Friday, September 13, 2024
More
    હોમપેજગુજરાતગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની નિમણૂક: વિધાનસભાના નવા...

    ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની નિમણૂક: વિધાનસભાના નવા સભ્યોને લેવડાવશે શપથ

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં બાદ ભાજપે ભવ્ય વિજય હાંસલ કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર બની ગઈ છે, જેના ભાગરૂપે આજે વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાની માંજલપુર સીટના વિજેતા ઉમેદવાર યોગેશ પટેલની વરણી કરવામાં આવી છે.

    માંજલપુરના ધારાસભ્ય નવા પ્રોટેમ સ્પીકર બન્યા છે. પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલને સત્તાવાર જાણ કરવામાં આવી છે. હવે તેઓ તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. સાથે જ કાયમી સ્પીકરની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરશે. સામાન્ય રીતે પ્રોટેમ સ્પીકરનું કામ વિધાનસભાના નવા સભ્યોને શપથ લેવડાવવાનું અને વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કરવાનું હોય છે.

    પ્રોટેમ સ્પીકર શું છે

    પ્રોટેમ (Pro-tem) એ લેટિન શબ્દ પ્રો ટેમ્પોર (Pro Tempore)નું સંક્ષિપ્ત રૂપ છે. તેનો શાબ્દિક અર્થ થાય છે – ‘થોડા સમય માટે’. પ્રોટેમ સ્પીકર થોડા સમય માટે રાજ્યસભા અને વિધાનસભામાં કામ કરે છે. પ્રોટેમ સ્પીકર એવી વ્યક્તિ હોય છે જે વિધાનસભા અને લોકસભાના અધ્યક્ષ પદ પર થોડો સમય કામ કરે છે. તે કામચલાઉ હોય છે.

    - Advertisement -

    પ્રોટેમ સ્પીકરની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમની નિમણૂક ત્યાં સુધી હોય છે જ્યાં સુધી વિધાનસભાના કાયમી અધ્યક્ષની પસંદગી ન થાય. નવા ચૂંટાયેલા ધારાસભ્યોને માત્ર પ્રો-ટેમ સ્પીકર જ શપથ અપાવે છે. શપથવિધિનો સમગ્ર કાર્યક્રમ પ્રોટેમ સ્પીકરની દેખરેખ હેઠળ થાય છે.

    કોણ બની શકે છે પ્રોટેમ સ્પીકર

    પ્રો ટેમ સ્પીકરના પદ પર ગૃહના સૌથી વરિષ્ઠ સભ્યને ચૂંટવામાં આવે છે. જે ગૃહમાં નવા અને સ્થાયી સ્પીકરની પસંદગી કરવામાં મદદ કરે છે. પ્રોટેમ સ્પીકર એવી વ્યક્તિને જ બનાવવામાં આવે છે જેઓ ઘણી વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા હોય.

    ભારતના બંધારણના અનુચ્છેદ 180 હેઠળ રાજ્યપાલની પાસે ગૃહના સ્પીકરની અને પ્રોટેમની નિમણૂક કરવાની સત્તા હોય છે. જ્યારે ગૃહ નવા સ્પીકરની પસંદગી કરે છે, ત્યારે પ્રોટેમ સ્પીકરનું પદ અસ્તિત્વમાં રહેતું નથી. તેથી જ પ્રોટેમ સ્પીકરનું પદ કામચલાઉ છે, જે માત્ર થોડા દિવસો માટે જ અસ્તિત્વમાં રહે છે.

    વિધાનસભાના હાઉસમાં યોજાશે ધારાસભ્યોની શપથવિધિ

    19 અને 20 ડિસેમ્બરે ચૂંટાયેલા તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં હાજર રહેશે. વિધાનસભામાં તેમની શપથ વિધીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં વિધાનસભાના પ્રો ટેમ સ્પીકર તરીકે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ ધારાસભ્યોને શપથ લેવડાવશે. 

    આ દરમિયાન તમામ મંત્રીઓએ પોત પોતાના વિભાગનું કામ શરૂ કરી દીધું છે. ત્યારે આગામી 23 અને 24 ડિસેમ્બરે વિધાનસભાનું શિયાળુ સત્ર મળી શકે છે. બે દિવસના આ શિયાળુ સત્ર પહેલા વિધાનસભા સ્પીકરની નિમણૂંક કરવામાં આવશે. અહેવાલો અનુસાર વિધાનસભાના સ્પીકર માટે રમણલાલ વોરા, ગણપત વસાવા અને શંકર ચૌધરીનું નામ હાલમાં ચર્ચામાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં