Friday, November 22, 2024
More
    હોમપેજદેશશાળા-કોલેજોના સેંકડો વિદ્યાર્થીઓ થયા HIV સંક્રમિત, અનેકનાં મોત પણ: ત્રિપુરામાં AIDSના ફેલાવાએ...

    શાળા-કોલેજોના સેંકડો વિદ્યાર્થીઓ થયા HIV સંક્રમિત, અનેકનાં મોત પણ: ત્રિપુરામાં AIDSના ફેલાવાએ ચિંતા વધારી, ડ્રગ્સ સાથે નીકળ્યું કનેક્શન

    HIV-AIDS સંબંધિત મોટાભાગના કેસોમાં બાળકો સમૃદ્ધ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. એવા પરિવારો કે, જ્યાં માતા-પિતા બંને સરકારી નોકરીમાં હોય અને બાળકોની માંગણીઓ પૂરી કરવામાં કોઈ ખચકાટ ન હોય. જ્યારે તેમને ખબર પડી કે તેમના બાળકો ડ્રગ્સનો શિકાર બની ગયા છે, ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

    - Advertisement -

    ભારતના પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરાથી HIV-AIDS સાથે જોડાયેલા ગંભીર સમાચાર સામે આવ્યા છે. ત્રિપુરામાં હજારો લોકો HIV પોઝિટિવ મળી આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી વધારે છે. આશ્ચર્યની વાત એ છે કે, ત્રિપુરામાં HIV સંક્રમિત વિદ્યાર્થીઓની સંખ્યા 828 પર પહોંચી ગઈ છે. જેમાંના 47 વિદ્યાર્થીઓ આ બીમારીના કારણે મૃત્યુ પણ પામ્યા છે. જોકે, HIVના આ આંકડાઓ સામે આવતાની સાથે જ દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. મીડિયામાં પણ તે વાતે જોર પકડયું હતું. ત્યારબાદ હવે ત્રિપુરા સરકારે સ્પષ્ટીકરણ જારી કરીને કહેવું પડ્યું છે કે, આ આંકડાઓ 25 વર્ષના સમયગાળા દરમિયાનના છે, નહીં કે માત્ર એક વર્ષના.

    HIV આંકડાઓ પર રિપોર્ટ સામે આવ્યા બાદ ત્રિપુરા સરકારે સ્પષ્ટતા કરી છે કે, આ આંકડાઓ 25 વર્ષના સમયગાળાના છે. સરકારે જણાવ્યું કે, 828 HIV સંક્રમિત વિદ્યાર્થીઓમાંથી 47 વિદ્યાર્થીઓનાં મોત થઈ ચૂક્યાં છે. સંક્રમિત વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓ તો ત્રિપુરાની બહાર ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પણ ગયા છે. ત્રિપુરામાં 1999થી અત્યાર સુધીના AIDSના આંકડા દર્શાવે છે કે, મે 2024 સુધીમાં રાજ્યમાં ART-Antiretroviral થેરાપી કેન્દ્રોમાં 8,729 લોકોને રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે. તેમાંથી HIVથી પીડિત લોકોની કુલ સંખ્યા 5,674 છે અને તેમાં પણ 4,570 પુરૂષો, 1103 મહિલાઓ છે અને માત્ર એક દર્દી ટ્રાન્સજેન્ડર છે. પરંતુ સૌથી વધુ ચોંકાવનારી સંખ્યા વિદ્યાર્થીઓની છે.

    ત્રિપુરા એઇડ્સ કંટ્રોલ સોસાયટી (TSACS)ના અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે, HIVના કેસોમાં વૃદ્ધિ થયાનું સૌથી મોટું કારણ વિદ્યાર્થીઓમાં ઇન્જેકશનથી લેવાતા ડ્રગ્સ છે. TSACSના અધિકારીઓએ લગભગ 220 સ્કૂલો અને 24 કોલેજો તથા યુનિવર્સિટીઓમાં તેવા વિદ્યાર્થીઓની ઓળખ કરી હતી, જેઓ ઇન્જેકશનથી ડ્રગ્સ લેતા હતા અને એક જ ઇન્જેકશન અન્ય વિદ્યાર્થીઓ પણ યુઝ કરતાં હતા. જેના કારણે બ્લડ-ટુ-બ્લડ સંપર્ક બન્યા હતા અને આવી રીતે એઇડ્સ ફેલાયો હતો. જોકે, તે તમામ વિદ્યાર્થીઓ શ્રીમંત પરિવારના હતા.

    - Advertisement -

    ત્રિપુરામાં એઇડ્સ ફેલાવવાનું સૌથી મોટું કારણ ડ્રગ્સ માટે વપરાતું ઇન્જેકશન

    અહેવાલો અનુસાર, HIV-AIDS સંબંધિત મોટાભાગના કેસોમાં બાળકો સમૃદ્ધ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. એવા પરિવારો કે, જ્યાં માતા-પિતા બંને સરકારી નોકરીમાં હોય અને બાળકોની માંગણીઓ પૂરી કરવામાં કોઈ ખચકાટ ન હોય. જ્યારે તેમને ખબર પડી કે તેમના બાળકો ડ્રગ્સનો શિકાર બની ગયા છે, ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. વાસ્તવમાં, HIV/AIDSએ વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા છે, જેનો સીધો સંબંધ નસમાં ઇન્જેકશન નાખીને નશો કરવા સાથે છે. ડ્રગ યુઝર્સ વચ્ચે ઇન્જેક્શન શેર કરવું એ HIV ટ્રાન્સમિશનની પ્રાથમિક પદ્ધતિ છે, જે વાયરસને બ્લડ-ટુ-બ્લડ સંપર્ક દ્વારા ફેલાવવામાં મદદ કરે છે. ત્રિપુરામાં મોટાભાગના કેસોમાં આ વસ્તુ સામાન્ય જોવા મળી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં