ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ અને નવી સરકારની રચના થયા બાદ હવે 15મી ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર આયોજિત થવા જઈ રહ્યું છે. આ સત્ર આવતા મહીને એટલેકે 23મી ફેબ્રુઆરીએ શરુ થશે અને 25 દિવસ ચાલશે.
ફેબ્રુઆરી મહિનો હોવાને લીધે વિધાનસભાનું આ પ્રથમ સત્ર બજેટ સત્ર પણ બની રહેશે. આ સત્રમાં વિવિધ સરકારી વિધેયકો ઉપરાંત ગુજરાત સરકારના અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ ગૃહમાં રજુ કરવામાં આવશે. પરંપરા અનુસાર અને બંધારણના અનુચ્છેદ 176 (1) અનુસાર વર્ષનું પ્રથમ સત્ર હોવાને લીધે તેના પ્રથમ દિવસે ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ વિધાનસભ્યોને સંબોધિત કરશે.
ત્યારબાદ વિધાનસભા રાજ્યપાલના સંબોધન અંગે ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરીને તેને પસાર કરશે. 24 ફેબ્રુઆરી એટલેકે સત્રના બીજા દિવસે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2023-24 માટે રાજ્યનું બજેટ રજુ કરશે.
મળતી માહિતી અનુસાર ગુજરાત વિધાનસભાનાં આ પ્રથમ સત્રમાં બજેટ બાબતે કુલ 16 બેઠકોમાં ચર્ચા થશે અને તે દરમ્યાન સરકારી વિધેયકો તેમજ કાર્યો બાબતે ચર્ચા અને મતદાન થશે જેની બેઠકોની સંખ્યા 5 રાખવામાં આવી છે. વિધાનસભાના પ્રથમ સત્ર અંતર્ગત આવનારા દરેક દિવસના પ્રથમ કલાકમાં પ્રશ્નકાળ દરમ્યાન વિધાનસભ્યો પોતપોતાના વિસ્તારોના પ્રશ્નો વિવિધ મંત્રીઓને પૂછી શકશે અને મંત્રીઓ તેના જવાબ આપશે.
15મી ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર કેવું રહેશે એ બાબતે અધ્યક્ષ શંકર ચૌધરીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્યપાલના આહ્વાનથી બજેટ સત્ર બોલાવવામાં આવ્યું છે જે 23 ફેબ્રુઆરી 2023થી 29 માર્ચ 2023 સુધી ચાલશે. આમ આ સત્ર દરમ્યાન કુલ 35 દિવસો છે પરંતુ કામકાજ માટે 25 દિવસો નક્કી કરવામાં આવ્યાં છે.
ગુજરાત વિધાનસભાની ગત વર્ષે ડિસેમ્બરમાં આયોજિત ચૂંટણીઓમાં ભવ્ય તેમજ ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ભુપેન્દ્ર પટેલની સરકાર માટે આ પ્રથમ સત્ર અતિશય મહત્વનું બની રહેવાનું છે. આટલો મોટો વિજય મેળવ્યા બાદ પ્રજાને સરકાર પાસેથી અપેક્ષાઓ વધુ હોય તેથી સરકાર પોતાના બજેટમાં પણ આ લાગણીનો પડધો પાડે તે શક્ય છે.
નાણામંત્રી કનુભાઈ દેસાઈ માટે આ બીજું બજેટ હશે. તેઓ ગયા વર્ષે પણ એટલે કે ચૂંટણીના વર્ષે બજેટ રજુ કરી ચૂક્યાં છે અને આ વર્ષે ચૂંટણી જીત્યાં બાદ તેઓ ફરીથી બજેટ રજુ કરશે.