Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'કૌભાંડમાં નામ ન લેવા કરોડ રૂપિયા લીધા': AAP નેતા યુવરાજસિંહ જાડેજા સામે...

    ‘કૌભાંડમાં નામ ન લેવા કરોડ રૂપિયા લીધા’: AAP નેતા યુવરાજસિંહ જાડેજા સામે ગંભીર આરોપો, નજીકના સાથીએ ખુલાસા કર્યા

    તાજેતરમાં યુવરાજસિંહ જાડેજાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવારોને બેસાડવામાં આવતા હોવાનો ખુલાસો કર્યો હતો.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા સામે એક કૌભાંડમાં નામ ન લેવા માટે જુદા-જુદા વ્યક્તિઓ પાસેથી રૂપિયા લીધા હોવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ સ્વયં યુવરાજના નજીકના વ્યક્તિ બિપિન ત્રિવેદીએ લગાવ્યા છે. 

    બિપિન ત્રિવેદીએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં આ ઘટસ્ફોટ કર્યો હતો. જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં તે જણાવે છે કે ડીલ માટે યુવરાજસિંહ જાડેજા અને અન્ય વ્યક્તિઓ સાથે એક મિટિંગ થઇ હતી અને જેમાં આ ડીલ 55 લાખ રૂપિયામાં ફાઇનલ થઇ હતી. આ સાથે યુવરાજસિંહ જાડેજા સાથેની વાતચીતની એક ચેટ પણ લીક થઇ છે, જેમાં બંને વ્યક્તિ આ કૌભાંડમાં નામ ન લેવાને લઈને વાતચીત કરતા જોવા મળે છે.

    બિપિન અને યુવરાજસિંહ જાડેજા વચ્ચેની એક વોટ્સએપ ચેટ પણ લીક થઇ છે. જેમાં બિપિને એક ન્યૂઝપેપર કટિંગ ફોરવર્ડ કરીને યુવરાજને પૂછ્યું હતું કે પૈસા લેવામાં આવ્યા હોવા છતાં તેમાં PKનું નામ કેમ લખ્યું છે? જેને લઈને યુવરાજે જવાબ આપ્યો હતો કે તેમણે કોઈ માહિતી આપી નથી અને સ્થાનિક પત્રકારોએ લખેલી હોય શકે. 

    - Advertisement -

    ત્રણ હપ્તામાં પૈસા આપવામાં આવ્યા હોવાનો દાવો

    રિપોર્ટ્સ અનુસાર, પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવે નામના વ્યક્તિઓ પાસેથી કૌભાંડમાં નામ ન લેવા માટે અનુક્રમે 55 લાખ અને 45 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. સ્ટિંગ ઓપરેશનમાં બિપિન જણાવે છે કે ઘનશ્યામ, પ્રદીપ, શિવુભા, કાનભા અને યુવરાજ વચ્ચે એક બેઠક થઇ હતી અને 55 લાખ રૂપિયાની ડીલ થઇ હતી. આમાં ઘનશ્યામ બિપિન સાથેનો મિડલમેન છે, જ્યારે શિવુભા અને કાનભા યુવરાજના સાળા હોવાનું કહેવાય છે. 55 લાખની ડીલ થયા બાદ 20 લાખ, 30 લાખ અને 5 લાખ એમ ત્રણ હપ્તામાં આ રકમ ચૂકવવામાં આવી હતી. બિપિને જણાવ્યું હતું કે, આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામ નામનો વ્યક્તિ ગયો હતો.

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યુવરાજસિંહ જાડેજાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવારોને બેસાડવામાં આવતા હોવાનો ખુલાસો કર્યો હતો. જેને લઈને તાજેતરમાં ભાવનગરમાં એક પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. આરોપ છે કે આ કૌભાંડમાં નામ ન લેવા માટે યુવરાજે પૈસા લીધા હતા. 

    યુવરાજસિંહ જાડેજાએ પોતાની ઉપર લાગેલા આ આરોપોને નકારી કાઢ્યા છે. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ બિપિન ત્રિવેદીને ઓળખે છે.

    યુવરાજસિંહે 5 એપ્રિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી

    યુવરાજસિંહ જાડેજાએ ગત 5 એપ્રિલના રોજ સરકારી ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પરીક્ષાર્થીની જગ્યાએ ડમી ઉમેદવારો પરીક્ષા આપતા હોવાનો દાવો કર્યો હતો. જે બાદ તેમણે 4 નામો પણ જાહેર કર્યાં હતાં અને આ નામોને પોતે વેરીફાય કરવાનો દાવો પણ કર્યો હતો. ત્યારબાદ ગુજરાત પોલીસે આ મામલે તપાસ આદરી હતી.

    પોલીસ તપાસમાં 36 એવાં નામો સામે આવ્યાં હતાં જે સાચા પરીક્ષાર્થીની જગ્યાએ ડમી ઉમેદવારો પરીક્ષા આપવા ગયા હતા. આ તમામ 36 લોકો સામે ભાવનગર પોલીસે ફરિયાદ દાખલ કરીને 4 લોકોની ધરપકડ પણ કરી હતી. આ મામલે પોલીસ પોતે જ ફરિયાદીની ભૂમિકા નિભાવી રહી છે. મળતી માહિતી મુજબ વર્ષ 2012થી 2023 દરમિયાન યોજાયેલી વિવિધ સરકારી ભરતીની પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થીઓને બેસાડીને પરીક્ષાઓ આપવામાં આવતી હતી.

    ડમી ઉમેદવારો બેસાડીને પરીક્ષા આપવા માટે એક રકમ નક્કી કરવામાં આવતી હતી. આ ગેરરીતી આચરવા માટે કેટલા રૂપિયા લેવામાં આવતા હતા અને અત્યાર સુધીમાં કઈ-કઈ પરીક્ષઓમાં આ રીતે ગેરરીતિ આચરવામાં આવતી હતી તે સહિતના તમામ મુદ્દે પોલીસ દ્વારા કડીઓ મેળવવામાં આવી રહી છે. 

    અન્ય એક AAP નેતાનું નામ પણ ખૂલ્યું, ફરિયાદ બાદ ભૂગર્ભમાં

    આ કૌભાંડમાં ભાવનગરના એક આમ આદમી પાર્ટીના નેતાનું નામ પણ સામે આવ્યું છે. ત્યારબાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યા છે. AAP સંગઠન મંત્રી રમણિક જાનીનું નામ આ કૌભાંડમાં ખૂલ્યું છે. જેમની સામે ફરિયાદ પણ દાખલ થઇ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં