આજના ડિજિટલ યુગમાં મેટ્રિમોનિયલ સાઈટની ભરમાર વચ્ચે લોકો એવા છેતરાય છે કે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની નોબત આવી પડે છે. આવા જ એક યુવકને ઓનલાઇન જીવનસાથી શોધવું ભારે પડ્યું છે. પોરબંદરના એક યુવકે સાઈટ પર યુવતીની પસંદગી કરીને રંગેચંગે લગ્ન તો કર્યાં પરંતુ બાદમાં તેને પત્નીની હકીકત વિશે ખબર પડી અને તેના પગ તળેથી જમીન ખસી ગઈ. વાસ્તવમાં પોરબંદરના આ યુવકે ભૂલથી આસામની એક લેડી ડૉન સાથે લગ્ન કરી લીધાં હતાં.
બન્યું એવું કે, શાક માર્કેટમાં વેપાર કરતા પોરબંદરના યુવકે ઓનલાઇન જીવનસાથી શોધવા માટે શાદી ડોટ કોમ સાઈટ પર પોતાની પ્રોફાઈલ બનાવી હતી. જ્યાં તે આસામના ગુવાહાટીની યુવતી રીટા દાસના સંપર્કમાં આવ્યો હતો. રીટાએ પોતાની પ્રોફાઈલમાં ડિવોર્સી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. લગ્ન પહેલાં પોરબંદરના યુવકે યુવતી ખરેખર સાચું કહે છે કે ખોટું તે જાણવા તેની પાસેથી ડિવોર્સના પુરાવા માંગ્યા હતા, પણ રીટાએ ગલ્લાંતલ્લાં કર્યાં હતાં અને કહ્યું હતું કે તેનાં બાળલગ્ન થયાં હોવાથી તેની પાસે સર્ટિફિકેટ નથી.
બાદમાં રીટાએ યુવકને લગ્ન માટે તૈયાર કર્યો હતો. રીટાએ પોતે ગરીબ હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ તેણે પોતાને આધ્યાત્મિક વ્યક્તિ ગણાવી હતી. શરૂઆતમાં એક મહિના સુધી બંનેએ ફોન પર વાતચીત કરી હતી, બાદમાં અમદાવાદમાં બંનેએ મુલાકાત કરી હતી. ત્યારબાદ પોરબંદરનો યુવક તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગયો હતો.
બિયર અને નોનવેજની શોખીન આસામની લેડી ડોન
રિપોર્ટ મુજબ લગ્ન માટે રીટા અમદાવાદ યુવકને મળવા આવી ત્યારે તેણે જણાવ્યું હતું કે, તે ગરીબ પરિવારમાંથી આવે છે અને તેના ભાઈ-ભાભી મજૂરીકામ કરે છે. તેની માતા સતત બીમાર રહે છે, તેથી કોઈ તેની સાથે આવ્યું નથી. મુલાકાતના એક અઠવાડિયા બાદ હિંદુ વિધિ મુજબ બંનેએ લગ્ન કર્યાં હતાં. પરંતુ લગ્નના છ મહિના બાદ એવું એવું બનતું ગયું કે યુવકને રીટા વિશે શંકા જવા લાગી. પોતાને ગરીબ કહેતી રીટા હજારો રૂપિયાની કોસ્મેટિક વાપરતી હતી. તે કપડાં-ચપ્પલની ખરીદી પાછળ પણ 2-3 હજાર રૂપિયા પાણીની માફક વાપરી નાંખતી. ફરવા જાય તો એસી ટ્રેનમાં બેસવાની જીદ કરતી અથવા કારની માંગણી કરતી. એટલું જ નહીં, ચુસ્ત વૈષ્ણવ પરિવારમાં પરણવા છતાં રીટાએ નોનવેજ ખાવાની માંગણી કરી હતી.
આવામાં એકવાર યુવકે પત્ની રીટાનો ફોન જોયો તો તે ચોંકી ગયો હતો. અન્ય પુરુષ સાથે રીટાએ પ્રેમી યુગલની જેમ ફોટા પડાવ્યા હતા. બાદમાં રીટા બિયર પીતી હોવાનો પણ ખુલાસો થયો હતો. એક બાદ એક રીટાના રાઝ પરથી પડતા ઉંચકાતા જતા હતા અને પતિના પગ તળે જમીન સરકવાનું શરૂ થઈ ગયું હતું. પરંતુ એક દિવસે રીટાએ આસામ જવાની વાત કરી. તેણે પતિને કહ્યું કે, તેનો આસામમાં જમીનનો કેસ ચાલે છે તેથી જવું પડશે. તેથી તે પતિનું એટીએમ કાર્ડ, 5 હજાર કેશ અને એક મોબાઈલ લઈને આસામ ગઈ. પરંતુ આસામ ગયા બાદ રીટાએ ફોન રિસીવ કરવાના બંધ કરી દીધા હતા. બાદમાં તેની અટકાયતના સમાચાર પતિને મળ્યા હતા.
પોલીસે પકડતાં થયો ખુલાસો
આખરે પોરબંદરના યુવકે તપાસ કરતાં જાણવા મળ્યું કે, રીટા દાસનું સાચું નામ રીટા ચૌહાણ છે. જે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે આર્મ્સ કેસ, ચોરી, લૂંટફાટ, ગેંડાનો શિકાર, સ્મગલિંગ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેના બાદ યુવકે ગૂગલ સર્ચ કર્યું તો રીટા ચૌહાણ ઈન્ટરનેશનલ કારચોરની પત્ની નીકળતાં તે વધુ ગભરાઈ ગયો હતો.
આથી યુવક પોરબંદર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પત્ની આ રીતે ગંભીર ગુનામાં સંડોવાયેલી હોવાથી યુવકે NIA, ATS (ગુજરાત અને આસામ), CBI, ભારતના રાષ્ટ્રપતિ, PMO, આસામના પોલીસવડા, આસામના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહ વિભાગને પોતાની સાથે બનેલી આ ઘટના અંગેની ફરિયાદની નકલો મોકલી છે.