હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) શિમલાના ગુમ્મા બજારમાં વેપાર કરતા બહારના રાજ્યોના મુસ્લિમ વેપારીઓના દસ્તાવેજોની અધિકૃતતા પર શંકા ઉભી થઇ રહી છે. ગુમ્મા વેપારી મંડળે (Gumma Vyapar Madal) મુસ્લિમ સમુદાયના વેપારીઓમાંથી અમુકના આધાર કાર્ડ (Aadhar Card) પર એક સરખી જન્મતારીખ (same Date of Birth) જોવા મળતા શંકાઓ ઉભી થઇ રહી છે.
બહારના રાજ્યોમાંથી આવેલા મુસ્લિમ સમુદાયના 86 લોકો શિમલાના ગુમ્મા બજારમાં વેપાર કરે છે. આમાંથી 46 મુસ્લિમ વેપારીઓ એવા છે જેમના આધાર કાર્ડ પર એક સરખી જન્મ તારીખ 1 જાન્યુઆરી જોવા મળી છે, જે શંકાસ્પદ છે. આવી સ્થિતિમાં ગુમ્મા વેપારી મંડળે કોટખાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તપાસની માંગ કરી હતી. આ ઉપરાંત કોટખાઈ વેપાર મંડળે પણ પોલીસને લેખિત ફરિયાદ પત્ર આપી બહારના રાજ્યોમાંથી આવતા લોકોના દસ્તાવેજો તપાસવાની માંગ કરી છે.
સત્ય બહાર લાવવાની ગુમ્મા વેપાર મંડળની માંગ
આ મામલે ગુમ્મા વ્યાપાર મંડળના પ્રમુખ દેવેન્દ્ર સિંઘે જણાવ્યું કે એસોસિએશને આ તમામ વેપારીઓના આધાર કાર્ડ એકત્ર કર્યા છે. ગુમ્મા વેપારી મંડળે મળી આવેલ આધાર કાર્ડ બનાવટી હોવાની શંકા સાથે આધાર કાર્ડની અધિકૃતતાની તપાસની માંગ કરી છે. દેવેન્દ્ર સિંઘે ભાર પૂર્વક જણાવ્યું હતું કે, “આ આધાર કાર્ડ પાછળનું સત્ય બહાર આવવું જોઈએ.”
ઉલ્લેખનીય છે કે વેપારી મંડળે માંગ ઉઠાવી છે કે આધાર કાર્ડ પાછળના સત્યની તપાસ થવી જોઈએ. સાથે માંગ કરી કે બહારના રાજ્યોમાંથી આવતા વેપારીઓએ તેમની દુકાન શરૂ કરતા પહેલા બોનાફાઇડ સર્ટિફિકેટ, ચરિત્રતા પ્રમાણપત્ર અને ચૂંટણી કાર્ડ, વેપારી મંડળ અને પોલીસ સ્ટેશન બંનેમાં જમા કરાવવું જોઈએ. એવી માંગ પણ કરી હતી કે, જ્યાં સુધી તમામ દસ્તાવેજોની ચકાસણી ન થાય ત્યાં સુધી બહારના રાજ્યોના વેપારીઓને વ્યવસાય ચલાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
નોંધનીય છે કે ગુમ્મા વેપારી મંડળની માંગોને કોટખાઈ વેપારી મંડળે પણ સમર્થન આપ્યું હતું. તથા કોટખાઈ વેપારી મંડળે કોટખાઈ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ આપી હતી. કોટખાઈ વેપારી મંડળના પ્રમુખ, મદન ગંગટા, ઉપપ્રમુખ પ્રદીપ ખાલટા અને સેક્રેટરી જ્ઞાનચંદે, અન્ય રાજ્યોમાંથી આવતા વેપારીઓ અને ફેરિયાઓની ચોક્કસ ઓળખ ચકાસવાની માંગ કરી હતી.
ફરિયાદ મળી હોવાની કોટખાઈ પોલીસ સ્ટેશને કરી પુષ્ટિ
વેપારી મંડળે આપેલી ફરિયાદ અંગે કોટખાઈ પોલીસ સ્ટેશને પુષ્ટિ કરી હતી. કોટખાઈ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અંકુશ ઠાકુરે કહ્યું હતું કે, “અમને વ્યાપર મંડળો તરફથી પત્રો મળ્યા છે, અને આ બાબતની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. તારણોના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.” આ મામલે પોલીસ બહારથી આવતા વેપારીઓ અંગે યોગ્ય ચકાસણી કરી રહી છે.
નૈનાદેવીના બીજેપી ધારાસભ્ય રણધીર શર્માએ ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્યમાં અનધિકૃત મસ્જિદ અને બહારથી આવેલા વેપારીઓની પૂર્વ ચકાસણી કર્યા વિના વેપાર કરવાના વિરોધમાં જે ‘જન આંદોલન’ ચાલી રહ્યું છે તે મામલે રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદર સિંઘ સુક્ખુએ 13 સપ્ટેમ્બરે બધા પક્ષોની બેઠક બોલાવી હતી. જેમાં આ મામલે નીતિ બનાવવા માટે વિચારણા કરવા માટે સંયુક્ત સમિતિની રચના કરવાની બાબતે વિચારણા કરવામાં આવી હતી. પરંતુ બેઠકના 5 દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જે આ મામલે સરકારની ગંભીરતા દર્શાવે છે.