TMC સાંસદ મહુઆ મોઈત્રા વિરૂદ્ધ ઉદ્યોગપતિ પાસેથી પૈસા લઈને સંસદમાં સવાલો કરવાનો અને જવાબ તરીકે મળતી માહિતી પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. જે મુદ્દો છેલ્લા એક સપ્તાહથી ચર્ચામાં છે, પરંતુ હજુ સુધી તેમની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસે અંતર બનાવી રાખ્યું છે અને કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. બીજી તરફ, જ્યારે મીડિયાએ પ્રવક્તાને પ્રશ્ન કર્યો તો ત્યારે પણ તેમણે કોઇ ટિપ્પણી કરવાની ના પાડી દીધી હતી.
પશ્ચિમ બંગાળના TMCના સ્ટેટ જનરલ સેક્રેટરી કુણાલ ઘોષે ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતાં કહ્યું કે, “આ મુદ્દે અમારે કશું જ કહેવાનું થતું નથી, જેથી કોઇ ટિપ્પણી કરવામાં નહીં આવે.”
#WATCH | West Bengal | Allegations of bribery against TMC MP Mahua Moitra: TMC State General Secretary Kunal Ghosh says, "…No comments…Regarding this issue, the TMC will not say anything… The related person may answer this, not the TMC party…" pic.twitter.com/uIqFZSeDE1
— ANI (@ANI) October 21, 2023
તેમને જ્યારે ફરીથી પૂછવામાં આવ્યું કે, આ મુદ્દે રાજકારણ ગરમાયું છે અને ચર્ચા પણ ખૂબ થઈ રહી છે ત્યારે તેમણે કહ્યું કે, આ મુદ્દાને લઈને ઑલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ એક શબ્દ પણ નહીં ઉચ્ચારે અને અમારે કશું જ કહેવાનું રહેતું નથી અને આ મુદ્દે કોઇ પણ પ્રકારની ટિપ્પણીની પણ જરૂર નથી.
આ સિવાય પાર્ટી પ્રવક્તાએ મહુઆ મોઈત્રાનું નામ લીધા વગર કહ્યું કે, “સંબંધિત વ્યક્તિ આનો જવાબ આપશે પણ તૃણમૂલ કોંગ્રેસ નહીં.” ત્યારબાદ પત્રકાર ફરીથી તેમને કહે છે કે આરોપ TMC સાંસદ પર લાગ્યા છે અને ભાજપ દ્વારા પણ પાર્ટી પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રવક્તાએ કહ્યું કે, “અમે નજર રાખી રહ્યા છીએ, માહિતી મેળવી રહ્યા છીએ, પણ અમે અત્યારે કશું જ ટિપ્પણી કરવા નથી માંગતા.” તેમને એમ પણ પૂછવામાં આવ્યું કે શું તેઓ મોઈત્રા સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ, પરંતુ તેનો પણ જવાબ આપવામાં આવ્યો ન હતો.
મહુઆ મોઈત્રા પર પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપ
ઉલ્લેખનીય છે કે મહુઆ મોઈત્રા પર આરોપ છે કે તેમણે કારોબારી દર્શન હિરાનંદાની પાસેથી મોંઘી ભેટો અને પૈસા લઈને સંસદમાં અદાણી જૂથ અને અન્ય બાબતો સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા અને એટલું જ નહીં પરંતુ તેમના સંસદના લૉગિન આઈડી અને પાસવર્ડ પણ આપી રાખ્યા હતા. સવાલો પૂછવા બદલ મોઈત્રાને લાખોની કિંમતી ચીજવસ્તુઓ ભેટમાં મળી હોવાનો આરોપ છે.
આ મામલે ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ લોકસભા સ્પીકરને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી હતી. બીજી તરફ આરોપો લાગ્યા બાદ હિરાનંદાની સ્વયં સામે આવ્યા અને આરોપોની પુષ્ટિ કરીને કહ્યું કે, મહુઆ મોઈત્રાએ તેમની પાસેથી ભેટ પણ લીધી હતી અને સંસદના આઇડી-પાસવર્ડ પણ આપ્યા હતા.
બીજી તરફ, મહુઆ મોઈત્રા આરોપો ફગાવતાં આવ્યાં છે અને સરકાર પર આક્ષેપો કરી રહ્યાં છે. જોકે, તેમણે આઇડી-પાસવર્ડ આપવાની કે ભેટો લેવાની બાબતોનો ઇનકાર કર્યો નથી. સામે તરફે આમ તો વિપક્ષી પાર્ટીઓ પણ અદાણી જૂથ અને તેને લગતી બાબતોમાં સરકાર વિરુદ્ધ ખૂબ સક્રિય રહે છે પરંતુ આ બાબતમાં પાર્ટીઓ સાચવી-સાચવીને ચાલી રહી છે તો TMCએ હાથ ઊંચા કરી દીધા છે.