નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે (8 ફેબ્રુઆરી, 2024) લોકસભામાં દેશની આર્થિક સ્થિતિ પર શ્વેતપત્ર રજૂ કર્યું. 59 પાનાંના આ દસ્તાવેજમાં 2004થી 2014 સુધીનાં 10 વર્ષ કોંગ્રેસની આગેવાનીવાળી UPA સરકાર દરમિયાન દેશની અર્થવ્યવસ્થા કઈ રીતે નબળી પડી હતી અને ત્યારબાદ આવેલી મોદી સરકારે 2014થી 2024 સુધી તેમાં શું નોંધપાત્ર સુધારા કર્યા અને કઈ રીતે આર્થિક સ્થિતિ સુધારી તે જણાવવામાં આવ્યું છે.
શ્વેતપત્ર જણાવે છે કે, જ્યારે 2014માં ભાજપ સરકાર બની ત્યારે અર્થવ્યવસ્થા એકદમ નાજુક સ્થિતિમાં હતી. નબળું પબ્લિક ફાયનાન્સ, આર્થિક ગેરવહીવટ, નાણાકીય અનિયમિતતાઓ અને ભરપૂર પ્રમાણમાં ભ્રષ્ટાચાર- ત્યારે દેશની સ્થિતિ આવી હતી. સરકાર કહે છે કે, તેઓ સત્તામાં આવ્યા બાદ આ સ્થિતિમાં તબક્કાવાર સુધારો કરવો અને સરકારી પ્રણાલીને વ્યવસ્થિત કરવી બહુ જરૂરી હતી.
કેમ લાવવામાં આવ્યું આ શ્વેતપત્ર?
સત્તામાં આવ્યા બાદ UPA સરકારનાં કાળાં કામો પર પ્રકાશ પાડતું શ્વેતપત્ર ત્યારે કેમ જાહેર કરવામાં ન હતું આવ્યું- તેનો જવાબ આપતાં આ દસ્તાવેજ જણાવે છે કે, તેનાથી એક ખરાબ છાપ પડી હોત અને દેશના નાગરિકો અને ખાસ કરીને રોકાણકારોનો વિશ્વાસ પણ ડગ્યો હોત. તે સમયે પ્રાથમિકતા એ જ હતી કે લોકોને વિશ્વાસ અપાવવામાં આવે અને સ્થાનિક અને વિદેશી રોકાણને આકર્ષીને આર્થિક સુધારા લાવવામાં આવે.
વ્હાઈટ પેપર જણાવે છે કે, “મોદી સરકાર ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનામાં મને છે અને રાજકીય સ્કોર સેટલ કરવા એ તેમનો ધ્યેય નથી. હવે જ્યારે તેમના 10 વર્ષના કાર્યકાળમાં અર્થવ્યવસ્થા સુવ્યવસ્થિત થઈ ગઈ છે અને વિકાસપંથે સતત આગળ વધી રહી છે ત્યારે UPA સરકારના કાર્યકાળમાં થયેલા ગેરવહીવટ અને અનિયમિતતાઓ વિશે લોકો જણાવવું જરૂરી છે.
શ્વેતપત્ર લાવવા પાછળના ઉદ્દેશ્યો જણાવતાં સરકાર કહે છે કે, તેનાથી 2014માં મોદી સરકાર સત્તામાં આવી ત્યારે દેશની આર્થિક પરિસ્થિતિ શું હતી અને કેવી સ્થિતિમાં દેશ તેમને સોંપવામાં આવ્યો હતો તેની જાણ થઈ શકશે તેમજ તે સમયની સરકારી વ્યવસ્થા અને નાણાકીય કટોકટી વિશે પણ પ્રકાશ પાડવામાં આવશે. ત્યારબાદ તેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે મોદી સરકારે 10 વર્ષમાં નીતિગત નિર્ણયો અને અમુક આવશ્યક પગલાં લઈને અર્થવ્યવસ્થાને ફરી આકાર આપ્યો અને વેગવાન બનાવી.
3 વિભાગમાં છે શ્વેતપત્ર
આ શ્વેતપત્રના કુલ 3 વિભાગો છે. પ્રથમ વિભાગમાં 2004થી 2014 સુધી સત્તામાં રહેલી મનમોહનસિંઘ સરકારના કાર્યકાળ દરમિયાન દેશની આર્થિક સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી છે. આ સમય દરમિયાન ફુગાવાનો દર બે આંકડામાં જતો રહ્યો હતો અને બેન્કિંગ સેક્ટરને પણ અસર પડી હતી. એ પણ જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે 2004માં બાજપેયી સરકારે સારી આર્થિક સ્થિતિમાં દેશ સોંપ્યા બાદ પણ UPA સરકારે તેમાં વધુ વિકાસ કરવાના પ્રયાસ ન કર્યા.
આ જ વિભાગમાં આ 10 વર્ષ દરમિયાન પબ્લિક ફાયનાન્સને લઈને ગેરવહીવટ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. બીજી તરફ, UPA સરકાર દરમિયાન થયેલાં કૌભાંડો વિશે પણ આ વિભાગ જણાવે છે અને તેના કારણે દેશને કેટલું નુકસાન થયું તેની ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.
બીજા વિભાગમાં UPA સરકાર દરમિયાન થયેલા ભ્રષ્ટાચારો પર હાલ શું કાર્યવાહી ચાલી રહી છે અને ક્યાં સુધી પહોંચી તે જણાવાયું છે.
ત્રીજા અને અંતિમ વિભાગમાં સરકારે જણાવ્યું છે કે કઈ રીતે સરકારે આર્થિક સ્થિતિ સુધારી અને દેશને એક નવું સ્વરૂપ આપીને લોકોમાં વિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશાનો પુનઃ સંચાર કર્યો, જેથી દેશ એક સુવ્યવસ્થિત ઢબે આગળ વધી શકે અને એક સામૂહિક આત્મવિશ્વાસમાં વધારો થાય.