અમદાવાદના બોપલ બ્રિજ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બે કાર વચ્ચે અકસ્માત થયો થયો હતો, જેમાં 3 લોકોના મોત થયા છે અને એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે સોલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર થાર ગાડી સાથે અથડાઈ હોવાથી અકસ્માત સર્જાયો છે. તે સાથે જ એક ટ્રક ચાલકે બેલેન્સ ગુમાવતાં તેનો પણ એક્સિડેન્ટ થયો છે. બુટલેગરની દારૂ ભરેલી ગાડીમાં બેઠેલા એક વ્યક્તિ અને સામેવાળી ગાડીમાં બેસેલા બે વ્યક્તિઓના મોત થયાના સમાચાર છે. ટ્રાફિક પોલીસે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ આદરી દીધી છે.
ઘટનાની વિગતો અનુસાર, અમદાવાદના બોપલ બ્રિજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદના વકીલ સાહેબ બ્રિજથી રાજપથ ક્લબ તરફ વળતાં રોડ પાસે 1 જુલાઇના રોજ વહેલી સવારે 5 કલાકે બુટલેગરની કારના કારણે ત્રણ લોકોના જીવ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. બુટલેગરની ફોર્ચ્યુનર કારમાં દારૂનો જથ્થો હતો, જે વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી. ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુ એક થાર કારે યુ-ટર્ન મારતા તે જોરથી ટકરાઇ હતી અને થાર અકસ્માતના સ્થળથી 150 ફૂટ દૂર ફેંકાઇ ગઈ હતી. જેથી થારમાં બેઠેલા 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
જ્યારે ફોર્ચ્યુનર કાર ઢસડાઈને 300 મીટર દૂર સુધી ફેંકાઇ હતી, જેમાં દારૂ ભર્યો હતો. તેમાં બેઠેલા એક વ્યક્તિનું પણ મોત થયું છે. આ અકસ્માતના સમયે જ હાઇવે પરથી પસાર થઈ રહેલા એક ટ્રક ચાલકે બેલેન્સ ગુમાવતાં ટ્રક ખાડામાં ઉતરી ગયો હતો. હાલ ટ્રાફિક પોલીસ અને બોપલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. મૃતકોના નામ અજીત કાઠી (વિરમગામ), મનીષ ભટ્ટ (વિરમગામ) અને ઓમપ્રકાશ (ફોર્ચ્યુનરનો માલિક) હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતના પગલે સ્થાનિક બોપલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન ફોર્ચ્યુનર કારમાંથી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, ફોર્ચ્યુનરમાં દારૂની ખેપ ચાલી રહી હોવાની માહિતી મળી છે. બેફામ બનેલા બુટલેગરે પુરજોશમાં થાર ગાડીને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ મૃતદેહોને PM અર્થે મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.