Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશંકર ચૌધરી બનશે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ: એક દિવસીય સત્રમાં...

    શંકર ચૌધરી બનશે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ: એક દિવસીય સત્રમાં થશે ચૂંટણી

    શંકર ચૌધરી બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. તેમણે કોંગ્રેસના સીટિંગ MLA ગુલાબસિંહ રાજપૂતને હરાવ્યા હતા.

    - Advertisement -

    ગુજરાતમાં નવી સરકાર રચાયા બાદ હવે પ્રથમ વિધાનસભા સત્ર યોજવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ માટે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને પ્રોટેમ સ્પીકર પણ નીમવામાં આવ્યા છે. ત્યારે હવે નવા વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનાં નામો સામે આવ્યાં છે. જેમાં શંકર ચૌધરી અને જેઠા ભરવાડનાં નામોની પસંદગી કરવામાં આવી છે. 

    રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ નક્કી કરવામાં આવ્યું છે. વિધાનસભામાં શાસક પક્ષની બહુમતી જોતાં આ બંને જ જે-તે પદ માટે ચૂંટાશે તેમ લગભગ નક્કી છે. 

    શંકર ચૌધરી બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. તેમણે કોંગ્રેસના સીટિંગ MLA ગુલાબસિંહ રાજપૂતને હરાવ્યા હતા. તેઓ બનાસડેરીના ચેરમેન પણ છે તેમજ અગાઉની સરકારોમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. 

    - Advertisement -

    ઉપાધ્યક્ષ તરીકે પંચમહાલની શહેરા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડની પસંદગી કરવામાં આવી છે. તેઓ પોતાની બેઠક પરથી 47 હજાર મતોની લીડથી જીત્યા હતા. તેઓ સતત 1998થી ચૂંટાતા આવ્યા છે. આ તેમની સતત છઠ્ઠી ટર્મ છે. 

    વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ શંકર ચૌધરીને મંત્રીમંડળમાં પણ સામેલ કરવામાં આવશે તેવી ચર્ચા ચાલતી હતી પરંતુ તેમને સ્થાન અપાયું ન હતું. ત્યારબાદ તેમના નામની ચર્ચા સ્પીકર પદ માટે પણ ચાલી હતી. તેમની સાથે પૂર્વ મંત્રીઓ રમણલાલ વોરા અને ગણપત વસાવાના નામની પણ ચર્ચા ચાલી હતી. 

    નવી સરકાર બન્યા બાદ વિધાનસભાના પ્રથમ સત્રમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી થાય છે. પરંતુ ગુજરાતના કિસ્સામાં ભાજપ પાસે બહુમતીથી પણ બહુ મોટો આંકડો છે. જેના કારણે આ બંને નેતાઓની જીત લગભગ નિશ્ચિત છે અને માત્ર ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવશે. 

    આ પહેલાં ગઈકાલે ગૃહના પ્રોટેમ સ્પીકર તરીકે માંજલપુરના ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલને નીમવામાં આવ્યા હતા. તેઓ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. જે માટે આગામી 20 ડિસેમ્બરના રોજ વિધાનસભાનું વિશેષ સત્ર આયોજિત કરવામાં આવ્યું છે. ભારતના બંધારણના અનુચ્છેદ 180 હેઠળ રાજ્યપાલ પાસે ગૃહના સ્પીકરની અને પ્રોટેમની નિમણૂક કરવાની સત્તા હોય છે. જ્યારે ગૃહ નવા સ્પીકરની પસંદગી કરી લે ત્યારે પ્રોટેમ સ્પીકરનું પદ અસ્તિત્વમાં રહેતું નથી. તેથી જ પ્રોટેમ સ્પીકરનું પદ કામચલાઉ છે, જે માત્ર થોડા દિવસો માટે જ અસ્તિત્વમાં રહે છે. ખાસ કરીને, સ્પીકરની ચૂંટણી માટે જ પ્રોટેમ સ્પીકર નીમવામાં આવે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં