બાંગ્લાદેશમાં હિંદુ (Bangladeshi Hindus) લઘુમતીઓ પર હુમલા અને અત્યાચારની (Atrocity) ઘટનાઓ તાજેતરના મહિનાઓમાં ઝડપથી વધી છે, જે દેશના બદલાતા સામાજિક અને રાજકીય વાતાવરણનો ઊંડો સંકેત પણ છે. દરમિયાન, હિંદુ વિક્રમ સંવતના નવવર્ષે એટલે કે શનિવારે (2 નવેમ્બર, 2024) ચટગાંવમાં 30,000થી વધુ બાંગ્લાદેશી હિંદુઓ ફરી એક વખત રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઇસ્લામી બર્બરતા વિરુદ્ધ પ્રદર્શન (Protest) કરી રહ્યા હતા. ઉપરાંત તેમણે બાંગ્લાદેશની નવી સરકાર પાસે ન્યાય અને સુરક્ષાની માંગણી પણ કરી હતી.
પ્રદર્શનકારીઓએ સરકાર પાસે હિંદુ નેતાઓ સામેના રાજદ્રોહના આરોપો પાછા ખેંચવાની પણ માંગ કરી હતી. નોંધનીય છે કે, 19 હિંદુ નેતાઓ આ આરોપોનો સામનો કરી રહ્યા છે, જેમાંથી કેટલાકની ધરપકડ પણ કરવામાં આવી છે. એક રેલી દરમિયાન બાંગ્લાદેશના ધ્વજની ઉપર ભગવો ધ્વજ ફરકાવ્યાની ઘટના બાદ તમામ હિંદુ નેતાઓ પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તે ઘટનાને સરકારી ધ્વજનું અપમાન ગણવામાં આવી રહ્યું હતું. જોકે, હિંદુ નેતાઓનું કહેવું છે કે, આ આરોપો ખોટા છે અને તેમનો ઉદ્દેશ્ય માત્ર હિંદુ સમુદાયને ડરાવવાનો છે.
ઉપરાંત બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પણ હિંદુઓએ એકતા રેલી અને વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. લાખોની સંખ્યામાં એકઠા થયેલા હિંદુઓએ લઘુમતીઓને વિશેષ સુરક્ષા પ્રદાન કરતાં કાયદાઓની પણ માંગણી કરી હતી. તે સિવાય ઇસ્લામી બર્બરતા વિરુદ્ધ નવી સરકાર કોઈ અસરકારક પગલાં ન લેતી હોવાના આરોપ પણ લગાવ્યા હતા.
Protection For Hindus Demanded By Thousands At Bangladesh Protests
— RT_India (@RT_India_news) November 2, 2024
Around 30k Hindus rallied in Chattogram, demanding protection from attacks and harassment & calling for sedition charges against community leaders to be dropped.
pic.twitter.com/EOgZ3xT68n
શેખ હસીના વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન બાદ જાતીય પાર્ટી અને તેના સમર્થકો પર હુમલા પણ વધી ગયા છે. જાતીય પક્ષના મુખ્યાલયને તાજેતરમાં કટ્ટરપંથીઓ દ્વારા આગ લગાડવામાં આવી હતી, જેના પગલે પક્ષના વડા જીએમ કાદિરે હિંસાની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, જાતીય પાર્ટી તેના અધિકારો માટે શાંતિપૂર્ણ રેલીઓ ચાલુ રાખશે, ભલે પછી તેના કારણે તેના સમર્થકો પર જોખમ પણ ઊભું થાય.
નોંધનીય છે કે, વડાંપ્રધાન શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ અને ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા સમર્થિત વચગાળાની સરકારની રચના બાદ હિંદુ, બૌદ્ધ અને અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા એક મોટો મુદ્દો બનીને ઉભરી આવ્યો છે. બાંગ્લાદેશની વસ્તી લગભગ 170 મિલિયન છે, જેમાંથી 91% મુસ્લિમો છે અને માત્ર 8% હિંદુઓ છે. જોકે, ઇસ્લામી બર્બરતાના કારણે હિંદુ સમાજની વસ્તી સતત ઘટી પણ રહી છે, જે એક ચિંતાનો વિષય પણ છે. પરંતુ, હવે છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશી હિંદુઓ અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા થયા છે. જોકે, તેની સફળતાનું કારણ બાંગ્લાદેશી હિંદુઓની એકતા છે. જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર હવે ધર્મના અસ્તિત્વ માટે બાંગ્લાદેશી હિંદુઓ રસ્તા પર ઉતરતા થયા છે.