આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંઘની ધરપકડ કરવામાં આવી છે. બુધવારે (4 ઓક્ટોબર, 2023) ઇડીએ તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. દિવસભરની કાર્યવાહી બાદ આખરે તેમણે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
AAP MP Sanjay Singh arrested following the ED raid at his residence in connection with the Delhi excise policy case. pic.twitter.com/tvOxDaOg5b
— ANI (@ANI) October 4, 2023
આ કાર્યવાહી દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડ્રિંગ કેસને લઈને કરવામાં આવી છે. આ જ કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી, હવે સાંસદ સંજય સિંઘનું નામ ઉમેરાયું છે.
બુધવારે વહેલી સવારે એજન્સીની ટીમ સંજય સિંઘના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઉપરાંત, સંજય સિંઘને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી. 10 કલાકની પૂછપરછ બાદ આખરે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
સંજય સિંઘને હવે દિલ્હી સ્થિત ઇડી હેડક્વાર્ટર લઇ જ્વામા આવશે, જ્યાં આખી રાત લૉકઅપમાં વિતાવવી પડશે. ત્યારબાદ સવારે મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરીને તેમની કસ્ટડી માંગવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ દિલ્હીની એક કોર્ટે એક્સાઈઝ પોલિસી કૌભાંડના મની લોન્ડ્રિંગ કેસમાં YSR સાંસદ શ્રીનિવાસુલુ રેડ્ડીના પુત્ર રાઘવ મુંગટા અને કારોબારી દિનેશ અરોડાને સરકારી ગવાહ બનવાની અનુમતિ આપી હતી. દિનેશ અરોડા રેસ્ટોરન્ટ ચલાવે છે, જેના વિશે ઇડીનું કહેવું છે કે તે સિસોદિયા અને સંજય સિંઘ બંનેની નજીકનો માણસ છે.
હિંદુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, તપાસ કરતી એજન્સી ઈડીએ જણાવ્યું કે, આપ સાંસદે એક્સાઈઝ પોલિસી ઘડવામાં અને તેના અમલીકરણમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. આ વર્ષે મે મહિનામાં ઇડીએ મનિષ સિસોદિયા વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે, એક રેસ્ટોરન્ટનો માલિક દિનેશ અરોડા સંજય સિંઘ અને સિસોદિયા બંનેની નજીક હતો.
એજન્સીએ જુલાઇ મહિનામાં અરોડાની ધરપકડ કરી લીધી હતી. દિનેશ અરોડાને આ કેસનો અગત્યનો ચહેરો માનવામાં આવે છે. ઇડીએ ચાર્જશીટમાં આરોપ લગાવ્યો હતો કે અરોડાએ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલની તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી, જેમાં સંજય સિંઘ પણ હાજર હતા. અરોડાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તે સૌથી પહેલાં એક કાર્યક્રમમાં સંજય સિંઘને મળ્યો હતો, ત્યારબાદ સિસોદિયાના સંપર્કમાં આવ્યો.
ચાર્જશીટ અનુસાર, સંજય સિંઘના આદેશ પર દિનેશ અરોડાએ દિલ્હીમાં આગામી ચૂંટણીને લઈને પાર્ટી માટે ફંડ એકઠું કરવા માટે રેસ્ટોરન્ટ માલિકો સાથે વાત કરી હતી અને તેણે 32 લાખ રૂપિયાનો ચેક પણ સિસોદિયાને સોંપ્યો હતો.