અગામી વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતની તમામ રાજકીય પાર્ટીઓએ કમર કસી લીધી છે, તેમાં પણ આમ આદમી પાર્ટીએ પણ પોતાના 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, આ દરમિયાન AAPમાં યુવરાજસિંહ જાડેજાનો છેદ ઉડ્યો હોય તેવું નજરે પડી રહ્યું છે, વિધાર્થી અંદોલનના ઓથા હેઠળ નેતા બનેલા યુવરાજસિંહ જાડેજાની દહેગામની ટીકીટ પછી લઇ લેવામાં આવી છે, અને હવે તેમની જગ્યાએ સુહાગ પંચાલના નામની જાહેરાત કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર આમ આદમી પાર્ટી (AAP)એ હોંશે-હોંશે ઉમેદવારોની પહેલાંથી જ જાહેરાત કરી દીધી હતી, જેમાં હવે મોટો વળાંક આવ્યો છે. આમ આદમી પાર્ટીએ નેતા યુવરાજસિંહ જાડેજાને દહેગામથી ટિકિટ આપી હતી, પરંતુ અચાનકજ હવે તેઓ હવે ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત પાર્ટી તરફથી કરવામાં આવી છે. જાડેજાની જગ્યાએ સુહાગ પંચાલના નામની જાહેરાત કરીને યુવરાજસિંહને હાથે માત્ર પ્રચારનો ઝંડો પકડાવવામાં આવ્યો છે. પાર્ટીના આ નિર્ણયથી દેખીતી રીતે સમજી શકાય છે કે હવે AAPમાં યુવરાજસિંહ જાડેજાનો છેદ ઉડ્યો છે અને તેમની દહેગામની ટીકીટ પાછી આંચકીને ‘સ્ટાર પ્રચારક‘ના નામની રેવડી ખવડાવી છે, ઉપરાંત AAPએ પોતાના 7 દાવેદારોના નામ પણ જાહેર કર્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ૧૨મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 8, 2022
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/OERVyrpnbi
પાર્ટીના આ નિર્ણય પર નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,” હવે હું ચૂંટણી લડવાનો નથી. ગુજરાતની ચૂંટણીમાં મને પાર્ટીએ “સ્ટાર પ્રચારક” તરીકે મૂકવામાં આવ્યો છે. અને 10 જેટલી વિધાનસભા બેઠક પર મને જવાબદારી સોંપાઈ છે.”
AAP ગુજરાતના યુવા નેતાશ્રી યુવરાજસિંહ જાડેજાનું મહત્વપૂર્ણ મૂદ્દે પ્રેસ મીડિયાને સંબોધન #LIVE https://t.co/JafHsBV4I8
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 8, 2022
દહેગામથી નામ જાહેર થતા થયો હતો વિરોધ
ઉલ્લેખનીય છે કે પેપરલીક કાંડ વખતે કેમેરા સામે બહુ દેખાયેલા ‘આપ’ નેતા યુવરાજસિંહ જાડેજાનું નામ દહેગામ બેઠક પરથી જાહેર થતાં પાર્ટીના જ કાર્યકરો અને નેતાઓ પાર્ટીના સામા પડ્યા હતા અને યુવરાજસિંહને ટીકીટ આપવા બદલ વિરોધ નોંધાવ્યો હતો. વાત તે હદ સુધી પહોંચી હતી કે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ ‘આપ’ કાર્યાલય પર કાર્યકરોએ પહોંચીને જાહેરમાં સૂત્રોચ્ચાર કરીને યુવરાજસિંહનું નામ જાહેર કરવાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, તેમને આયાતી નહીં પરંતુ સ્થાનિક ઉમેદવાર જોઈએ છે. પાર્ટીના કાર્યકરોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મહેનત તેમણે કરી હોવા છતાં ટિકિટ બીજાને આપવામાં આવી રહી છે.
જોકે, યુવરાજસિંહ જાડેજાએ આ વાત નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, ગાંધીનગર તેમની કર્મભૂમિ છે અને તેઓ અહીં જ રહ્યા છે. તેમના પત્ની દહેગામમાં શિક્ષિકા હોવાનું કહીને ઉમેર્યું કે પ્રદેશનો નેતા દરેક જગ્યાએ જાય પરંતુ ચૂંટણી માટે પસંદગી કર્મભૂમિની જ કરે છે.
ત્યારે હવે યુવરાજસિંહે તેમની “કર્મ ભુમી” પર ચૂંટણી લડવાનું મન બનાવી લીધા બાદ આમ આદમી પાર્ટીએ તેમના સપનાઓ પર સાવરણો ફેરવી નાંખતા ક-મને પણ હવે પાર્ટીના સ્ટાર પ્રચારકની ભૂમિકા નિભાવવા તૈયાર થયા છે. જોકે પાર્ટીના આ નિર્ણય બાદ યુવરાજસિંહના તથાકથિત ચાહકો શું પ્રતિક્રિયા આપે છે અને અગામી સમયમાં AAPના આ સ્ટાર પ્રચારક પાર્ટી સાથે કેટલો સમય જોડાયેલા રહે છે તે જોવું રહ્યું.