બીગ બોસ 17 વિનર અને અનેક વિવાદોમાં રહેતા મુનવ્વર ફારુકીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, મુંબઈ પોલીસે મોડી રાત્રે એક હુક્કા બારમાં દરોડા પાડ્યા હતા. જ્યાં મુનવ્વર ફારુકી પણ હાજર હતો. પોલીસ તેને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. કથિત સ્ટેન્ડઅપ કોમેડિયન સિવાય અન્ય પણ 13 લોકોની પોલીસે અટકાયત કરી લીધી છે. નોંધનીય છે કે, મુનવ્વર ફારુરીએ ભૂતકાળમાં પોલીસ કાર્યવાહીનો સામનો કર્યો હતો. તેણે હિંદુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કર્યા બાદ તેના પર ગુનો દાખલ થયો હતો.
મુંબઈ પોલીસે મંગળવારે (26 માર્ચ) રાત્રે શહેરના ફોર્ટ વિસ્તારમાં આવેલા સબાલન હુક્કા બારમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી મુંબઈ પોલીસની SS બ્રાન્ચ (સોશિયલ સર્વિસ બ્રાન્ચ) દ્વારા કરવામાં આવી હતી. પોલીસને માહિતી મળી હતી કે, હુક્કા બારમાં તંબાકુ પ્રોડક્ટ્સની સાથે નિકોટિનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે બાદ પોલીસે તે સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરોડા સમયે તે હુક્કા બારમાં વિવાદિત મુનવ્વર ફારુકી પણ હાજર હતો. પોલીસે તે જ સમયે ફારુકી સહિત અન્ય 13 લોકોની અટકાયત કરી લીધી હતી અને તમામને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ COTPA હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જો તમાકુ પ્રોડક્ટ્સ મળી આવશે તો પોલીસ દ્વારા સિગારેટ એન્ડ ટોબેકો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જોકે, મુનવ્વર ફારુકીને નોટિસ ફટકારીને રાત્રે જ ઘરે જવાની પરવાનગી આપી દેવામાં આવી હતી. આ મામલે પોલીસનું પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે.
પોલીસ અધિકારીઓએ આ મામલે કહ્યું છે કે, જ્યારે પોલીસે ફોર્ટમાં ચાલી રહેલા હુક્કા પાર્લર પર દરોડા પાડ્યા તો તે સમયે ત્યાં મુનવ્વર ફારુકી પણ હાજર હતો. ટેસ્ટ દરમિયાન તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. કારણ કે, આ એક કોગ્નિઝેબલ ગુનો છે. તેથી ફારુકીને દંડિત કરીને છોડી મૂકવામાં આવ્યો છે. ફારુકી પર સિગારેટ અને અન્ય ટોબેકો ઉત્પાદ અધિનિયમ, 2003 અને COPTA 2003 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ હવે તેમ અન્ય કલમો પણ ઉમેરવામાં આવી છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે.
નોંધવું જોઈએ કે, આ કોઈ પહેલીવાર નથી કે, જ્યારે મુનવ્વર ફારુકી વિવાદમાં ઘેરાયો હોય. આ પહેલાં 2021માં ઈન્દોરમાં સ્ટેન્ડઅપ કોમેડી ઇવેન્ટ દરમિયાન તેણે ભગવાન રામ અને માતા સીતા વિશે કેટલીક અભદ્ર ટિપ્પણી કરી હતી. ત્યારે પણ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ કેસમાં તેણે અંદાજે 35 દિવસ જેલમાં વિતાવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તેણે અનેક મુસીબતોનો સામનો કારવો પડ્યો હતો. તેના ઘણાબધા શો પણ કેન્સલ થવા લાગ્યા હતા.