JNUની પૂર્વ વિદ્યાર્થીની અને “ભારત તેરે ટુકડે હોંગે” જેવા દેશ વિરોધી નારા લગાવનાર કન્હૈયા કુમારની સાગરીત શેહલા રાશીદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે સક્સેનાએ મંજુરી આપી દીધી છે. આ એ જ શેહલા રાશીદ છે જેના પર ભારતીય સેના વિરુદ્ધ આપત્તિજનક ટીપ્પણી કરીને ખોટા આક્ષેપો લગાવવાનો આરોપ છે.
વર્ષ 2019માં જ્યારે જમ્મુ-કાશ્મીર માંથી કલમ 370 હટાવવામાં આવી ત્યારે શેહલા રાશીદ દ્વારા ભારતીય સેના વિરુદ્ધમાં 2 ટ્વીટ કરવામાં આવ્યાં હતા, જેને લઈને સપ્ટેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવ દ્વારા શેહલા રાશીદ વિરુદ્ધ કાર્યવાહી કરવા FIR કરાવડાવી હતી. જેને લઈને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને પત્ર લખીને કેસ ચલાવવા મંજુરી પ્રસ્તાવ માંગ્યો હતો. અને હવે તેમના દ્વારા આ પ્રસ્તાવને મંજુરી મળી જતા હવે શેહલા રાશીદ વિરુદ્ધ કાર્યવાહી થવાના માર્ગ મોકળા થઈ ગયા છે.
અહેવાલો અનુસાર દિલ્હીના ઉપરાજ્યપાલના કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એલજી વીકે સક્સેના દ્વારા ભારતીય સેના વિશે વાંધાજનક ટ્વીટ પોસ્ટ કરવા બદલ કાર્યવાહી માટે મંજૂરી આપવામાં આવી છે. આ ટ્વિટ્સ વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ અને સંવાદિતાને ખલેલ પહોંચાડવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, 18 ઓગસ્ટ 2019ના રોજ શેહલાએ ટ્વિટ કરીને સેના પર અત્યાચારનો આરોપ લગાવ્યો હતો. તેણે પહેલું ટ્વીટ કર્યું હતું કે, “સશસ્ત્ર દળો રાત્રે ઘરમાં ઘૂસી જાય છે અને અમારા છોકરાઓને ઉપાડી જાય છે. ભારતીય સેના જાણી જોઈને રાશન જમીન પરફેંકી દે છે, ચોખામાં તેલ ભેળવીદે છે”
શેહલાએ તેના આગામી ટ્વીટમાં પણ ભારતીય સેના પર આવા જ આરોપ લગાવ્યા હતા. શેહલાએ ટ્વીટમાં લખ્યું હતું કે, “4 લોકોને શોપિયાંમાં આર્મી કેમ્પમાં બોલાવવામાં આવ્યા અને પૂછપરછના નામે ટોર્ચર કરવામાં આવ્યા. તેમના મોઢાની નજીક એક માઈક મૂકવામાં આવ્યું હતું જેથી સમગ્ર વિસ્તારના લોકો તેમની ચીસો સાંભળી શકે અને તેમનામાં ડર ફેલાય. આના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.
જોકે તે જ દિવસે ભારતીય સેનાએ શેહલા રશીદના આરોપોને ફગાવી દેતા કહ્યું કે આ આરોપો પાયાવિહોણા છે. સેનાએ કહ્યું હતું કે આવા ફેક ન્યૂઝ અને અપ્રમાણિત માહિતી દુશ્મનીની ભાવના સાથે ફેલાવવામાં આવે છે.
આ ટ્વિટ પર ટિપ્પણી કરતા ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે સેના પર ખોટા આરોપો લગાવવા એ ગંભીર મુદ્દો છે. જો કે દરેક ટ્વીટ પર ફોજદારી કાયદા હેઠળ કાર્યવાહી ન થઈ શકે. પરંતુ આવી ટ્વીટના કિસ્સામાં શેહલા સામે કાર્યવાહી કરવાની જરૂર છે. તેમની સામે IPCની કલમ 153A હેઠળ કાર્યવાહી કરવા માટે કેસ કરવામાં આવ્યો છે.
ટુકડે ટુકડે ગેંગની સભ્ય રહી ચુકી છે શેહલા રશીદ
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2016 માં જ્યારે JNUમાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્ર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, ત્યારે શેહલા રશીદ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની ઉપાધ્યક્ષ હતી. અને કન્હૈયા કુમાર પ્રમુખ. દેશવિરોધી નારા લગાવ્યા બાદ કન્હૈયાને જેલમાં જવું પડ્યું, પણ શેહલા બચી ગઈ. આ દરમિયાન તેણીએ કન્હૈયા કુમાર અને યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓ સામેના આરોપો સામે તેમનો બચાવ કર્યો હતો. તેણે અનેક મંચો પર કન્હૈયા કુમાર પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા. આ સાથે જ “ભારત તેરે ટુકડે હોંગે” અને અન્ય દેશવિરોધી નારાઓનો વિરોધ કરનાર વિદ્યાર્થીઓ પર જ આરોપો લગાવી તેમના વિરુદ્ધ વાતાવરણ ઉભું કર્યું હતું.