ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવ્યા બાદ હવે નવી વિધાનસભાનું માળખું રચવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવી વિધાનસભામાં પાર્ટીના કુલ 156 ધારાસભ્યો ગૃહમાં બેસશે. કોંગ્રેસના 17, જ્યારે આમ આદમી પાર્ટીના માત્ર 5 ધારાસભ્યો હશે. બાકીના 3 અપક્ષ અને એક સપા ઉમેદવાર પણ હશે. ગુજરાતની નવી વિધાનસભાનું માળખું રચવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જેમાંથી 105 ચહેરાઓ એવા છે, જેઓ પહેલી વખત વિધાનસભાનાં પગથિયાં ચડશે.
ડોક્ટર અને ઉદ્યોગપતિ સહિતની 14 મહિલાઓ આ વખતે વિધાનસભા પહોંચી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ 138 મહિલાઓએ દાવેદારી નોંધાવી હતી. જેમાંથી ભાજપનાં 17 મહિલા ઉમેદવારો, કોંગ્રેસનાં 14 મહિલા ઉમેદવારો અને AAPનાં માત્ર 6 મહિલા ઉમેદવારો હતાં. જ્યારે અપક્ષમાંથી 102 મહિલાઓ ચૂંટણી લડી હતી. જોકે, વિજય મુખ્ય માત્ર 15 મહિલાઓનો વિજય થયો છે. જેમાંથી કોંગ્રેસમાંથી માત્ર 1 MLA ચૂંટાયાં છે. આ સિવાય ભાજપમાંથી જીતેલા 14 ઉમેદવારો પૈકી ત્રણ ઉમેદવારો પ્રેક્ટિસિંગ ડોક્ટર છે, જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, નાંદોદ વિધાનસભાના ઉમેદવાર ડો. દર્શના દેશમુખ અને નરોડા બેઠક પરથી જીત નોંધાવનાર પાયલ કુકરાણીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના જામનગર ઉત્તરથી 50,000થી વધુ મતોથી જીતનાર બિઝનેસવુમન રિવાબા જાડેજાનો પણ સમાવેશ થાય છે, જેઓ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની છે. અન્ય બે બિઝનેસ વુમન રીટાબેન પટેલ અને માલતીબેન મહેશ્વરી પણ વિધાનસભામાં પહોંચ્યા છે. રીટાબેન પટેલ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટાયા છે. તેઓ વ્યવસાયે બિલ્ડર છે.
બીજી તરફ ગાંધીધામ બેઠક પરથી જીતેલા માલતીબેન મહેશ્વરી લોજિસ્ટિક્સનો વ્યવસાય કરે છે. આ ઉપરાંત દર્શનાબેન વાઘેલા અમદાવાદની અસારવા વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા છે. દર્શનાબેન વાઘેલા એક ગૃહિણી છે. બીજી તરફ ભાવનગર-પૂર્વથી જીતેલા સેજલ પંડ્યા કોચિંગ ચલાવે છે. ભાજપના 13 મહિલા ધારાસભ્યોમાંથી પાંચ મહિલા ધારાસભ્યો સીટીંગ ધારાસભ્ય છે. તો બીજી તરફ કોંગ્રેસના એકમાત્ર મહિલા પ્રતિનિધિ ગેનીબેન ઠાકોર છે, જેઓ વાવના વર્તમાન ધારાસભ્ય છે.
105 નવા ચહેરા સાથે માત્ર 1 જ મુસ્લિમ ઉમેદવાર
આ ચૂંટણીમાં કુલ 105 ઉમેદવારો એવા હતા જેઓ પહેલી વખત જીત્યા હતા. બીજી તરફ આ ચૂંટણીમાં ફક્ત 1 મુસ્લિમ ઉમેદવાર જીતવામાં સફળ રહ્યા છે. 2017માં 3 મુસ્લિમ ધારાસભ્ય ચૂંટણી જીત્યા હતા. જમાલપુર-ખાડિયાથી કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર આ વખતે વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા સફળ રહ્યા છે. અહીં તેમણે ભાજપના ભૂષણ ભટ્ટને 13 હજાર 600 મતથી હરાવ્યા છે. 2022ની ચૂંટણીમાં કુલ 126 ધારાસભ્યોએ ફરીથી ચૂંટણી લડી હતી. મતદારોએ તેમાંથી 77 ઉમેદવારોને ફરીથી ચૂંટ્યા છે, જેમાંથી 84 ટકા ભાજપના છે, જ્યારે 12 ટકા કોંગ્રેસના છે.