર્ષ સુધી પીડિતા પર દુષ્કર્મ આચરતો રહ્યો હતો.
પીડિતા વકીલે જણાવ્યું હતું કે, આરોપી તેના ફોટા અને વિડીયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને છેલ્લા એક વર્ષથી તેનો રેપ કરી રહ્યો હતો. ઉપરાંત પીડિતાએ એ પણ જણાવ્યું કે, વીરેન્દ્ર પાલ તેને તેની મરજી વિરુદ્ધ લખનૌ પણ લઈને ગયો હતો. પીડિત વકીલની ફરિયાદના આધારે પોલીસે કલમ 115(2), 351(2), 352, 123 અને 64(2)(M) હેઠળ FIR નોંધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Mau, Uttar Pradesh: Samajwadi Party leader Virendra Bahadur Pal is accused of raping and blackmailed a female. He has been arrested by the UP Police.
— IANS (@ians_india) September 8, 2024
CO City Anjani Kumar Pandey says, "A complaint was filed by a victim at Kotwali police station against an individual named… pic.twitter.com/1630l2t1VR
આ ઘટનાને લઈને મઉના CO અંજની કુમાર પાંડેએ જણાવ્યું છે કે, “એક પીડિતાએ વીરેન્દ્ર બહાદુર પાલ વિરુદ્ધ કોતવાલી નગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને મારપીટના આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી. તેને લઈને 7 સપ્ટેમ્બરના રોજ કેસ નોંધી લેવામાં આવ્યો છે. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે, આરોપી વ્યવસાયે વકીલ છે.” પોલીસે એ પણ જણાવ્યું છે કે, ગુનો નોંધાયા બાદથી આરોપી ફરાર છે.
અયોધ્યા અને કન્નૌજમાં પણ સપા નેતાઓ પર લાગ્યા હતા બળાત્કારના આરોપો
નોંધનીય છે કે, આ પહેલાં અયોધ્યા અને કન્નૌજમાં સપાના બે નેતાઓ વિરુદ્ધ દુષ્કર્મના ગુના નોંધવામાં આવ્યા હતા. બંનેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. અયોધ્યામાં પૂરા કલંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર બાળકી પર દુષ્કર્મ બાદ મોઈદ ખાન અને તેના સહયોગી રાજુ ખાને પીડિતાનો અશ્લીલ વિડીયો બનાવ્યો હતો અને તે વિડીયો દ્વારા બ્લેકમેલ કરીને બંને વારાફરતી બાળકી પર દુષ્કર્મ આચરતા રહ્યા હતા. યોગી સરકારે મોઈદ ખાનની સંપત્તિઓ પર બુલડોઝર પણ ફેરવી દીધું છે.
આવો જ એક મામલો કન્નૌજથી પણ સામે આવ્યો હતો. અહીં સપા નેતા અને પૂર્વ બ્લોક પ્રમુખ નવાબ સિંઘ યાદવ પર એક સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે, તેને નોકરીના બહાને બોલાવીને સપા નેતાએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. FIR નોંધાયા બાદ પોલીસે નવાબ સિંઘની પણ ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ હવે સપાના વધુ એક નેતા વિરુદ્ધ દુષ્કર્મના આરોપ લાગ્યા છે.