સૂર્યના અભ્યાસ માટે યાત્રા નીકળેલા સ્પેસ ઓબ્ઝર્વેટરી આદિત્ય-L1 દ્વારા અવકાશમાંથી પૃથ્વી અને ચંદ્રની એક આકર્ષક તસ્વીર ખેંચીને પૃથ્વી પર મોકલવામાં આવી છે. ઈસરોએ આ તેને ગુરૂવારે (7 સપ્ટેમ્બર, 2023) શૅર કરી હતી.
ઈસરોએ X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં આદિત્ય-L1 સ્પેસ ઓબ્ઝર્વેટરીના કેમેરામાં કેદ થયેલી પૃથ્વી અને ચંદ્રની એક તસ્વીર જોવા મળે છે. જેમાં પૃથ્વીનો અડધો ભાગ (જ્યાં દિવસ હોય) દૃશ્યમાન થાય છે, જ્યારે તેની અંધારી બાજુએ ચંદ્રમા એક નાના બિંદુ સ્વરૂપે જોવા મળે છે. આ ઉપરાંત, અન્ય પણ એક તસ્વીર વીડિયોમાં જોવા મળે છે, જે આદિત્ય-L1ની બોડીની જ છે. જેમાં જુદાં-જુદાં સાધનો અને સ્પેસ સ્પષ્ટ જોવા મળે છે.
Aditya-L1 Mission:
— ISRO (@isro) September 7, 2023
👀Onlooker!
Aditya-L1,
destined for the Sun-Earth L1 point,
takes a selfie and
images of the Earth and the Moon.#AdityaL1 pic.twitter.com/54KxrfYSwy
પૃથ્વી અને ચંદ્રની આ તસ્વીર 4 સપ્ટેમ્બર, 2023ના રોજ લેવામાં આવી હતી, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
આ 41 સેકન્ડનો વિડિયો પોસ્ટ કરીને ઇસરોએ લખ્યું કે, સૂર્ય-પૃથ્વી વચ્ચેના L1 પોઈન્ટની યાત્રાએ નીકળેલા આદિત્ય-L1એ સેલ્ફી લીધી અને પૃથ્વી અને ચંદ્રમાની તસ્વીર ખેંચી હતી. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં એક કલાકથી ઓછા સમયમાં આ પોસ્ટને 2 લાખ 94 હાજર વ્યૂઝ મળી ચૂક્યા છે. 19 હજાર લાઇક્સ મળી, જ્યારે 3,700થી વધુ વખત રિ-પોસ્ટ કરવામાં આવી છે.
ભારતનો સર્વપ્રથમ સૂર્યમિશન છે અદિત્ય-L1
ઉલ્લેખનીય છે કે આદિત્ય-L1 ભારતનો સર્વપ્રથમ સૂર્યમિશન છે, જેનો ઉદ્દેશ્ય સૂર્યનો અભ્યાસ કરવાનો છે. 2 સપ્ટેમ્બર, 2023ના રોજ શ્રીહરિકોટાથી તેનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. આ સ્પેસ ઓબ્ઝર્વેટરી પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવેલા L1 પોઈન્ટ પર સ્થિત હેલો ઓર્બિટમાં રહીને સૂર્યનો અભ્યાસ કરશે. આ પોઈન્ટ એવું સ્થાન હોય છે જ્યાં પૃથ્વી અને સૂર્યનાં ગુરુત્વાકર્ષણ બળો આકર્ષણ-અપાકર્ષણ સર્જે છે, જેથી કોઇ પણ વસ્તુ ત્યાં રાખી શકાય છે.
આદિત્ય L1 એવી રીતે ગોઠવવામાં આવશે જેથી તે 365 દિવસ સૂર્યનો અભ્યાસ કરી શકશે. આ પોઈન્ટનું પૃથ્વીથી અંતર 15 લાખ કિલોમીટર છે, જે કાપતાં તેને ચાર મહિના જેટલો સમય લાગશે. જોકે, આમ તો સૂર્યથી આ અંતર માત્ર 1 ટકા જેટલું જ કહેવાય કારણ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું કુલ અંતર 15 કરોડ કિલોમીટર છે.
આદિત્ય- L1 સૂર્યની નજીક જઈને તેના કોરોના (બહારનું પડ) તાપમાન, અવકાશમાં તેનાથી થતી અસરો, પૃથ્વી પર તેની અસરો તેમજ અન્ય ગ્રહો પર તેની અસરોનો અભ્યાસ કરશે અને મહત્વપૂર્ણ ડેટા પૃથ્વી સુધી મોકલાવશે, જે ઈસરોને ભવિષ્યનાં સ્પેસ મિશનોમાં અત્યંત અગત્યનો પુરવાર થશે.