Friday, September 20, 2024
More
    હોમપેજદેશકેજરીવાલની જેલમુક્તિ બાદ સમર્થકોએ એ ફટાકડા ફોડ્યા, જેની ઉપરનો પ્રતિબંધ માત્ર 3...

    કેજરીવાલની જેલમુક્તિ બાદ સમર્થકોએ એ ફટાકડા ફોડ્યા, જેની ઉપરનો પ્રતિબંધ માત્ર 3 દિવસ પહેલાં લંબાવી ચૂકી છે AAP સરકાર: લોકોએ પૂછ્યું- બૅન શું માત્ર હિંદુ તહેવાર માટે?

    મહત્વની બાબત તો એ છે કે દિલ્હી સરકારે ફટાકડા પર પ્રતિબંધ લાદ્યો એને હજી તો 5 દિવસ પણ થયા નથી ને સરકારમાં રહેલી પાર્ટીના સમર્થકો જ આ નિયમનો ભંગ કરતા જોવા મળ્યા હતા.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા બાદ શુક્રવારે (13 સપ્ટેમ્બર) સાંજે તેઓ તિહાડ જેલની બહાર આવ્યા હતા. અહીં તેમના સ્વાગત માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોની ભીડ એકઠી થઈ ગઈ. જેમણે ઉજવણી કરી, ફટાકડા ફોડીને. તે સિવાય પણ દિલ્હીમાં અમુક ઠેકાણે અને કેજરીવાલના નિવાસસ્થાનની બહાર જ AAPના સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી. જોકે ઉજવણીના ઉન્માદમાં તેઓ એ ભૂલી ગયા કે હમણાં 4 દિવસ પહેલાં જ દિલ્હી સરકારે ફટાકડા પર પ્રતિબંધ 1 જાન્યુઆરી સુધી લંબાવ્યો હતો. હવે જનતા તેમને એ પ્રતિબંધ યાદ અપાવી રહી છે. નેટીઝન્સ એવા પણ પ્રશ્નો કરી રહ્યા છે કે બધા પ્રતિબંધો માત્ર દિવાળી માટે જ હોય છે કે શું?

    દિલ્હી સરકારે તહેવારોના સમયગાળા દરમિયાન રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને રોકવાનું કારણ ધરીને ફટાકડાના ઓનલાઈન વેચાણ સહિત તમામ પ્રકારના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ લંબાવી દીધો હતો. નોંધનીય છે કે ઘણાં વર્ષોથી દિલ્હીની કેજરીવાલ સરકાર દિવાળી અને અન્ય તહેવારો ટાણે પ્રદૂષણનું કારણ આપીને ફટાકડા પર પ્રતિબંધ લગાવતી આવી છે. જોકે, તેમ છતાં હવામાં કોઇ ફેર પડતો નથી અને કેજરીવાલ સરકાર દર વર્ષે પોતાની જૂની આદત અનુસાર દોષ પાડોશી રાજ્યો પર કે કેન્દ્ર સરકાર પર નાખીને દિવસો કાઢી નાખે છે.

    આ સિવાય મહત્વની બાબત તો એ છે કે દિલ્હી સરકારે ફટાકડા પર પ્રતિબંધ લાદ્યો એને હજી તો 5 દિવસ પણ થયા નથી ને સરકારમાં રહેલી પાર્ટીના સમર્થકો જ આ નિયમનો ભંગ કરતા જોવા મળ્યા હતા. શુક્રવારે સુપ્રીમ કોર્ટે AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલના એક્સાઈઝ પોલિસી ગેરરીતિઓ આચરવાના કેસમાં શરતી જામીન મંજૂર કર્યા હતા. ત્યારબાદ તેઓ તિહાડ જેલની બહાર આવ્યા, જે તેમનું છેલ્લા ઘણા મહિનાથી ઠેકાણું રહ્યું હતું.

    - Advertisement -

    ANIએ પોસ્ટ કરેલા એક વિડીયોમાં AAPના સમર્થકો અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા માટે મોટા-મોટા બૉમ્બ ફોડતા જોવા મળ્યા હતા. વિડીયોમાં જોઈ અને સાંભળી પણ શકાય છે કે એકસાથે ઘણા બધા ફટાકડાઓ ફોડવામાં આવી રહ્યા છે. અલગ-અલગ પ્રકારના ભારે અવાજ અને ધુમાડો કરતા ફટાકડાઓના બોક્સ જોવા મળી રહ્યાં છે. તથા આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા હોય તે પણ નજરે પડે છે.

    આ મામલે સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે શું આવા પ્રતિબંધો માત્ર દિવાળી પૂરતા જ હોય છે, આમ આદમી પાર્ટીના સમર્થકોને લાગુ પડતા નથી? સાકેત સૂર્યેશે પોસ્ટ કરતા લખ્યું હતું કે, શું અરવિંદ કેજરીવાલ સરકારે થોડા દિવસો પહેલાં ફટાકડા પર પ્રતિબંધ નહતો લગાવ્યો?  કે પ્રતિબંધ માત્ર દિવાળી માટે છે?

    અન્ય એક વ્યક્તિએ કટાક્ષ કર્યો અને લખ્યું કે, આ પ્રકારના પ્રદૂષણમુક્ત ફટાકડા ક્યાં મળશે?

    અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, આ ફટાકડાથી હવે પ્રદૂષણ નથી થતું? કે આ પર્યાવરણને લાભકારી છે?

    ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 13 સપ્ટેમ્બરે અરવિંદ કેજરીવાલને શરતી જામીન આપ્યા હતા. જામીન માટે સુપ્રીમ કોર્ટે કેજરીવાલનો પાસપોર્ટ જપ્ત કરીને વિદેશ પ્રવાસ પર મનાઈ ફરમાવી હતી. આ સિવાય CMO-દિલ્હી સચિવાલયમાં જવા પર તથા કોઈ પણ સરકારી ફાઈલ પર હસ્તક્ષાર કરવાની પણ ના પાડી હતી. ઉપરાંત કોઈ પણ સાક્ષીને પણ ન મળવાની શરત પણ મૂકી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં