ઉદ્યોગ સમૂહ અદાણી જૂથે (Adani Group) તાજેતરમાં સ્પષ્ટતા સાથે જણાવ્યું છે કે, અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અનુસાર ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી અને સિનિયર એક્ઝિક્યુટિવ વિનીત જૈન ઉપર સીધી કે વ્યક્તિગત રીતે લાંચ-રૂશ્વતના કોઈ આરોપ લાગ્યા નથી અને આ બાબતે મીડિયા સંસ્થાઓ દ્વારા જે અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા એ ખોટા અને ભૂલભરેલા છે અને તેના કારણે કંપનીને મોટું નુકસાન થયું છે.
એક નિવેદનમાં અદાણીએ આ બાબતે વિસ્તૃત સ્પષ્ટતા કરી છે. જેમાં જણાવાયું કે, “અમુક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમારા ડાયરેકટરો ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન સામે US ફોરેન કરપ્ટ પ્રેક્ટિસિસ એક્ટ (FCPA)ના ઉલ્લંઘનનો આરોપ છે. આ નિવેદનો ખોટાં છે.” આગળ નિવેદન જણાવે છે કે, “અમેરિકન ન્યાય વિભાગ કે US SECની સિવિલ ફરિયાદમાં જે આરોપો છે તેમાં FCPAના ઉલ્લંઘનનો આરોપ ગૌતમ અદાણી, સાગર અદાણી કે વિનીત જૈન પર લગાવવામાં આવ્યો નથી.
અદાણી ગ્રીન એનર્જીએ સ્ટોક એક્સચેન્જ સમક્ષ દાખલ કરેલ ફાઈલિંગમાં જણાવ્યું કે, અમેરિકન ન્યાય વિભાગના આરોપપત્રમાં પાંચ આરોપ છે, અને તેમાં ‘FCPAના ઉલ્લંઘનનું કાવતરું’ નામના પહેલા આરોપમાં પણ ગૌતમ અદાણી, સાગર અદાણી કે વિનીત જૈનનો ઉલ્લેખ નથી કે પાંચમા ક્રમમાં ‘ન્યાયમાં વિક્ષેપ સર્જવા માટેનું કાવતરું’માં પણ આ ત્રણેયનાં નામો નથી.
પહેલા ક્રમના આરોપમાં, જેમાં ભ્રષ્ટાચાર અને લાંચના આરોપ છે, તેમાં રણજીત ગુપ્તા, સિરિલ કેબેન્સ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલનાં જ નામો છે. જેઓ એઝ્યોર અને CDPQના અધિકારીઓ છે. CDPQ એક કેનેડિયન રોકાણકાર સમૂહ છે અને એઝ્યોર એક અમેરિકન કંપની છે. બંને અદાણી સાથે મળીને કામ કરે છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, અદાણીના અધિકારીઓ પર માત્ર આરોપ-2 (કથિત સિક્યુરિટી ફ્રોડ કોન્સ્પિરસી) અને કાઉન્ટ 3 (કથિત વાયર ફ્રોડ કોન્સ્પિરસી)માં જ આરોપ લગાવવામાં આવ્યો છે. વધુમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અમેરિકન ન્યાય વિભાગના આરોપપત્રમાં ક્યાંય પણ એ બાબતના પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી, જેનાથી સાબિત કરી શકાય કે અદાણી અધિકારીઓએ ભારત સરકારના અધિકારીઓને લાંચ આપી હોય. આરોપો અને ફરિયાદ માત્ર ‘લાંચ માટે વાયદો કરવામાં આવ્યો હતો, કે તેવી ચર્ચા થઈ હતી’ તેવા દાવા ઉપર આધારિત છે.
‘મીડિયાએ પૂરતી સમજણના અભાવે ચલાવ્યું’
ઉદ્યોગ સમૂહે જણાવ્યું કે, વિદેશી અને ભારતનાં પણ અમુક સમાચાર માધ્યમોએ અમેરિકન ન્યાય વિભાગના આરોપો વિશે પૂરતી સમજણના અભાવે અદાણીના ડાયરેક્ટરો પર તમામ પાંચ આરોપ મૂકવામાં આવ્યા હોવાના અવિચારી અને ખોટા અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા. આ તમામ બાબતો એઝ્યોર પાવર અને CDPQના પૂર્વ કર્મચારીઓએ વ્યક્ત કરેલી સંભાવનાઓ અને માત્ર સાંભળેલી વાતો પર આધારિત છે.
અદાણીએ એમ પણ કહ્યું કે, અમેરિકન વિભાગની આ કોઈ પણ આધાર-પુરાવા વગરની કાર્યવાહી અને ત્યારબાદ મીડિયામાં બેદરકારીભર્યા રિપોર્ટિંગના કારણે સમૂહના આંતરરાષ્ટ્રીય કરારો રદ થયા છે, નાણાકીય બજાર પર વિપરીત અસર થઈ છે અને રણનીતિક ભાગીદારો, રોકાણકારો અને જનતામાં પણ શંકા-કુશંકા પેદા થઈ છે.
ઉદ્યોગજૂથે કહ્યું કે, અદાણી ભારત સહિત અનેક દેશોમાં સક્રિય છે અને યુએસના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે મૂકેલા આ આરોપો અને તેના અવળા રિપોર્ટિંગના કારણે અદાણી સમૂહની કુલ 11 લિસ્ટેડ કંપનીઓની મૂડીમાં લગભગ 55 બિલિયન ડોલરનું નુકસાન ગયું છે.