કર્ણાટકમાં ભાજપના યુવા નેતા પ્રવીણ નેત્તારૂની હત્યા મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ રિયાઝ નામના એક આરોપીની ધરપકડ કરી છે. હત્યા બાદ તે વિદેશ ભાગી ગયો હતો. પરત ફર્યા બાદ NIAએ તેની ધરપકડ કરી છે. જ્યારે તે પકડાયો ત્યારે તે દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. રિયાઝની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા પણ 19 થઈ ગઈ છે. હજુ પણ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે.
NIAએ મંગળવારે (4 જૂન, 2024) મુંબઈ એરપોર્ટ પરથી યુસુફ હરલ્લી ઉર્ફે રિયાઝની ધરપકડ કરી હતી. આ દરમિયાન તે દેશની બહાર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. રિયાઝ PFIનો કાર્યકર્તા હતો અને તેણે પ્રવીણ નેટ્ટારૂની હત્યા માટેની યોજના ઘડનાર વ્યક્તિને આશ્રય આપ્યો હતો અને તેને હથિયારો એકત્ર કરવામાં પણ મદદ કરી હતી.
NIA Arrests Another Absconder in Praveen Nettaru Murder Case pic.twitter.com/NEb775OO7e
— NIA India (@NIA_India) June 4, 2024
રિયાઝની ધરપકડ સાથે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા વધીને 19 થઈ ગઈ છે, આ કેસમાં NIAએ ચાર્જશીટમાં 21 લોકોને આરોપી બનાવ્યા છે. રિયાઝ તેના હેન્ડલર અબ્દુલ રહેમાનના કહેવા પર ભારત પરત ફર્યો હતો. આ કેસમાં અબ્દુલ રહેમાન હજુ પણ ફરાર છે.
રિયાઝની ધરપકડના એક મહિના પહેલાં જ NIAએ આ કેસમાં મુસ્તફા પાયચાર અને મન્સૂર પાશાની ધરપકડ કરી હતી. પાયચાર આ કેસમાં મુખ્ય કાવતરાખોર હતો. તેણે આ સમગ્ર મામલા માટે હુમલાખોરોની ટીમ એકઠી કરી હતી, હુમલા બાદ તે પણ તેના સાગરિતો સાથે દેશની બહાર ભાગી ગયો હતો. આ તમામ ધરપકડ કરાયેલા લોકો પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન PFIના સભ્યો હતા.
નોંધનીય છે કે, 26 જુલાઈ, 2022ના રોજ બેલ્લારેમાં આ ઘટના બની હતી. પ્રવીણ પોતાની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને કુહાડી વડે તેમને કાપી નાખવામાં આવ્યા હતા. બાદમાં આ કેસની તપાસ રાજ્ય પોલીસ પાસેથી NIAને સોંપવામાં આવી હતી. NIAએ આ કેસમાં અત્યાર સુધીમાં 19 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસની તપાસ બાદ જાણવા મળ્યું કે PFIએ પ્રવીણ નેત્તારૂની હત્યા માટે લાંબી યોજના બનાવી હતી અને અન્ય પણ ઘણા લોકો તેમના નિશાના પર હતા.