Friday, November 22, 2024
More
    હોમપેજદેશદિલ્હી સરકાર સંચાલિત શેલ્ટર હૉમમાં 7 મહિનામાં 28 મોત, 14 માત્ર જુલાઈમાં:...

    દિલ્હી સરકાર સંચાલિત શેલ્ટર હૉમમાં 7 મહિનામાં 28 મોત, 14 માત્ર જુલાઈમાં: NCW અધ્યક્ષે કહ્યું- અહીં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ, AAP સાંસદે જ સરકાર પર ઉઠાવ્યા સવાલ 

    થમિક દ્રષ્ટિએ જણાય રહ્યું છે કે વધુ મોત ડાયેરિયાના કારણે થયાં છે. પાણી અશુદ્ધ આપવામાં આવી રહ્યું હતું. હું કિચનમાં પણ ગઈ હતી, જ્યાં પણ ફિલ્ટર લગાવવામાં આવ્યાં ન હતાં. અહીંના સંચાલકે જણાવ્યું છે કે તેમણે સરકારને આ બાબતો વિશે જાણ કરી હતી, પરંતુ કોઇ ધ્યાન આપવામાં ન આવ્યું: NCW અધ્યક્ષ

    - Advertisement -

    દિલ્હીના રોહિણી વિસ્તારમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા સંચાલિત એક શેલ્ટર હૉમમાં જુલાઈ મહિનામાં 14 વ્યક્તિઓનાં મોત થયાં હોવાનું સામે આવતાં ખળભળાટ મચી છે. આ મામલે LGએ તપાસના આદેશ આપ્યા છે તો ખૂબ ટીકા થયા બાદ દિલ્હી સરકાર દ્વારા પણ ‘મૅજિસ્ટ્રેટ કક્ષાની તપાસ’ના આદેશ આપ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ જાણકારી સામે આવ્યા બાદ કેજરીવાલ સરકાર પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. 

    આ આશા કિરણ શેલ્ટર હૉમ માનસિક અસ્વસ્થ વ્યક્તિઓ માટે બનાવવામાં આવ્યું છે, જે સંચાલિત કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા. પ્રાપ્ત જાણકારી અનુસાર, જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં અહીં કુલ 27 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જ્યારે છેલ્લા 20 દિવસમાં કુલ 14 વ્યક્તિઓનાં મોત થયાં છે. જેમાંથી એક સગીર પણ છે. જેની ઉંમર 14-15 વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

    રિપોર્ટ અનુસાર, 15 જુલાઈથી 31 જુલાઈ વચ્ચે 13 વ્યક્તિઓનાં મોત થયાં છે. જેમાંથી 8 મહિલાઓ છે અને 5 પુરુષ. જ્યારે એકનું મોત 1 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે થયું હતું. આ અચાનક વધતા મૃત્યુ પાછળ હજુ સુધી કારણ જાણવા મળ્યુ નથી. SDMએ જણાવ્યું કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે અને ત્યારબાદ જ સાચું કારણ જાણી શકાશે. પ્રાથમિક તપાસમાં પાણીની ગુણવત્તા મામલે પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે. 

    - Advertisement -

    પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ, 250ની ક્ષમતા સામે 400 લોકો રહેતા હતા: NCW ચેરપર્સન 

    રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ રેખા શર્માએ પણ આશા કિરણ શેલ્ટર હૉમની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે, ત્યાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. તેમણે એક પોસ્ટમાં કહ્યું કે, અહીં 250 વ્યક્તિઓની ક્ષમતા સામે 450 લોકો રહેતા હતા અને તેમને ન તો પૂરતું ભોજન અપાતું હતું કે ન પાણી-દવાની સારી વ્યવસ્થા હતી. અન્ય એક પોસ્ટ કરીને તેમણે જણાવ્યું કે, શેલ્ટર હૉમમાં કાગળ પર જે મેનુ બતાવવામાં આવે છે તેનાથી તદ્દન નીચલી કક્ષાનું ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું હતું. 

    સ્થળ મુલાકાત બાદ તેમણે કહ્યું કે, “પ્રાથમિક દ્રષ્ટિએ જણાય રહ્યું છે કે વધુ મોત ડાયેરિયાના કારણે થયાં છે. પાણી અશુદ્ધ આપવામાં આવી રહ્યું હતું. હું કિચનમાં પણ ગઈ હતી, જ્યાં પણ ફિલ્ટર લગાવવામાં આવ્યાં ન હતાં. અહીંના સંચાલકે જણાવ્યું છે કે તેમણે સરકારને આ બાબતો વિશે જાણ કરી હતી, પરંતુ કોઇ ધ્યાન આપવામાં ન આવ્યું. સાથે કહેવામાં આવી રહ્યું છે કે જે સંચાલક છે તેમની પાસે વધારાનો ચાર્જ છે, તો અઠવાડિયામાં એક જ વખત આવી શકે છે. અહીં કોઇ સરખી વ્યવસ્થા નથી અને તાલીમ ન અપાયેલી હોય તેવા કર્મચારીઓના ભરોસે જ સંચાલન કરવામાં આવી રહ્યું છે.”

    ઉપરાજ્યપાલે આપ્યા તપાસના આદેશ 

    આ મામલે દિલ્હીના ઉપરાજ્યપાલ વી. કે સક્સેનાએ પણ તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, આશા કિરણ હૉમ સહિત દિલ્હી સરકાર દ્વારા ચલાવવામાં આવતાં આવાં તમામ શેલ્ટર હૉમની તપાસ કરવામાં આવે અને ક્યાંક ગેરરીતી આચરવામાં આવતી હોય તો જવાબદેહી નક્કી કરીને તેનો રિપોર્ટ સોંપવામાં આવે. ઉપરાંત, જેમનાં મૃત્યુ થયાં છે તેમના વાલીવારસોનો સંપર્ક કરીને તેમને વળતર ચૂકવવામાં આવે તેમ પણ તેમણે નિર્દેશ કર્યા છે. 

    સ્વાતિ માલીવાલે કહ્યું- આ ગુનાહિત બેદરકારી, મંત્રીઓ ક્યાં છે? 

    આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે પણ શેલ્ટર હૉમની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, “મારી દ્રષ્ટિએ આ સીધો ગુનાહિત બેદરકારીનો મામલો છે. દર્દીઓની ફાઈલોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તેઓ કુપોષણનો શિકાર હતા. અમુકને અલગ-અલગ પ્રકારના ચામડીના રોગો હતા. હું ગઈ ત્યારે જોયું કે એક જ જગ્યાએ 46-46 લોકોને રાખવામાં આવી રહ્યા છે. પરંતુ ત્યાં એટલી જગ્યા જ નથી. ત્યાં એટલી ગરમી છે, માણસ ઊભો ન રહી શકે. સંચાલકોની જગ્યાએ એસી છે અને 200થી 300 મહિલાઓ જ્યાં રહેતી, ત્યાં એક પણ AC નથી. આ મૃત્યુ ઓવરક્રાઉડિંગ, કુપોષણ અને ડીહાઇડ્રેશનનાં કારણે થયાં છે.”

    તેમણે આમ આદમી પાર્ટી સરકારનાં જ મંત્રી પર પ્રશ્ન ઉઠાવતાં કહ્યું કે, “કેટલી શરમની વાત છે કે હજુ સુધી મંત્રી અહીં નથી આવ્યા. હજુ સચિવ નથી આવ્યા. શું તેઓ ત્યાં AC કેબિનમાં બેઠાં રહેશે અને લોકો અહીં મૃત્યુ પામતા રહેશે? આ મામલે FIR નોંધીને જેઓ પણ જવાબદાર છે તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. હું એક રિપોર્ટ તૈયાર કરી રહી છું અને સંસદમાં મુદ્દો ઉઠાવીશ.”

    AAPનો પ્રેસ કૉન્ફરન્સનો મોહ ન છૂટ્યો 

    ભારે ટીકા બાદ આખરે આમ આદમી પાર્ટી સરકારનાં મંત્રી આતિશીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને મામલાની તપાસના આદેશ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, જેઓ જવાબદાર હશે તેમને બક્ષવામાં નહીં આવે. જોકે, NCW અધ્યક્ષ રેખા શર્માએ તેની ઉપર પણ પ્રશ્ન ઉઠાવતાં કહ્યું કે, મીડિયામાં મુદ્દો ચગ્યો ત્યારે મંત્રી આતિશી જાગ્યાં તો અત્યાર સુધી તેઓ અને તેમની સરકાર શું કરી રહ્યાં હતાં? આટલાં મંત્રાલયો તેમના હાથમાં છે તો તેમનું ધ્યાન ન ગયું? હવે જ્યારે સરકાર પર પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે તેઓ પ્રેસ કૉન્ફરન્સ કરી રહ્યાં છે!”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં