મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ઈસ્લામ છોડીને સનાતનમાં આવેલ એક વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. તેમણે ફરિયાદ કરી છે કે તેમને કટ્ટરપંથી મુસ્લિમ પાડોશીઓ જીવવા દેતા નથી અને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. તેમના ઘર પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
આ વ્યક્તિની ઓળખ હરિ નારાયણ તરીકે થઈ છે, જે પહેલાં હૈદર શેખ હતા. ગત 27 એપ્રિલ, 2024ના રોજ ઈન્દોરના ખજરાના મંદિરમાં તેમણે અન્ય 7 વ્યક્તિઓ સાથે હિંદુ ધર્મ અપનાવી લીધો. તેમણે આરોપ લગાવ્યો કે અમુક અજ્ઞાત બદમાશોએ તેમના ઘર પર હુમલો કર્યો હતો. તેમણે પોલીસમાં ફરિયાદ પણ આપી છે. જેમાં તેમણે કહ્યું કે, ધર્મ પરિવર્તન કરવાના કારણે મુસ્લિમ સમુદાયના અમુક લોકો તેમને ધમકી આપી રહ્યા છે અને તેમના ઘર પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં તેમણે જણાવ્યું કે, મુસ્લિમ સમુદાયના લોકોએ તેમને મારી નાખવાની ધમકી આપી અને તેના કારણે તેમને અવર-જવરમાં પણ તકલીફ થઈ રહી છે. તેમણે અરજીમાં કહ્યું કે, તેમણે 27 એપ્રિલના રોજ ધર્મ પરિવર્તન કર્યું હતું અને હરિનારાયણ બની ગયા હતા. ત્યારથી મુસ્લિમ સમુદાયના લોકો તેમને ધમકી આપી રહ્યા છે. તેમણે કાયદાકીય વિધિ થકી હિંદુ ધર્મ અપનાવ્યો હોવાનું જણાવ્યું હતું.
તેમણે ફરિયાદમાં જણાવ્યું કે આ ઘટનાને લઈને તેમણે ગત 29 એપ્રિલના રોજ ઈન્દોરના કલેક્ટરને અરજી પણ આપી હતી, પરંતુ ત્યારબાદ તેમના ઘર પર અમુક તત્વોએ પથ્થરમારો કર્યો અને તેમને મારવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા. ઘર પર પથ્થરમારો કરવાના કારણે ઘરમાં નુકસાન પણ થયું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી છે.
જાણવા મળ્યું છે કે આ તમામ વ્યક્તિઓએ સ્વેચ્છાથી ધર્મપરિવર્તન કર્યું હતું. જેમાંથી ત્રણ મહિલાઓ પણ છે. તમામે જણાવ્યું હતું કે તેઓ મધ્ય પ્રદેશ ધર્મ સ્વતંત્રતા અધિનિયમ, 2021ની ધારા 10 હેઠળ ધર્મ બદલી રહ્યા છે અને તે માટે જરૂરી કાર્યવાહી પણ પૂર્ણ કરી છે. તેમણે શપથ પત્ર પણ પ્રસ્તુત કર્યા હતા. પરંતુ ધર્મ બદલ્યા બાદ ધમકીઓ મળવાથી તેમણે ફરિયાદ કરી હતી.