એક સમયે જેના આંતકથી લોકો ડરતા હતા તેવા કથિત ડોન મુખ્તાર અન્સારી, જે હાલ જેલમાં ડરી ડરીને જીવી રહ્યો છે. તેનો જ પુત્ર અબ્બાસ અન્સારી પણ જેલમાં છે. પરંતુ હાલમાં અબ્બાસ અન્સારી અને તેની પત્ની પર જેલમાં મળીને લોકોને ધમકીઓ આપવાનો નવો આરોપ લાગ્યો છે.
મળતી માહિતી મુજબ, મુક્તાર અન્સારીનો છોકરો અબ્બાસ અન્સારી હાલમાં કેટલાક મામલોમાં જેલની હવા ખાઈ રહ્યો છે. આવા સમયે તેની પત્ની નિખત બાનો તેને મળવા જેલમાં રોજ આવતી હતી અને કલાકો સુધી તેની સાથે સમય વિતાવતી હતી. આ વાતનો ખુલાસો થતા ઉત્તરપ્રદેશ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. યાદ રહે કે અબ્બાસ અન્સારી પર 11થી વધુ ગંભીર મામલો ચાલે છે.
વધુમાં માહિતી મળી છે કે, અબ્બાસ અન્સારીને મળવા આવતી વખતે તેની પત્ની તેની સાથે મોબાઈલ પણ લઈને આવતી હતી. જે મોબાઈલનો ઉપયોગ કરીને અબ્બાસ લોકોને ધમકીઓ આપતો હતો અને તેના ગુર્ગાઓ સાથે વાત કરી હત્યાઓનું આયોજન પણ કરતો હતો. આ ઉપરાંત તે તેની પત્નીને પણ તેનું નામ લઈને ધમકી આપવા માટે કહેતો હતો. તેમજ તેના પર ચાલતા કેસોમાં જે લોકો સાક્ષી હતા તેને પણ ધમકાવતો હતો અને તેની હત્યાનું આયોજન પણ કરતો હતો.
આ મામલામાં સૌથી ચોકાવનારી વાત એ છે કે, આખી ઘટનામાં જેલ પ્રશાસન પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે. અબ્બાસની પત્ની આ પોલીસ અધિકારીઓને લાલચ આપીને આખું ષડ્યંત્ર ચલાવતી હતી. ઉત્તરપ્રદેશ પોલીસ વિભાગે તત્કાલ પગલા લેતા સામેલ તમામ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે અને તેમના વિરોધમાં કેસ નોધ્યો છે.
બાતમીદારની સૂચના પર, ચિત્રકૂટના ડીએમ અને એસપી ગુપ્ત રીતે જેલમાં દરોડા પાડવા ગયા હતા, જ્યાં દરોડા દરમિયાન ધારાસભ્ય અબ્બાસ અંસારી તેમની બેરેકમાં જોવા મળ્યા ન હતા અને તેમની પત્ની નિખત સાથે જેલ સુપ્રિટેન્ડેન્ટની બાજુના રૂમમાં હતા. પોલીસે પત્ની નિખાત પાસેથી બે મોબાઈલ ફોન, ઘરેણાં, 21 હજાર રૂપિયા અને પર્સમાંથી 12 રિયાલ મળી આવ્યા હતા. નિખાતે તેના મોબાઈલ ફોનનો તમામ ડેટા ડીલીટ કરી નાખ્યો હતો અને ખોટો પાસવર્ડ નાંખીને ફોન લોક કરી દીધો હતો. નિખતના બંને મોબાઈલ ફોન હાલમાં જપ્ત કરવામાં આવ્યા છે. આ મામલામાં સબ-ઇન્સ્પેક્ટર શ્યામ દેવ સિંહએ નોધેલ વાત અનુસાર ધારાસભ્ય અબ્બાસ અન્સારી, પત્ની નીખત બાનો, તેમના ડ્રાઇવર નિયાઝ, જેલ અધિક્ષક અશોક કુમાર સાગર, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ સુશીલ કુમાર અને કોન્સ્ટેબલ જગમોહન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. નિખત બાનોને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલમાં મોકલવામાં આવશે.