ભારતના પ્રથમ સૂર્યમિશન આદિત્ય-L1ને સફળતા મળી છે. શનિવારે (6 જાન્યુઆરી, 2024) ISROએ સફળતાપૂર્વક સ્પેસ ઓબ્ઝર્વેટરીને તેના સ્થાન પર (L1 પોઈન્ટ) સ્થાપિત કર્યો હતો. હવે તે ત્યાંથી નિયમિતપણે સૂર્યનો અભ્યાસ કરીને ભારતને માહિતી મોકલતો રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમાચાર આપીને ખુશી વ્યક્ત કરી છે. X પર તેમણે લખ્યું કે, ‘ભારતે વધુ એક ઉપલબ્ધિ મેળવી. દેશનો પ્રથમ સોલર ઓબ્ઝર્વેટરી આદિત્ય-L1 તેના સ્થાને પહોંચી ગયો છે. આપણા વૈજ્ઞાનિકો સૌથી જટિલ અવકાશી અભિયાનો પણ અથાક પરિશ્રમના જોરે કઈ રીતે સાકાર કરી શકે તેનું આ ઉદાહરણ છે. દેશવાસીઓ આ અસાધારણ ઉપલબ્ધિ બદલ શુભકામનાઓ પાઠવી રહ્યા છે ત્યારે હું પણ તેમની સાથે સામેલ થાઉં છું. આપણે માનવતાના ઉદ્ધાર માટે વિજ્ઞાનના ક્ષેત્રમાં નવાં સીમાચિહ્નો સર કરવાનું ચાલુ રાખીશું.’
India creates yet another landmark. India’s first solar observatory Aditya-L1 reaches it’s destination. It is a testament to the relentless dedication of our scientists in realising among the most complex and intricate space missions. I join the nation in applauding this…
— Narendra Modi (@narendramodi) January 6, 2024
ઉલ્લેખનીય છે કે ગત 2 સપ્ટેમ્બર, 2023ના રોજ ISROએ મિશન આદિત્ય L1 લૉન્ચ કર્યું હતું. આ સ્પેસ ઓબ્ઝર્વેટરીએ ચાર મહિનાની યાત્રા કરીને પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવેલા L1 પોઈન્ટ સુધી પહોંચવાનું હતું, જ્યાં હવે તે આખરે પહોંચી ગયો છે. આ એવો પોઈન્ટ છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનાં ગુરુત્વાકર્ષણ બળો વચ્ચે અપાકર્ષણ સર્જાય છે, જેથી કોઇ ચીજ મૂકવામાં આવે તો ત્યાં સ્થિર રહી શકે છે.
આદિત્ય-L1 સૂર્ય અને તેના હવામાનનો અભ્યાસ કરીને પૃથ્વી સુધી માહિતી મોકલતો રહેશે, જે ભવિષ્યનાં અવકાશી મિશનો માટે ISROને અત્યંત કારગત નીવડશે. આ મહત્વકાંક્ષી મિશન પર ISRO વૈજ્ઞાનિકો વર્ષોથી કામ કરી રહ્યા હતા. આખરે તે સફળ થયું છે.
સૂર્યયાન સાત પેલોડ સાથે વહન કરશે. આ પેલોડ ફોટોસ્ફેયર (પ્રકાશમંડલ), ક્રોમોસ્ફેયર (સૂર્યની દ્રશ્યમાન સપાટીની ઉપરની સપાટી) અને સૂર્યના સૌથી બહારના સ્તર (કોરોના)નો અભ્યાસ કરશે. સૂર્યમાં થતી વિસ્ફોટક પ્રક્રિયાઓ પૃથ્વીની નજીકના સ્પેસ એરિયામાં સમસ્યા ઊભી કરી શકે છે. ઘણા ઉપગ્રહોને નુકસાન થઈ શકે છે. જો આવી પ્રક્રિયાઓની જાણ અગાઉથી થઈ જાય તો નિવારક પગલાં લઈ શકાય છે. તમામ સ્પેસ મિશન ચલાવવા માટે સ્પેસના હવામાનને સમજવું જરૂરી છે. આ મિશન આ હવામાન સમજવામાં પણ મદદ કરી શકે છે. આ મિશન દ્વારા સૌર હવાઓનો અભ્યાસ પણ કરવામાં આવશે.