Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકૌભાંડમાં નામ ન લેવા બદલ કરોડ રૂપિયાનો તોડ કરવા મામલે AAP નેતા...

    કૌભાંડમાં નામ ન લેવા બદલ કરોડ રૂપિયાનો તોડ કરવા મામલે AAP નેતા યુવરાજસિંહ જાડેજા સામે ગુનો દાખલ, ધરપકડ કરાશે: પોલીસે કહ્યું- પૂછપરછમાં ગોળગોળ જવાબો આપ્યા

    થોડા દિવસ પહેલાં યુવરાજસિંહ જાડેજાના નજીકના વ્યક્તિ બિપિન ત્રિવેદીએ મીડિયાના કેમેરા સામે ઘટસ્ફોટ કર્યો હતો કે AAP નેતાએ ડમીકાંડમાં નામોનો ખુલાસો ન કરવા માટે લાખો રૂપિયા માંગ્યા હતા.

    - Advertisement -

    કૌભાંડમાં નામ ન લેવા બદલ કરોડ રૂપિયા લેવાના આરોપો લાગ્યા બાદ વિવાદોમાં ઘેરાયેલા આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ભાવનગર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હવે તેમની ધરપકડ કરવામાં આવશે. આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવી શકે છે.

    ભાવનગર પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ બાબતની જાણકારી આપી હતી. જે અનુસાર, પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવે નામના વ્યક્તિઓ પાસેથી 1 કરોડનો તોડ કરવા બદલ યુવરાજસિંહ જાડેજા અને અન્યો સામે IPCની કલમ 386, 388 અને 120(B) હેઠળ નિલમબાગ પોલીસ મથકે કેસ દાખલ કરવામાં આવ્યો છે. યુવરાજસિંહ જાડેજા સિવાય તેમના બે સાળા શિવુભા, કાનભા તેમજ આરોપ લગાવનાર બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાંઘવા સહિતના શખ્સો સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    પોલીસે જણાવ્યું હતું કે, તેમની ઉપર લાગેલા આરોપો અંગે યુવરાજસિંહ જાડેજાને પૂછપરછ કરવામાં આવતાં તેમણે સંતોષકારક જવાબ ન આપી ગોળગોળ જવાબો આપ્યા હતા. પૂછપરછ દરમિયાન તેમણે કેટલાંક નામો પણ આપ્યાં હોવાનું પોલીસે જણાવ્યું છે, જેની ઉપર ખરાઈ કર્યા બાદ તપાસ કરવામાં આવશે. યુવરાજસિંહે પૂછપરછ પહેલાં જીતુ વાઘાણી અને આસિત વોરા સામે આરોપ લગાવ્યા હતા પરંતુ પોલીસે જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન તેમણે આ પ્રકારે કોઈ પણ વાત કહી ન હતી.

    - Advertisement -

    પોલીસના જણાવ્યા અનુસાર, યુવરાજસિંહ જાડેજાએ પહેલાં પ્રકાશ દવે સાથે એક બેઠક કરીને ડમીકાંડનો ખુલાસો કરતી પ્રેસ કોન્ફરન્સમાં નામ ન લેવા માટે 45 લાખ રૂપિયાની ડીલ કરી હતી. ત્યારબાદ 30 માર્ચે પ્રદીપ બારૈયા નામના એક યુવક સાથે પણ બેઠક કરી હતી, જેમાં યુવરાજે પ્રદીપને ડાયરી બતાવીને પોતે આ નામોનો ખુલાસો પ્રેસ કોન્ફરન્સમાં કરશે તેમ જણાવતાં તેમાં પોતાનું પણ નામ પણ હોતાં પ્રદીપે તેને ‘રસ્તો કાઢવા’ માટે કહ્યું હતું. ત્યારબાદ યુવરાજે તેની સમક્ષ 60 લાખની માંગણી કરી હતી. વાતચીતને અંતે 55 લાખમાં ડીલ ફાઇનલ થઇ હતી. પછીથી યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સમાં આ બંનેનાં નામો લીધાં ન હતાં.

    યુવરાજના નજીકના સાથીએ ઘટસ્ફોટ કર્યો હતો

    થોડા દિવસ પહેલાં યુવરાજસિંહ જાડેજાના નજીકના વ્યક્તિ બિપિન ત્રિવેદીએ મીડિયાના કેમેરા સામે ઘટસ્ફોટ કર્યો હતો કે AAP નેતાએ ડમીકાંડમાં નામોનો ખુલાસો ન કરવા માટે લાખો રૂપિયા માંગ્યા હતા. આ માટે તેમની યુવરાજસિંહ સાથે બેઠક પણ થઇ હોવાનું જણાવ્યું હતું. 

    તાજેતરમાં યુવરાજસિંહ જાડેજાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવારોને બેસાડવામાં આવતા હોવાનો ખુલાસો કર્યો હતો. જેને લઈને તાજેતરમાં ભાવનગરમાં એક પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. આરોપ છે કે આ કૌભાંડમાં નામ ન લેવા માટે યુવરાજે પૈસા લીધા હતા. 

    આ આરોપો બાદ ભાવનગર પોલીસે બિપિન ત્રિવેદીની અટકાયત કરી લીધી હતી અને ત્યારબાદ યુવરાજસિંહ જાડેજાને પણ સમન્સ પાઠવીને આ આરોપોને લઈને જવાબો આપવા માટે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. 

    જોકે, પોલીસનું સમન્સ મળ્યાના બીજા જ દિવસે અચાનક યુવરાજસિંહની ‘તબિયત લથડી ગઈ’ હતી. જેના કારણે તેમણે પોલીસ સમક્ષ હાજર રહેવા માટે વધુ સમય માંગ્યો હતો. બીજી તરફ, સમન્સમાં જણાવવામાં આવેલી તારીખે યુવરાજસિંહ હાજર ન રહેતાં પોલીસે નવું સમન્સ કાઢીને 21 એપ્રિલે હાજર રહેવા ફરમાન કર્યું હતું. ત્યારબાદ આજે તેઓ હાજર રહ્યા હતા. 

    શું લાગ્યા છે આરોપ?

    ત્રિવેદીએ આરોપ લગાવ્યા હતા કે, પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવે નામના વ્યક્તિઓ પાસેથી કૌભાંડમાં નામ ન લેવા માટે અનુક્રમે 55 લાખ અને 45 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. સ્ટિંગ ઓપરેશનમાં બિપિન જણાવે છે કે ઘનશ્યામ, પ્રદીપ, શિવુભા, કાનભા અને યુવરાજ વચ્ચે એક બેઠક થઇ હતી અને 55 લાખ રૂપિયાની ડીલ થઇ હતી. આમાં ઘનશ્યામ બિપિન સાથેનો મિડલમેન છે, જ્યારે શિવુભા અને કાનભા યુવરાજના સાળા હોવાનું કહેવાય છે. 55 લાખની ડીલ થયા બાદ 20 લાખ, 30 લાખ અને 5 લાખ એમ ત્રણ હપ્તામાં આ રકમ ચૂકવવામાં આવી હતી. બિપિને જણાવ્યું હતું કે, આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામ નામનો વ્યક્તિ ગયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં