Wednesday, April 17, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઆ 10 બેઠકો પર ભાજપની ત્સુનામીમાં ટકી ન શક્યા પંજો-ઝાડુ, 1 લાખથી...

  આ 10 બેઠકો પર ભાજપની ત્સુનામીમાં ટકી ન શક્યા પંજો-ઝાડુ, 1 લાખથી વધુની સરસાઈથી જીત્યા ભાજપ ઉમેદવારો: મુખ્યમંત્રીએ ફરી રેકોર્ડ બનાવ્યો

  સૌથી વધુ લીડથી જીતનારા ઉમેદવારોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફરી પહેલા સ્થાને આવ્યા.

  - Advertisement -

  ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપે એકલાએ 180માંથી 156 બેઠકો મેળવી છે જે અગાઉના 149ના રેકોર્ડને પણ તોડી દીધો છે. આ ચૂંટણીમાં ભાજપના 10 ઉમેદવારો એવા હતા જેમને 1 લાખથી વધુ મતોની લીડથી જીત મળી છે. ભાજપના આ 1 લાખથી વધુ મતોની લીડ મેળવનારા ઉમેદવારોનું સરવૈયું જોવા જઈએ તો તે આ પ્રમાણે છે.

  ઘાટલોડિયા વિધાનસભા બેઠક, ઉમેદવાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

  ભાજપના 1લાખથી વધુ મતોની લીડથી જીત મેળવનારા ઉમેદવારમાં પ્રથમ ક્રમાંકે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. તેઓ આ વખતે 1,92,263 મતની લીડથી જીત્યા છે. 12 ડિસેમ્બરે તેઓ ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. મુખ્યમંત્રી બન્યા બાદ ભાજપે રાજ્યમા આખી સરકાર બદલવાનો નિર્ણય કર્યો ત્યારે મુખ્યમંત્રી પદ માટે ભૂપેન્દ્ર પટેલની પસંગીએ સૌને ચોંકાવી દીધા હતા. સપ્ટેમ્બર 2021માં મુખ્યમંત્રી બન્યા તે પહેલાં અમદાવાદની બહાર બહુ ઓછા લોકો ભૂપેન્દ્ર પટેલને ઓળખતા હતા. પાર્ટીની અંદર પણ ઘણા લોકો તેમનાથી પરિચિત ન હતા. ઉલ્લેખનીય છે કે સીએમ ભુપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તૂટે તેટલા માર્જીનથી મત મેળવ્યા છે. વોટ શેરની વાત કરીએ તો ભુપેન્દ્ર પટેલે 82.95% વોટશેર મેળવ્યા છે. તેમણે હરીફ ડૉ. અમી યાજ્ઞિક (INC)ને 1,92,263 મતોના માર્જિનથી હરાવ્યાં છે.

  - Advertisement -

  સુરત ચોર્યાસી વિધાનસભા બેઠક, ઉમેદવાર: સંદિપ દેસાઈ

  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બાદ બીજા નંબર પર સહુથી વધુ મતોની લીડ મળી હોય તેવા ઉમેદવાર ચોર્યાસી વિધાનસભા બેઠકના ઉમેદવાર સંદીપ દેસાઈ છે. સંદીપ દેસાઈને કુલ 1,81,846 મત વધુ મળ્યા છે. સુરત જિલ્લા શહેરના પ્રમુખ રહી ચૂકેલા સંદીપ દેસાઈની ઉમેદવારી તેવી બેઠક પર કરવામાં આવી હતી, જ્યાંના જ્ઞાતિગત સમીકરણમાં તેઓ ફીટ નહોતા બેસતા. ચોર્યાસી બેઠક ઉપર સૌથી વધુ મતદારો કોળી પટેલ અને પરપ્રાંતિયો છે. જેમાં ઉત્તર ભારતીયોની સંખ્યા પણ સૌથી વધુ છે. એક સમયે તેવો ગણગણાટ શરુ થઇ ગયો હતો કે આ બેઠક કદાચ ભાજપના હાથમાંથી જશે, અને સામા પક્ષની પાર્ટીઓ પણ સંદીપ દેસાઈને ટીકીટ અપાતા ગેલમાં આવી ગઈ હતી. પરંતુ આ તમામ તુક્કાઓ વચ્ચે સંદીપ દેસાઈએ 1 લાખ 84 હજારથી પણ વધુ મત મેળવીને ગણિત ખોટું પાડી દીધું છે.

  સુરત મજુરા વિધાનસભા બેઠક, ઉમેદવાર: હર્ષ સંઘવી

  સુરત મજુરા વિધાનસભા બેઠક ઉમેદવાર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી 1 લાખથી વધુ મતોની લીડથી જીત મેળવનાર ઉમેદવારની યાદીમાં ત્રીજા નંબર પર છે. તેમણે કુલ 1,16,675 વધુ મત મેળવ્યા છે, સંઘવી આ બેઠક પરથી સતત 3 વખત જીત્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીને 83.15 ટકા વોટ મળ્યા છે. ભાજપમાંથી 37 વર્ષની વયે અમિત શાહને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી બનાવાયા હતા. હર્ષ સંઘવી તેનાથી એક વર્ષ નાની ઉંમરે – 36 વર્ષે જ આ પદે પહોંચ્યા હતા. ગુજરાતમાં જોકે સૌથી નાની વયના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી બનવાનો વિક્રમ નરેશ રાવલના નામે છે.

  ઓલપાડ વિધાનસભા બેઠક, ઉમેદવાર: મુકેશ પટેલ

  1લાખથી વધુ મતોની લીડથી જીત મેળવનાર ભાજપ ઉમેદવારોમાં ચોથા સ્થાને છે ઓલપાડ વિધાનસભા બેઠકના ઉમેદવાર મુકેશ પટેલ. તેમણે આ ચૂંટણીમાં કુલ 1,15,136 વધુ મત મેળવ્યા છે. 2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે સતત બે ટર્મથી જીતતા આવતા મુકેશ પટેલને મેદાને ઉતાર્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી પાટીદાર નેતા ધાર્મિક માલવીયા લડ્યા હતા. ઓલપાડ વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. પાટીદાર અનામત આંદોલન વખતે પણ પાટીદાર બહુમતી ધરાવતી આ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો હતો. કોંગ્રેસ છેલ્લે 1985માં આ બેઠક પર જીતી હતી. ત્યારથી અત્યાર સુધી કોંગ્રેસને જીતનો સ્વાદ ચાખવા નથી મળ્યો. 2017માં ભાજપના મુકેશ પટેલે 61,578 મતોની સરસાઈથી કોંગ્રેસનાં યોગેન્દ્રસિંહ બાકરોલાને હરાવ્યા હતા. જયારે 2012માં ભાજપના મુકેશ પટેલે કોંગ્રેસના જયેશ પટેલને 37058 મતોના તફાવતથી હરાવ્યા હતા.

  રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક, ઉમેદવાર: ડૉ. દર્શિતા શાહ

  1 લાખથી વધુની લીડ મેળવનાર ઉમેદવારોમાં રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક ઉમેદવાર ડૉ. દર્શિતા શાહ 1,05,975 વધુ મત મેળવીને પાંચમા ક્રમે છે. દર્શિતા શાહની આ સીટ ભાજપ માટે બહુ ખાસ કહી શકાય તેવી છે, કારણકે રાજકોટ પશ્ચિમ બેઠક હાઈપ્રોફાઈલ સીટ માનવામાં આવે છે. આ એ જ સીટ છે જ્યાંથી નરેન્દ્ર મોદી સૌપ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા. ઉપરાંત વજુભાઈ વાળા પણ છ ટર્મ જેટલી ચૂંટણી આ સીટ પરથી જ લાદી ચુક્યા છે અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ સીટ પરથી લડી ચુક્યા છે. ગુજરાતને 3 વખત મુખ્યમંત્રી આપનારી અને પહેલેથી જ સંઘનું પ્રભુત્વ ધરાવતી રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર મહિલાની દાવેદારી હોય તેવી પ્રથમ વખત ઘટના બની છે.

  કાલોલ વિધાનસભા બેઠક, ઉમેદવાર: ફતેસિંહ ચૌહાણ

  1 લાખથી વધુની લીડ મેળવનાર ભાજપ ઉમેદવારોની શ્રેણીમાં છઠ્ઠું નામ છે કાલોલ વિધાનસભા બેઠક પરથી લડનારા ઉમેદવાર ફતેસિંહ ચૌહાણનું. તેમણે કુલ 1,05,410 વધુ મત મેળવ્યા છે. કાલોલ-127 બેઠક ઉપર નજીકના કોંગ્રેસના હરીફ પ્રભાતસિંહ ચૌહાણ સામે મોટા માર્જીનથી જીત્યા છે. ફતેસિંહ ચૌહાણને 75.3% મત મળ્યા તો કોંગ્રેસના પ્રભાતસિંહને 13.97% મત મળ્યા હતા. 11 ઉમેદવારો વચ્ચેના જંગમાં આપના ઉમેદવાર દિનેશ બારીઆ 4.59% મત મેળવ્યા હતા, તો નોટામાં 2.09% મતદાન થયું હતું.

  એલિસબ્રીજ વિધાનસભા બેઠક, ઉમેદવાર: અમિત શાહ

  આ શ્રેણીમાં સાતમું નામ છે એલિસબ્રીજ વિધાનસભા બેઠક ઉમેદવાર અમિત શાહનું, જેઓએ 1,04,496 વધુ મત મેળવીને ભાજપને જીત અપાવી હતી. આ બેઠકનો વોટ શેર પણ 80 ટકાથી વધુ છે. ત્યારે સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવાર ભીખુ દવેની કારમી હાર થઇ છે. આ બેઠક પર કુલ 59.71 ટકા મતદાન થયું અને 1,47,669 વોટ પડ્યા હતા. ટકાવારી પ્રમાણે આ બેઠક પર 55.41 ટકા મતદાન થયું હતું. આ બેઠક પર કુલ 2,66,486 મતદારો છે. જેમાં 1,33,531 પુરુષ મતદારો અને 1,32,951 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. એલિસબ્રીજ વિધાનસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ એક સમયે અમદાવાદના મેયર પણ રહી ચૂક્યા છે.

  સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક, ઉમેદવાર: પુર્ણેશ મોદી

  1 લાખથી વધુની લીડ મેળવનાર ઉમેદવારમાં 8મા ક્રમે છે સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક ઉમેદવાર પુર્ણેશ મોદી. તેમણે 1,04,312ની લીડથી જીત મેળવી છે. આ બેઠક ભાજપનો ગઢ માની શકાય તેવી બેઠક છે, આ બેઠક ઉપર ભાજપનો વિજય પહેલાથી જ નિશ્ચિત માનવામાં આવ્યો હતો. પૂર્ણેશ મોદીને ફરીથી રિપીટ કરવામાં આવ્યા હતા. એક તબક્કે પૂર્ણેશ મોદીને ટિકિટ નહીં મળે તેવી વાત હતી. જોકે, સતત કામ કરતા, પ્રજામાં લોકપ્રિયતા ધરાવતા પૂર્ણેશ મોદીને ફરી ટીકીટ અપાઈ અને તેઓ ખરા પણ ઉતર્યા. આ બેઠક ઉપર કોંગ્રેસે સંજય પટવાને ટિકિટ આપી હતી. જેઓ આયાતી ઉમેદવાર હતા. આમ આદમી પાર્ટીનો પ્રચાર પ્રસાર પણ લગભગ શૂન્ય હતો. આ તમામ ફેક્ટરે અહીં ભાજપને ફરી પ્રચંડ જીત અપાવી છે.

  વલસાડ વિધાનસભા બેઠક ઉમેદવાર ભરત પટેલ

  1 લાખથી વધુની લીડ મેળવનારમાં 9મુ નામ છે વલસાડ વિધાનસભા બેઠક ઉમેદવાર ભરત પટેલનું. તેમણે કુલ 1,03,776 મત મેળવીને પ્રચંડ જીત હાંસલ કરી છે. જોકે વલસાડ જિલ્લાની તમામ પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારોની જ જીત થઇ છે, પણ તેમાં સહુથી વધુ મત ભરત પટેલને મળ્યા છે. તેમના ઉપરાંત પારડી કનુભાઇ દેસાઇ 98 હાજર વધુ મતોથી જીત્યા.

  માંજલપુર વિધાનસભા બેઠક, ઉમેદવાર: યોગેશ પટેલ

  1 લાખથી વધુ મતોની લીડથી જીત મેળવનારા ઉમેદવારોની આ યાદીમાં અંતિમ એટલેકે 10મુ નામ છે માંજલપુર વિધાનસભા બેઠક ઉમેદવાર યોગેશ પટેલનું, જેમણે કુલ 1,00,754ની લીડથી જીત મેળવી છે. ઉપરોક્ત તમામ ઉમેદવારો કરતા વધુ અનુભવ અને ઉમર ધરાવતા યોગેશ પટેલ 76 વર્ષની વયે માંજલપુર વિધાનસભા બેઠક પર 8મી વખત ચૂંટાયા છે. તેમને આ વખતની ચૂંટણીમાં રેકોર્ડ 75.85% વોટ્સ મળ્યા હતા. માંજલપુર બેઠક પર તેમના પ્રતિસ્પર્ધી તરીકે કોંગ્રેસના ડોક્ટર તશવિન સિંહ અને ‘આપ’ના વિનય ચૌહાણ લડી રહ્યા હતા. આ બંનેને અનુક્રમે 12.24 અને 6.96% વોટ્સ મળ્યા હતા. યોગેશ પટેલ ભાજપના સૌથી મોટી વયના ઉમેદવાર છે. તેમણે 1990માં પહેલીવાર ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેમણે રાવપુરા બેઠક પરથી પાંચ વખત ચૂંટણી લડી અને જીત્યા હતા. આ બેઠકની રચના 2012માં સીમાંકન બાદ કરવામાં આવી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં